
મહેર સમાજમાં શિક્ષણ, સંગઠન અને જાગૃતિ તેમજ વ્યસનમુક્તિ સંદર્ભે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા આયોજિત મા લીરબાઇ આઈની રથયાત્રાનો ગઈકાલે માતાજીના જન્મસ્થાન મોઢવાડા ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો. આ નિમિત્તે સવારથી જ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ મોઢવાડા ખાતે લીરબાઈ આઈના મંદિર પરિસરમાં એકઠા થયા હતા. સવારના સમયે ગ્રામ્યજનો દ્વારા માતા લીરબાઇની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ માતાજીના જન્મ સ્થળથી મંદિર સુધી એક ભવ્ય સામૈયા નું આયોજન કરવામાં આવ્યું હતું. ઢોલ શરણાઇ સાથે આ ભવ્ય સામૈયામાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા. ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે દિવસભર મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આપણી જ્ઞાતિના પરંપરાગત મણીયારા અને રાસના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં વિજય ઓડેદરા, સ્વેતાબેન ગોઢાણીયા, ડેવિન ઓડેદરા, રાજવીર ઓડેદરા જેવા આપણા કલાકારોએ સંગીતની રમઝટ બોલાવી હતી. ત્યારબાદ સાંજે પાંચ કલાકે રથયાત્રાનું પ્રસ્થાન હાથીયાણી તરફ કરવામાં આવ્યું હતું. આ સમયે મહેર સુપ્રીમ કાઉન્સિલ ના પ્રમુખશ્રી વિમલજીભાઇ ઓડેદરા, બચુભાઈ આત્રોલીયા, શ્રી લાખાભાઈ કેશવાલા, આલાભાઇ ઓડેદરા, સાજણ ભાઈ ઓડેદરા, નવઘણભાઈ ઓડેદરા સહિતના ઉપપ્રમુખો અને સુપ્રીમ કાઉન્સીલના હોદેદારો અને કાર્યકરો અને જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાથીયાણીથી રથનું પ્રસ્થાન કેશવ ગામે કરવામાં આવ્યું હતું. કેશવના માર્ગે કેશવ ના ગ્રામજનો દ્વારા રથયાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત કાર્યક્રમમાં પરબના મહંતશ્રી કરસનદાસજી બાપુ પણ પધાર્યા હતા. આ સામૈયામાં કેશવ અને આજુબાજુના ગામડાઓમાંથી મોટા પ્રમાણમાં લોક મેદની ઉમટી પડી હતી. સાંજે કેશવ ખાતે રથયાત્રાનું રાત્રી રોકાણ કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન સાંજે મહાપ્રસાદી અને રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપલેટાના દેવરાજ ગઢવી અને કચ્છના દેવરાજ ગઢવી (નાના ડેરા) સહિતના ભજનિક- સાહિત્યકારોએ જમાવટ કરી હતી. કાર્યક્રમમાં વ્યસનમુક્તિ ઉપર ખાસ ભાર આપવામાં આવ્યો હતો અને વ્યસન મુકનાર પ્રથમ ૧૦૧ યુવાનોને યુએસએ નિવાસી શ્રી ભીમભાઈ ખુંટી તેમ જ આઈએમએસસી ના ઉપપ્રમુખ શ્રી બચુભાઈ આંત્રોલીયા દ્વારા હિલ સ્ટેશન અથવા રિસોર્ટ સ્ટે ની આકર્ષક નિશુલ્ક ટુરનું પ્રોત્સાહક ઇનામ જાહેર કર્યું હતું.

No Comments