જુનાગઢ સ્થિત શ્રી સમસ્ત મેર સમાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વ. કે. જી. ચૌહાણ કન્યા વિદ્યાલય તથા સ્વ. શ્રી વી. એમ. રાતિયા મેર કન્યા છાત્રાલય ખાતે ધોરણ-૧૦ અને ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનોને આગામી બોર્ડની પરીક્ષાની શુભકામના પાઠવતા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલ હતું.

      તા. ૧૨/૦૨/૨૦૨૩ના રોજ યોજાયેલ આ વિદાય સમારંભની સાથે શૈક્ષણિક વર્ષ દરમ્યાન ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરનાર દીકરીઓને પ્રોત્સાહન પૂરું પાડવા ઇનામ વિતરણ તથા વાલીગણ સાથે વિદ્યાર્થીનીઓના તેમજ શાળા સંકુલના વિકાસ અર્થે વાલી મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.

      કાર્યક્રમની શરૂઆતમાં આમંત્રિત મહેમાનો, સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ તેમજ શાળાના આચાર્ય તથા વ્યવસ્થાપકશ્રીનું પુષ્પગુચ્છ વડે સ્વાગત કરવામાં આવેલ હતું. શિક્ષણના દેવી માં સરસ્વતી તેમજ મહેર સમાજમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરનાર સંત શિરોમણી પૂજ્ય માલદેવ બાપુની સુક્ષ્મ હાજરીમાં આમંત્રિત મહેમાનો તથા ટ્રસ્ટ મંડળના સભ્યો દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી.

      શાળાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનો વાર્ષિક આહેવાલ શાળાના હેડ દ્વારા રાજુ કરવામાં આવેલ

      ગત વર્ષ શાળામાં ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી દીકરી જશુબેન ઓડેદરા કે જેમણે નીટમાં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરી જુનાગઢ મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવેલ તથા આ શાળાના શિક્ષિકા રેહાનાબેન પી. એચ. ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરવા બદલ તેમજ વર્ષ દરમ્યાન ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરનાર દીકરીઓને સંસ્થાના ટ્રસ્ટ મંડળ દ્વારા શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માન કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

      શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખશ્રી તથા આ સંસ્થાના ટ્રસ્ટીશ્રી વિમલજીભાઈ ઓડેદરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં તેઓએ જણાવેલ કે હાલમાં શિક્ષણનું ખુબજ મહત્વ રહેલું છે. પરંતુ આવનારા સમય શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી બદલાવવાળો સમય રહેશે જ્યાં જ્ઞાન સાથે સમજણ, કુનેહ અને કુશળતા પણ શામેલ હશે. તેઓએ સમયનું મહત્વ સમજાવી ભાવી ઘડતર માટે વિદ્યાર્થીઓને તેનો ભરપુર ઉપયોગ કરવા જણાવેલ. તેઓએ સરકારશ્રી દ્વારા નવી શિક્ષણ નીતિ જાહેર કરેલ છે તેનું પણ આગામી સમયમાં મહત્વ સમજાવી સાથો સાથ જણાવેલ કે આજના સમયમાં દીકરીઓ શિક્ષણ સાથે કારકિર્દી ઘડતરમાં ખુબજ આગળ વધી રહી છે. જે આદર્શ સમાજના નિર્માણમાં ખુબજ ઉપયોગી સાબિત થશે અને આપણી આવનારી પેઢી શિક્ષણ ક્ષેત્રે વધુ ને વધુ જાગૃત બનશે. તેમજ આગામી બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીની બહેનોને શુભકામના પાઠવી હતી. તેમજ શાળાના શિક્ષક ગણને વધુને વધુ ઉત્કૃષ્ટ બનવા આહવાન કરેલ સાથે સાથે શાળામાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા શાળામાં તેમજ છાત્રાલયની સુવિધાઓ બદલ વિશ્વાસ સાથે સંતોષ વ્યક્ત કરીઓ હતો.

      આ સંસ્થાના ટ્રસ્ટીશ્રી અને શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી આલાભાઇ ઓડેદરાએ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે હાલ શિક્ષણ ક્ષેત્રે હરીફાઈનો યુગ ચાલી રહ્યો છે. સારા માર્ક્સની સાથે આવડત પણ ખુબજ મહત્વની છે. બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ પ્રાપ્ત કર્યા બાદ પણ આગળ તૈયારીઓ ખુબજ આવશ્યક છે. ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા લેવાતી પ્રવેશ પરીક્ષામાં મહેનત કરવાની ખાસ જરૂરિયાત રહેશે જેનો મજબુત પાયો માધ્યમિક શિક્ષણ સાથે જ નાખવામાં આવશે તો આવનારા ભવિષ્યમાં શ્રેષ્ઠ કારકિર્દીની ઘડતરરૂપ મજબુત ઈમારત નિર્માણ પામશે. તેઓએ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીની બહેનોને પ્રોત્સાહન પૂરું પાડી કાર્યક્રમની આભાર વિધિ કરી હતી.

      આ પ્રસંગે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના અધ્યક્ષ અને સંસ્થાના ટ્રસ્ટી શ્રી વિમલજીભાઈ ઓડેદરા, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પુંજાભાઈ સુત્રેજા, ઉપપ્રમુખ શ્રી આલાભાઈ ઓડેદરા, ટ્રસ્ટી શ્રી બચુભાઇ આંત્રોલિયા, ટ્રસ્ટી શ્રી રાજુભાઈ રાતીયા, પરીક્ષિતભાઈ ઓડેદરા, બાગાયત અધિકારી અને સંસ્થાની જ ભૂતપૂર્વ વિદ્યાર્થીની રિદ્ધીબેન મોઢવાડીયા,પ્રાચીન ભજનિક નાગા ભગત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

      કાર્યક્રમના સફળ આયોજનમાં શાળા સંકુલના સમગ્ર શૈક્ષણિક સ્ટાફ તેમજ વહીવટી સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *