
આપણા वृहदारण्यक उपनिषद् માં એક સરસ મજાના શ્લોકથી લોકોની પરમ સુખાકારી માટે કામના કરવામાં આવી છે.
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग्भवेत्
આ શ્લોકમાં બધા લોકોના સુખ અને સ્વાસ્થ્યની પ્રાર્થના રચનાકાર દ્વારા કરવામાં આવી છે અને આપણે ત્યાં ગુજરાતીમાં પણ એક કહેવત છે કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’. પણ આ સુખ જયારે છીનવાય છે અથવા ખંડિત થાય છે ત્યારે મનુષ્યને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આ મુશ્કેલીઓમાં ખાસ કરીને આર્થિક પાસું પણ મહત્વનું બની જતું હોય છે. આપણો સમાજ મોટાભાગે પોરબંદર, જુનાગઢ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાઓના ગામડાઓ અને નાના શહેરી વિસ્તારોમાં વસેલો છે. આ વિસ્તારમાં આરોગ્યની સુવિધાઓ હજી પણ ખુબ મર્યાદિત છે અને મોટી બીમારીઓમાં લોકો અમદાવાદ અને રાજકોટ ખાતે સારવાર અર્થે જતા હોય છે. એમાંયે પણ અમદાવાદ ખાતે રાજ્યની સૌથી મોટી હોસ્પિટલ એવી સિવિલ હોસ્પિટલ અને તેના પરિસરમાં આવેલ કેન્સર, કીડની અને હાર્ટ હોસ્પિટલો માં સારવાર લેવા આપણા વિસ્તારમાંથી ઘણા લોકો જતા હોય છે. આ વર્ગ મોટા ભાગે આપણા મધ્યમવર્ગના લોકોનો હોય છે અને તેઓને ત્યાં સૌથી વધુ જો અગવડ ભોગવવી પડતી હોય તો તે છે રહેવાની અને જમવાની સમસ્યા. આથી જ્ઞાતિજનોની આ મુશ્કેલી દૂર થાય, તેઓને રહેવા જમવાની સગવડ ઊભી કરી શકાય તે માટે આ હોસ્પિટલોથી નજીકમાં જ એક મકાન લેવાનું આયોજન જે તે સમયે શ્રી મહેર સમાજ કેળવણી ઉત્કર્ષ મંડળ અમદાવાદ ગાંધીનગરના નેજા નીચે આપણી જ્ઞાતિના અમદાવાદ ગાંધીનગર વસતા ભાઈઓ દ્વારા કરવામાં આવેલ.
આ માટે સૌ કાર્યકરોએ ગામડાઓમાં તથા શહેરોમાં આપણા બધા જ ઘેડના અને બરડાના ગામડાઓમાંથી ફાળો એકત્ર કરી ઈ.સ 1995માં સિવિલ હોસ્પિટલની બાજુમાં જ સમાજનું એક મકાન ખરીધ્યું. આ મકાનમાં ગામડેથી સારવાર માટે આવતા લોકો માટે રોજના માત્ર 20 રૂપિયામાં રહેવાની સગવડ તેમ જ જમવાનું બનાવવા માટે રસોડા-ગેસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. પરંતુ સમય જતાં આ જગ્યા ટૂંકી પડતા મકાનનો ઉપરનો માળ લઈ ત્યાં પણ રૂમો બનાવી આ ભવનનું વિસ્તરણ કરવામાં આવેલ. આ ભવન સારવાર અર્થે અમદાવાદ આવતા જ્ઞાતિજનો અને તેમની સાથે આવનાર તેમના સગાઓ માટે આશીર્વાદરૂપ બની જવા પામ્યું પરંતુ સમયની સાથે આ ભવન પણ ટૂંકું પડવા લાગતા તેના વિસ્તૃતિકરણ અર્થે તેમ જ આ ભવનના સંચાલક ટ્રસ્ટના બંધારણની પણ કેટલીક મર્યાદાઓ હોવાથી સને 2017માં મહેર સેવા ચેરીટેબલ ટ્રસ્ટના નામથી નવું ટ્રસ્ટ બનાવી શ્રી રામદેવભાઈ મોઢવાડિયાની રાહબરી નીચે સને 2019 માં નવા સમાજ ભવનના નિર્માણ માટે ફંડ એકઠું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. અમદાવાદ ગાંધીનગરના સમર્પિત કાર્યકર ભાઈ બહેનોના ભરપૂર પ્રયાસોથી ખૂબ સારું એવું ફંડ એકત્રિત થયું અને ઇ.સ. 2020 માં સિવિલ હોસ્પિટલની પાછળના ભાગે માત્ર ૧૦૦ મીટર દૂરના અંતરે 802 વારનો મોટો પ્લોટ ખરીદ કરવામાં આવ્યો. આ માટે મુખ્ય દાતા તરીકે અગાઉનું જુનું બિલ્ડીંગ જે ટ્રસ્ટના નેજા નીચે બનેલ એ મહેર સમાજ કેળવણી ઉત્કર્ષ મંડળ અમદાવાદ ગાંધીનગરના સ્થાપક પ્રમુખ શ્રી કાનાભાઈ એભાભાઈ મોઢવાડિયા (મૂળ કિંદરખેડા હાલ અમેરિકા) તરફથી ₹ 1,11,11,111 (એક કરોડ, અગિયાર લાખ, અગિયાર હજાર, એકસો અગિયાર) રૂપિયાનું માતબર અનુદાન પ્રાપ્ત થયું અને આ ભવનનું નામકરણ પણ શ્રી કાનાભાઈ એભાભાઈ મોઢવાડિયા મહેર આરોગ્ય ભવનના નામથી કરવામાં આવ્યું. શ્રી કાનાભાઈ આપણી જ્ઞાતિનું ગૌરવ કહેવાય એવા જ્ઞાતિરત્ન છે. પોરબંદર તાલુકાના નાનકડા એવા કિંદરખેડા ગામે જન્મ લઇ, આપણા વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ ખુબ નહીવત હતું એવા એ સમયે સ્વબળે સંઘર્ષ કરી આગળ ઉચ્ચ અભ્યાસ કરી ઈજનેર બન્યા અને ત્યારબાદ વર્ગ ૧ ની પરીક્ષા પસાર કરી આપણી જ્ઞાતિના સર્વ પ્રથમ ક્લાસ વન એન્જીનીયર બન્યા. કર્તવ્યનિષ્ઠ અને કર્મયોગી એવા કાનાભાઈ ઉતરોતર પ્રગતિના સોપાન સર કરતા ગયા અને છેલ્લે ગુજરાત સરકારના મહત્વના વિભાગમાં અધિક્ષક ઈજનેર સુધીના સર્વોચ્ચ પદ સુધી પહોચ્યા. આપણી જ્ઞાતિમાં આ રીતે સુપ્રિન્ટેન્ડન્ટ એન્જીનીયર બનનાર તેઓ પ્રથમ હતા. ગુજરાતની જીવાદોરી સમી નર્મદા યોજનાના ડીઝાઇન અને નિર્માણમાં ખુબ મહત્વની ભૂમિકા નિભાવી. મહત્વાકાંક્ષી કલ્પસર યોજનાના ડીઝાઇન માટે પણ પાયાનું કામ કર્યું. તત્કાલીન સમયે ગુજરાતની ઉકાઈ, દમણગંગા, સાબરમતી, પાનમ, કડાણા, માઝમ, મુક્તેશ્વર, મચ્છુ-૨ જેવી અનેક મોટી સિંચાઈ યોજનાઓમાં અત્યંત ઉપયોગી જવાબદારીઓનું સફળતાપૂર્વક નિર્વહન કર્યું. નિવૃત્તિ પછી અમેરિકા જઈ ત્યાંના સામાન્ય સેવા વિભાગ હસ્તકના ડીઝાઇન એન્ડ કન્સ્ટ્રકશન ડીપાર્ટમેન્ટમાં જોડાઈ તેઓ છેક પ્રોજેક્ટ ડાયરેકટરના પદ સુધી પહોંચ્યા. આ વિભાગમાં તેમની ઉમદા કામગીરી ધ્યાને લઇ ન્યુયોર્ક શહેરના મેયર અને કમિશ્નર દ્વારા તેઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. વિદેશમાં સ્થાયી થયા હોવા છતાંયે પણ જ્ઞાતિ અને વતનપ્રેમ તેમના દિલમાં છલોછલ ભર્યો છે. તેઓના વતન કિંદરખેડામાં પણ મોટું અનુદાન આપી મહેર સમાજ ભવનનું નિર્માણ કરાવ્યું. ધર્મપ્રેમી કાનાભાઈએ તેમના વતન અને ભૂતકાળમાં તેમના નોકરીના સ્થળોએ અનેક મંદિરોના જીર્ણોધ્ધાર પણ કરાવ્યા છે. તેમના પુત્ર અજયભાઈ કાનાભાઈ મોઢવાડિયા હાલ આ ભવનના નિર્માણ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. આપણી સમગ્ર જ્ઞાતિના પ્રથમ આર્કિટેકટ અને સફળ વ્યવસાયી એવા શ્રી અજયભાઈ હાલ યુ.કે. રહે છે પણ આ ભવનના નિર્માણ માટેની સંપૂર્ણ જવાબદારી તેઓ સંભાળી રહ્યા છે અને આ માટે તેઓ નિયમિત અંતરે અમદાવાદની મુલાકાત લઇ પ્રત્યક્ષ માર્ગદર્શન આપી રહ્યા છે. શ્રી અજયભાઈ મોઢવાડિયા આ ભવન જેના દ્વારા સંચાલિત થનાર છે એ નવા ટ્રસ્ટ મહેર સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકેની જવાબદારી પણ હાલ સંભાળી રહ્યા છે. આ બિલ્ડીંગનું નિર્માણકાર્ય અત્યારે ધમધોકાર ચાલી રહ્યું છે અને શાયદ આવતા જૂન જુલાઈ મહિના સુધીમાં પૂર્ણ પણ થઇ જવાની ગણતરી છે. ભવનનું નિર્માણ કાર્ય કોન્ટ્રેક્ટથી કરવામાં આવી રહ્યું છે પરંતુ સ્થાનિક કક્ષાએ શ્રી ભીમાભાઇ મોઢવાડિયા અને જયમલભાઈ મોઢવાડિયા તેની દેખરેખ રાખી રહ્યા છે. આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરમાં વસતા આપણા જ્ઞાતિના અન્ય ભાઈઓ પણ પોતપોતાનું યથાશક્તિ યોગદાન આપી રહેલ છે.
આ નવનિર્માણાધિન ભવન એટલે કે શ્રી કાનાભાઈ એભાભાઈ મોઢવાડિયા આરોગ્ય ભવનનું ખાતમુહૂર્ત ગત તારીખ 3-02-2024 ના રોજ કરવામાં આવેલું છે. આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ રૂ. દશ કરોડનો છે. જે અંતર્ગત આ ભવનમાં ચૌદ જેટલા સુવિધાસભર રૂમો બનશે અને ચાર મોટી ડોરમેટ્રી હશે. આ ઉપરાંત આ ભવનમાં ડાઇનિંગ હોલ સાથે એક રસોડું અને એક એડમીન ઓફિસ, એક સર્વન્ટ ક્વાર્ટર ઉપરાંત ગ્રાઉન્ડફ્લોર ઉપર પેશન્ટ લિફ્ટ સાથે પાર્કિંગ પણ હશે. દરેક રૂમમાં પેન્ટ્રી તથા ગરમ પાણીની સુવિધા સહ એટૈચ બાથરૂમ સાથે અધતન સ્ટુડિયો રૂમ, એરકન્ડીશન રૂમ્સ, સિક્યુરીટી કેબિન, પર્સનલ બોરવેલ / આધુનિક ફ્રેમ સ્ટ્રક્ચરવાળું આ સુવિધાસભર બિલ્ડિંગ બનશે.
મુખ્ય દાતા શ્રી કાનાભાઈ મોઢવાડીયા ઉપરાંત જ્ઞાતિના અન્ય દાતાઓ અને સંસ્થાઓ મારફત પણ આ ભવનના નિર્માણ માટે ખુબ માતબર અનુદાન પ્રાપ્ત થયેલ છે. જે પૈકી પાંચ લાખ કે તેથી વધુ રકમ આપનાર દાતાઓની યાદી આ લેખમાં અન્યત્ર આપવામાં આવી છે. સીમર ગામના સેવાભાવી અગ્રણી શ્રી લખુભાઈ કાનાભાઈ ઓડેદરા અને તેમની ટીમે ગામમાં વાડીએ વાડીએ ફરીને આ એક જ ગામમાંથી ૨૫ લાખ જેટલું માતબર અનુદાન એકઠું કર્યું એ બાબતની નોંધ પણ અત્રે લેવી જ પડે. આ ભવન આપણી જ્ઞાતિના જરૂરિયાતમંદ દર્દીઓ માટે ખુબ જ આશીર્વાદરૂપ બની રહેશે. સંપૂર્ણ સુવિધાઓથી સભર આ ભવનને પૂર્ણ થવામાં અગાઉ જણાવ્યું તેમ દશ કરોડ જેટલો જંગી ખર્ચ થઇ જશે ત્યારે આ ખર્ચને પહોંચી વળવા હજુ પણ દોઢ થી બે કરોડ રૂપિયાની જરૂરિયાત હોય જ્ઞાતિના તમામ ભાઈઓને આ કાર્યમાં ઉદાર હાથે અનુદાન આપવા અપીલ કરવામાં આવે છે.












No Comments