- by હીનાબેન દાસા
जीवेषु करुणा चापि मैत्री तेषु विधियताम ।।
સંસ્કૃત શ્લોકથી શરૂઆત કરીએ તો સારું એવું નથી પણ અમુક શ્લોકો નિર્વિવાદ સ્વીકારાયા છે એમાંનો આ એક શ્લોક છે. એનો અર્થ થાય છે કે જીવમાત્ર પર દયા અને મિત્રતા રાખો. બુદ્ધ ચરિતામનો આ એક મંત્ર ઘણું કહી જાય છે. આપણે હંમેશા વ્યક્તિગત ધ્યેય શોધતા ફરીએ છીએ. પણ હકીકતમાં જીવનનું ધ્યેય તો આપણને ખબર જ નથી. ડાર્વિનની વાત આપણે કોઈ પણ જાતના વિવાદ વગર સ્વીકારી લીધી છે કે આપણે એક વાનરમાંથી ઉતરી આવેલી પ્રજાતિ છીએ. પણ એ પહેલાં આપણા શાસ્ત્રોએ અદભુત વાત કરી નાખી હતી કે પહેલા જીવન પાણીમાં એટલે કે મત્સ્ય અવતારે, પછી જમીન પર કૂર્મ અવતારે ને પછી ઉભયજીવી વરાહ અવતારે જીવન પૃથ્વી પર પાંગર્યું ને કમશઃ પૃથ્વી પર માણસ નામે પ્રજાતિ અવતરિત થઈ. આ દરેક અવતારો સાથે કઈક ને કઈ ધ્યેય જોડાયેલું હતું. એમ જ અકસ્માતે જ અવતરી આવેલી પ્રજાતિ આપણે નથી. આપણા જીવન સાથે કઈક ધ્યેય જોડાયેલું છે. પેઢીઓના વહીવંચા હોય એમ જો માણસ જાતિના વહીવંચા હોત તો ખરેખર આપણને સમજાઈ જાત કે માણસને જીવન ખાલી ખાવા પીવા કે જીવજંતુઓની જેમ રહેવા નથી મળ્યું. આ જીવન મળ્યું છે પૃથ્વી પરના સર્વ જીવોની રક્ષા અને મદદ કરવા..
જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,
લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર….
( સૌમ્ય જોશી )
ક્યારેક લાગે કે એ ચશ્મા આખી માણસ જાતને તો નથી ને! કેમ આપણે કશું જોઈ નથી શકતા ? ક્યાં તો આપણે ખરેખર ક્યાંક એકાદ બાજુ જોવા જ નથી માંગતા શું ? બે ચાર ફોટા પડાવવા પૂરતા જ આપણે માણસ બની જઈએ છીએ. દંભી માણસ… માણસ જમીનને કાટખૂણે ઉભી શકે માત્ર એટલો જ ફરક છે શું પ્રાણી અને માનવમાં ?
એક આખા ધર્મયુદ્ધ અને બુદ્ધના મહાભીનીષ્ક્રમણ પછી પણ દુનિયાને જોઈએ તો નીચલા સ્તરે ઉતરતી જતી હોય એવું લાગે છે. આખી વાત અધ્યાત્મના પાટે ન ચડાવીએ તો પણ ભુખ્યાને પોતાના ભાગની એક રોટલી આપીને શું આપણને આત્મસંતોષ નથી થતો ? થાય છે.. કારણ આપણી મૂળ પ્રકૃતિ છે પરોપકાર. ને જે હવે આપણે ભૂલવા માંડ્યા છીએ. સુખનો ઉબકો માનસજાતને જ્યારે આવે ત્યારે એને સમજાય છે કે જે સુખ હું ભોગવું છું મારે એકલાને ભોગવવાનું ન હતું. પણ જ્યારે એને સમજાય ત્યારે એ મરણપથારીએ પરવશ પડ્યો હોય છે. યુદ્ધ, વાઇરસ, નક્સલવાદ, આતંકવાદ ના ઢગલા પર બેઠા હોવા છતાં આપણે માનવીય ગુણો ભૂલતા જઈએ છીએ.
એક સેક્સ વર્કર રિના અખ્તર કોરોનાના કપરા સમયમાં પણ ઢાકામાં દર અઠવાડિયે હજારો લોકોને જમાડી શકતી હોય તો એ પોતાના પ્રકૃતિગત પરોપકારના સ્વભાવના જ કારણે બની શકે. शतहस्त समारह सहस्त्रहस्त संकीर । (અથર્વવેદ) સો હાથે લેવું ને હજાર હાથે દેવું એ માણસને શીખવવાથી ખબર ન પડે એની પૂર્વની પ્રકૃતિ જાગે ત્યારે ખબર પડે. માણસનું શરીર જે પંચમહાભૂતનું બનેલું છે એ તત્વોએ સતત બીજાને આપ્યું જ છે. માણસે પણ એ તત્વોનું ખુદમાં અસ્તિત્વ અન્યને આપીને સાબિત કરવાનું છે. જ્યારે પરિસ્થિતિ બેકાબુ બને ત્યારે જ માણસને સમજાય છે કે આપણે એક જ નહીં બીજા પણ પૃથ્વી પર જીવે છે. વળી પરિસ્થિતિ કાબુમાં આવે એટલે બેફામ થઈ જાય છે.
ડોલ્ફીન માછલી હંમેશા એના પરોપકારી સ્વભાવ માટે જાણીતી છે. એવા અનેક કિસ્સાઓ સાંભળ્યા છે જ્યારે પ્રાણીઓએ પ્રયત્નપૂર્વક બીજાને મદદ કરી હોય. હિંસક પશુઓ પણ પોતાનો મૂળ સ્વભાવ છોડી બીજાને મદદ કરતા હોય છે. મજબૂરી ન હોય તો પ્રાણીઓ પણ બીજાનો જીવ નથી લેતા. પણ ખબર નહિ માણસ જ કેવું પ્રાણી છે કે જે નજીવી વાતે પણ બીજાનો જીવ લેતા જરાય ખચકાતો નથી. માણસને હંમેશા યાદ કરાવવું પડે છે કે તું માણસ થા..
વાલ્મિકી કે અંગુલીમાલ ઘાતકમાં ઘાતક હતા પણ એમણે પણ સેવા પરમો ધર્મ અપનાવી જીવન કેટલું સાર્થક કરી બતાવ્યું. માણસ ધારે તો શું ન કરી શકે. કહેવાય છે કે એથેન્સમાં જ્યારે પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે પ્લેગના દર્દીના શવ બાળવાનું કામ સોક્રેટિસ કરતા એ પણ એકદમ પોતાનું સ્વજન હોય એ રીતે. એ કહેતા કે, ” અકાળે અને અકારણ અવસાન પામેલાને માટે આટલીયે લાગણી ન ધરાવનાર શહેર પર દેવોનો કોપ ઉતરે, મારા એથેન્સ પર એવો કોપ ઉતરે તેમ હું ઇચ્છતો નથી..” માનવતાની સાચી કસોટી તો કપરા સમયે જ હોય ને ! છેલ્લી મહામારીનો ભોગ બનેલી આખી પેઢી ખતમ થઈ ગઈ છે. લોકોને બસ બે પ્રકારમાં કિસ્સાઓ યાદ છે કે જેણે જેણે કપરા સમયે પણ લોકોને લૂંટયા એ પાછળથી ખૂબ દુઃખી થયા માનસિક રીતે ભાંગી પડ્યા. ને જેણે જેણે મદદ, માનવતા કે પરોપકાર કર્યો એમની પેઢીઓ સુખી છે. તાર્કિક રીતે આ બધી બાબતો સાચી ન પણ લાગે તો વિજ્ઞાનનો પણ રીફલેક્શનનો નિયમ આવો છે. ને સર્વવિદિત છે કે જેવું કરીએ એવું પામીએ…
જીવન એકબીજાને ઉપકારક છે. ક્યારેય એવું નથી સાંભળ્યું કે પશુતા મરી પરવારી છે પણ એમ જ કહીએ છીએ કે માનવતા મરી પરવારી છે. આપણો હંમેશા બે પ્રકારના લોકો સાથે ભેટો થાય છે, એક તો જે જાત ઘસીને પણ બીજાને મદદ કરતા હોય અને બીજા કે જે હંમેશા પોતાનો સ્વાર્થ સાધતા હોય. ને આશ્ચર્યની વાત એ છે કે આ બંને પ્રકારના લોકો પરિસ્થિતિ મુજબ પોતાનો સ્વભાવ બદલતા રહે છે. કોઈ સંપૂર્ણ પરોપકારી નથી બની શકતું જે કોઈ સંપૂર્ણ સ્વાર્થી નથી બની શકતું. માણસ જે પરિસ્થિતિમાં હોય એ મુજબ એ વર્તે છે. ખુદ પર કે સ્વજનો પર મુશ્કેલી આવે ત્યારે માણસ સ્વાર્થી બની જાય છે. સંપૂર્ણ પરોપકારી કોઈ સંત, ઓલિયા કે ફકીર તરીકે પૂજાતા હોય છે. આપણી તો સંસ્કૃતિ જ પરોપકાર શીખવે કે પશ્ચિમી દેશોમાં તમે ક્યાંય પાણીની પરબ કે ધર્મશાળા નહિ જુઓ એ આપણા દેશમાં જ જોવા મળશે. ત્યાંના ધર્મસ્થાનો તમને સુઘડ બનાવશે પરોપકારી નહિ. પરોપકાર તો આપણો વારસો છે. વર્તમાન પરિસ્થિતિ જોતા લાગે કે માનવતા મરી પરવારી છે પણ એવું નથી જેને આપવું છે એને પબ્લિસિટીની લાલસા નથી એમ પણ બને. ઇનામની પરવા કર્યા વગર જ ઘણા કામ કરે છે.
એક શહેરમાં વેપારીને ગામડાનો ભરવાડ રોજ 1કિલો માખણ આપવા જાય. એક દિવસ વેપારીએ જોખ્યું તો માખણ 900 ગ્રામ જ હતું, 100 ગ્રામ ઘટતું હતું. વેપારીએ ભરવાડને કહ્યા વગર જ રોજ માપ્યા રાખ્યું તો રોજ 100 ગ્રામ ઓછું જ નીકળે. વેપારીએ કેસ કર્યો ભરવાડ જજને કહે કે હું તો ગામડાનો અભણ માણસ મારી પાસે વજનીયા કે એવું કંઈ નથી. હું રોજ આ વેપારી પાસેથી 1 કિલો બ્રેડ લઉં ને ઘરે જઈ સાદા ત્રાજવામાં એટલા જ વજનનું માખણ જોખી એને સવારે આપી જાઉં… જેવું આપો એવું પામો..
માણસ આડંબરના પથ્થર નીચે દબાઈને મૃત થઈ રહ્યો છે. મોજ શોખના હજારો સાધનો, અઢળક જાહોજલાલી, અનેક માલ મિલકતો, રુઆબ છતાં નાનકડા કુરકુરિયાને મરતું બચાવતી વખતે એને જે આનંદ થાય છે એ આ ભૌતિકતામાં નથી થતો. રોજ મોજશોખના સાધનો વધતા જતા હોવા છતાં હૈયે જે આત્મસંતોષ થવો જોઈએ એ નથી મળતો. પોતાના ગરીબ દોસ્તને કોઈને કહ્યા વગર મદદ કરવાથી એ રાત્રે જે ઊંઘ આવે છે એવી ઊંઘ ચાલુ દિવસોમાં કેમ નથી આવતી એ આપણે વિચારવાનું જ ભૂલી ગયા છીએ. સંતાનો સારા ગુણોએ પાસ થાય એના કરતાં બે માણસોની જરૂરિયાતના સમયે મદદ કરે ત્યારે જે ખુશી ને ખુદ પર જે આટલો ગર્વ થાય છે એનું કારણ આપણે શોધતા જ નથી.
પોતાની તાકાતથી મહારાણાને હરાવનાર અકબર રાજા કરતા પોતાનું સર્વસ્વ આપી દેનાર ભામાશા આજે પણ વધુ યાદ કરાય છે. ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે દાન, તપ અને યજ્ઞ એ સન્યાસીઓએ પણ નહીં ત્યજવા યોગ્ય કર્મ છે. દાન એટલે કે બીજાને આપવું એ તો સર્વશ્રેઠ કર્મ કહેવાયું છે. ખાલી આર્થિક રીતે જ નહીં શ્રમ, સમય, ક્ષમા ને શુભેચ્છાઓનું દાન પણ અત્યારના સમયમાં પરોપકારની હરોળમાં જ આવે છે. માણસ સારું કરી તો નથી શકતો પણ સારું બોલવાનું પણ ભૂલી ગયો છે. સાંત્વનાના શબ્દો પણ જીભમાંથી કાઢતા સો વખત વિચારે છે.
એક વાતની સો વાત જીવન હંમેશા પરસ્પર જ રહ્યું છે ને રહેશે. માણસ એકલો જીવી શક્યો પણ નથી ને જીવી શકશે પણ નહીં. માણસને કોઈના સાથ અને સહકારની જરૂર હંમેશા રહી છે. કોઈ કહેતું હોય કે વિદેશોમાં ક્યાં માણસોને બીજા માણસોની જરૂર છે તો એ ખોટી અફવા છે. ત્યાં પણ માણસો કોઈનો સાથ તો ઝંખે જ છે. મેં જોયું છે કે ઇટાલીમાં સૌથી વધુ બિલાડીઓ પળાય છે એનું કારણ એ જ કે ત્યાં લોકો એકલા રહેવા કરતા કોઈ પાલતુ પ્રાણી સાથે જીવવું વધુ પસંદ કરે છે. કઠિન સમયમાં દરેક વ્યક્તિ બીજાનો સાથ ઝંખતો હોય છે. પણ એના માટે એને બીજાનો સાથ પહેલા આપવો પડે…
એન્ટોન ચેખોવની એક બહુ વખણાયેલી વાર્તા “ધ બેટ(શરત)” માં કેદી વકીલના પત્રમાં ખૂબ સુંદર સંદેશ અપાયો છે આ સમાજને, “હું આ તમામ જ્ઞાનને ધિક્કારું છું, આ બધું જ નકામું, ક્ષણભંગુર અને મૃગજળ જેવું ભ્રામક છે. તમે કદાચ બુદ્ધિશાળી અને અભિમાની હશો તો પણ મોત તમને નાનકડા ઉંદરની જેમ કચડી નાખશે. તમારું બધું જ એક પળમાં નાશ પામશે. તમે એક જૂઠું જીવન જીવી રહ્યા છો. મને હવે કોઈને સમજવામાં રસ નથી..” દુનિયામાં કોઈ વસ્તુ કામ નથી આવતી કારણ બધું જ નાશવંત છે સિવાય કે તમે કરેલી કોઈની મદદ. કોઈ મોટો બંગલો બાંધશે તો લોકો એકાદ વખત વાહવાહી કરશે પણ સારા કર્મો કરશે તો પેઢીઓની પેઢીઓ યાદ કરશે. કહેવાય છે કે ઈશ્વરે માણસને બુદ્ધિ આપી ત્યારે કહીને મોકલ્યો હતો કે પૃથ્વી પર મારા બનાવેલા દરેક જીવને તારે સાચવવાના છે. શું આપણે એવું કરી રહ્યા છીએ ? જવાબ આપવામાં આપણે ખુદ શરમ અનુભવશું કારણ કે આપણે તો બધું જ ભૂલી બેફામ થઈ ગયા છીએ..
મહાભારત હોય કે પ્રથમ વિશ્વયુદ્ધ માણસે વિનાશ જ વેર્યો છે. માણસની મહત્વાકાંક્ષા વધતી જ જાય છે. માણસ ભૂલી જાય છે કે મૃત્યુનો કોઈ વિકલ્પ એ હજુ શોધી નથી શક્યો. હીરોશીમાં અને નાગાસાકીની ઘટના પછી બિન આણ્વિક કરારો કરવા છતાં વિશ્વમાં અણુબોમ્બની સંખ્યા વધતી જ જાય છે. બુદ્ધિજીવી વિશ્વને જોઈને લાગે છે કે વનવાસી જીવન જીવતો માણસ વધુ સાલસ અને વધુ સુખી હોય છે. આધુનિકીકરણે માણસને મશીન બનાવી દીધો છે. ૐ શાંતિ લખવા સિવાય એને કોઈ માણસ માટે કોઈ જાતનો સરોકાર જ નથી રહ્યો. અહીં તો બધા લુસીફર કે જેને દેવોએ આદમ અને ઈવની રક્ષા માટે રાખ્યો હતો ને પાછળથી શેતાન બન્યો એના વંશજ હોઈએ એવું પ્રતીત થાય છે. બધા ખરાબ નથી તો બધા સારા કેમ નથી ? એ યક્ષપ્રશ્ન હંમેશા સતાવે છે.
ઈશું, પયગમ્બર, ગાંધી, વિવેકાનંદ કે રવિશંકર ને એવા તો અનેક નામો જે સેવાકાર્યો માટે ફના થઈ ગયા. છતાં દરેક માણસ એને અનુસરતો કેમ નથી ? મોજશોખ માટે એ હજી પણ પ્રાણીઓને મારે છે. પોતાના સહોદરોને પણ બક્ષતો નથી. લાલચ, લોભ, મહત્વાકાંક્ષા માટે એ અણધાર્યું કામ પણ કરી જાય છે. બાળપણ અને વૃદ્ધાવસ્થાના પરવશતાના વર્ષો બાદ કરીએ તો માણસે પોતાને તો સાઈઠ વર્ષ જ જીવવું છે છતાં એ કોઈને મદદરૂપ થવા નથી ઇચ્છતો. એવું નથી કે આખી દુનિયા જ સ્વાર્થી છે ને બધા જ શેતાન થઈ ગયા છે. એમ તો કહેવાય છે કે કળિયુગમાં ધર્મ દાન થકી જ ટક્યો છે. જે અમુક ટકા લોકો બીજાને મદદ કરે છે એના થકી જ આ દુનિયા ટકી રહી છે. આપણે ઇચ્છીએ કે આવા લોકોની સંખ્યામાં સતત વધારો થતો રહે. Ronald reagan says: “we can’t help everyone, but everyone Can help someone..”
એકલા જીવનનો કોઈ સાર જ નથી. કોઈએ કહ્યું છે કે, “મને આશ્ચર્ય થયું કે કોઈકે કેમ કઈ કર્યું નહિ, પછી મને સમજાયું હું કોઈક છું..” શરૂઆત આપણાથી જ કરવાની હોય છે. ઘણી વખત તો બીજાને મદદરૂપ થવાના મોકા આપણે શોધતા ફરીએ છીએ ને બાજુમાં જ કોક ભૂખ્યું દમ તોડી દેતું હોય છે. દુનિયાના મોટાભાગના લોકો સારા જ હોય છે. પણ એને ખબર નથી હોતી કે એ વધુ સારા પણ થઈ શકે છે લોકોને લાગે છે કે આપણે કોઈને નડતા નથી તો આપણે સારા પણ ક્યારેક કોઈને હાથ આપવો પણ એટલો જ જરૂરી હોય છે કે જેથી એ ફરી જીવવા માટે ઉભા થઇ શકે. સેવા, મદદ કે પરોપકાર કરનાર નિજાનંદ મેળવે છે. એવો માણસ ક્યારેય એકલતા નથી અનુભવતો…
ખાલી માણસને મદદ કરવાની ને કુદરતનો ધડાધડ નાશ કરવો એ પણ માણસપણુ નથી કઈ. પૃથ્વી પરનો દરેક જીવ એટલો જ મહત્વનો છે જેટલો માણસ. એકેન્દ્રિય વૃક્ષ હોય કે પંચેન્દ્રિય માણસ જીવ તો બધા સરખા. સાચવવાના તો બધાને જ છે. ખાલી માણસથી આ જીવન ચાલવાનું નથી એને બધાની જરૂર પડવાની છે. ખાલી સ્ટેટ્સ કે સોશિયલ મીડિયા પૂરતું સોશિયલ નથી થવાનું એક વૃક્ષની ડાળી તૂટે કે પડોશમાં કુતરાનો જીવ જાય ત્યારે હૃદય હચમચે એટલું સોશિયલ થવાનું છે. કોઈ વિધવા માની આંખોના આંસુ જોઈ ખિસ્સા સુધી હાથ લંબાય તો માનવું કે હજુ માનવતા જીવે છે. બની શકે કે કોઈકના આંસુ બનાવટી પણ હશે પણ છતાં કોઈ એક જરૂરિયાતમંદને પણ સમયસર મદદ મળશે તો જીવવું સાર્થક ગણાશે. માણસ મૃત્યુ સિવાય ક્યારેય લાચાર નથી હોતો. જો કોઈને મદદ કરવા પણ લાચારી અનુભવતા હોઈએ તો એ ભીતર કઈક મૃત થયાની જ નિશાની ગણાય. કોઈનું જીવન ટકાવવા સમય કે સંપત્તિ ખર્ચવી પડે તો એ કરી લેવું જોઈએ. અત્યારે તો સમય જ કપરો ચાલી રહ્યો છે. ચારેબાજુ હતાશા, નિરાશા, દુઃખ, દર્દ, પીડા, રુદન એવું જ દેખાય છે. આ બધા વચ્ચે પણ મહેકતા રહેતા લોકોને યાદ કરી બની શકે એટલું આપણે પણ મહેકતા રહેવાનું છે. આપણને જીવન સહકાર અને સાથ માટે જ મળ્યું છે. બાકી તો આપણે પણ એકલા થડ થઈ જડવત ઉભા હોત. પણ આપણે જડ નહિ ચેતન છીએ એનો અર્થ જ એ છે કે આપણે આ ચેતનતત્વને બીજાના જીવનના ઉપયોગી થઈ સાર્થક કરવાનું છે.
રોકવા માટે ઘણું સામે ઉભું હોય છે પણ સમર્પિત થવા કોઈ કારણની જરૂર નથી પડતી. ગીતાંજલિમાં રવીન્દ્રનાથ ટેગોર પ્રાર્થના કરે છે કે, ” જ્યાં હે પ્રભુ ! સદા વિકસિત વિચાર અને કાર્ય તરફ તું અમને દોરી રહ્યો છે, એવી સ્વતંત્રતાના અને વિવેકબુદ્ધિના સ્વર્ગલોકમાં હે મારા પિતા, તું મારા દેશને જાગૃત થવા દેજે..” ફરી જાગૃતિ, એક ભીષણ સહકારની જરૂર પડી ત્યારે સમગ્ર માણસજાત ફરી એક થઈ પરસ્પર એકબીજાનો હાથ પકડશે જ એવો આશાવાદ હજી નાશ પામ્યો નથી. આપણા જીવનનું ધ્યેય આપણે સૌને મદદરૂપ થઇ સાર્થક કરીશું. વિવિધ વાદોથી ઉપર ઉઠી માણસને ફક્ત માણસ સમજી ફરી આપણી સંસ્કૃતિ ઉજાગર કરવાનો સુવર્ણ યુગ જીવીશું.
નીરવ આ સાંજ છે ને સવાર હરએક ઉદાસ છે,
મૃત્યુના નાદ સાથે હેરાન હરએક શ્વાસ છે…
ત્રેતાયુગની અંતિમ સાંજ સમ કુદરત નિરાશ છે,
કૃષ્ણને વામ પગે લાગેલા તીરનો આભાસ છે…
હા પણ, તારણહારની જ બસ એક આશ છે,
અસ્ત એનો અંત ને અંત પછી ઉદયની હાશ છે..
સહકાર ને સાથ હો તો જોજનો દૂર આ વિનાશ છે,
કારગર નીવડે દુઆ માનવતાના જ્યાં લિબાસ છે..
No Comments