આપણી જ્ઞાતિના જાણીતા આર્ટીસ્ટ અને વિડીઓગ્રાફર શ્રી રાજાભાઈ પરમાર દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ “જે થશે તે જોયું જશે” આગામી પહેલી જુલાઈના રોજ રીલીઝ થનાર છે. કીર્તીદાન ગઢવીના લાડકી ફાઉન્ડેશન અને શ્રી મોગલ મહેર ફિલ્મ્સ પ્રોડક્શનના સંયુક્ત ઉપક્રમે રજુ થયેલ આ સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે. જેમાં જીવનમાં સમસ્યાઓથી નાસીપાસ થઇ સ્યુસાઈટ કરવા માગતા ત્રણ યુવાનોને એક યુવતી નિર્મળ ભાવથી કેવી રીતે બચાવે છે એની વાત કરવામાં આવી છે. એક રીતે જોઈએ તો આ એક મોટીવેશનલ સ્ટોરી છે. નાની મોટી સમસ્યાઓ તો જીવનમાં આવ્યા જ કરવાની પણ એની સામે કઈ રીતે લડવું અને જીતવું તેની સુંદર શીખ આ ફિલ્મમાં આપવામાં આવી છે. ફિલ્મમાં દર્શકોની સુરુચિનો ક્યાંય ભંગ ના થાય તેની ખાસ કાળજી લેવામાં આવી છે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મ ‘નો પ્રોફિટ’ ના ધોરણે બનાવવામાં આવેલ છે. કારણ કે આ ફિલ્મની અડધી આવક લાડકી ફાઉન્ડેશનના ઉપક્રમે દીકરીઓના કલ્યાણ માટે વાપરવામાં આવનાર છે જયારે બાકીની અડધી આવક શહીદોના પરિવાર માટે ઉપયોગમાં લેવામાં આવનાર છે. આ ફિલ્મના નિર્માતા શ્રી કુલદીપ દવે અને દિગ્દર્શક શ્રી રાજા સાહેબ છે.

મીઠાપુર પંથકમાં રાજા સાહેબના નામથી જાણીતા મૂળ ગોરસર અને પોરબંદરના વતની શ્રી રાજાભાઈ પરમાર હાલ મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સની શાળામાં કલા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. અને સાથે સાથે વિડીઓગ્રાફીનો શોખ અને વ્યવસાય ધરાવે છે. અગાઉ ‘માત લીરબાઇ’ સહીત અનેક મ્યુઝીક આલ્બમોનું તેઓએ સફળ દિગ્દર્શન કર્યું છે અને ફિલ્મ દિગ્દર્શન ક્ષેત્રે આ એમનું પ્રથમ પદાર્પણ છે. શ્રી રાજા સાહેબે પોતાનો અભ્યાસ પોરબંદરની ભાવસિંહજી હાઈસ્કુલમાં કર્યો છે અને પોતાની આ સફળતાનું શ્રેય ભાવસિંહજી હાઈસ્કુલના તત્કાલીન કલા શિક્ષક, તેમના ગુરુ અને આપણી જ્ઞાતિના મહાન ચિત્રકાર સ્વ.અરશીભાઇ કેશવાલાને સમર્પિત કરે છે.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *