ભારતીય સંસ્કૃતિ અદભુત છે. એમાં દરેક તહેવારો પાછળ બહુ ગર્ભિત તાતપર્ય હોય છે. દરેક તહેવાર જીવને કલ્યાણ તરફ પ્રેરે છે. દરેક જીવ શુદ્ધ થઈ શકે માટે તહેવારો સમયાંતરે આવતા જ રહે છે. દરેક તહેવારો માણસને કઈ ને કઈ શીખવી જાય છે. નવરાત્રીમાં પણ નવ દ્વારવાળા આ શરીરરૂપી નગરનો ભીતરી દીવો પ્રગટાવવાનો છે..

આ વર્ષે નવલા નોરતા કઈક અલગ રીતે ઉજવવાની કન્ડિશન માતાજીએ જ રાખી હોય એવું લાગે છે. આમ તો નોરતા ઉજવવાની રીત માતાજીએ તો ક્યારેય કહી જ નથી આપણે જ આપણી અનુકૂળતા મુજબ નોરતા ઉજવીએ છીએ. મને હજુય યાદ છે હું નાની હતી ત્યારે માથે ગરબો લઈ ઘરે ઘરે ગરબા ગાવા જતી. અને હા એ પેલા તો કુંભારના ઘરે ગરબો લેવા જતી. નોરતા તો ત્યારે જ ચાલુ થઈ જતા જ્યારથી ઘરમાં ગરબો આવતો. ગરબો બ્રહ્માંડનું પ્રતીક છે એવી તો હવે ખબર પડી. અને આ બધું તો પ્રતીકાત્મક હોય બાકી તહેવારો પાછળનું તાતપર્ય બીજું હોય શકે એ બધું પણ હવે સમજાયું. બાકી એ વખતે તો એવું જ શીખવતા કે માતાજી ઉપરથી જોતા હોય એટલે જે પણ કઈ ચોકલેટ મળે એ નિર્દોષભાવે બધા સાથે વહેંચીને ખાતા. ને કોની શું જ્ઞાતિ હોય એ વસ્તુની તો ખબર જ ન પડતી. બધા સાથે મળી ભાગ પાડતા. એ સમય કરતાં અત્યારે તો નવરાત્રીનું કઈક અલગ જ વાતાવરણ જોવ ત્યારે એ સમયે કરેલી નવરાત્રી મને સાચી લાગે….

આ વર્ષે એક સંકલ્પ લેવો છે, જે પણ દીકરીઓ મારા સંપર્કમાં આવે છે એને ક્યારેય અન્યાય સહન ન કરે એવી મજબૂત બનાવવી છે. ખોટાને ખોટા કહેવાની હિંમત કેળવવાનો આ તહેવાર છે. નારીશક્તિને વધાવવાનો આ તહેવાર છે. આ વર્ષે સંકલ્પ કરીએ કે એક પણ દીકરી બળાત્કારનો શિકાર ન બને એટલી એને મજબૂત બનાવીએ. ગરબે બહુ ઘૂમી લીધું, હવે નવા રૂપ રંગે ભક્તિ અપનાવવાની જરૂર છે. સાચા અર્થમાં દીકરીઓને દુર્ગા બનાવીએ. સારા-નરસાની સમજ કેળવતા શીખવીએ.  સાચું મહત્વ તો સાવ જ વિસરાતું જાય છે… 

જ્યાં સ્ત્રીઓ રસ્તા પર પણ સલામત નથી ત્યાં તહેવારો ઉજવી આપણે આપણો દંભ છતો કરીએ છીએ. નવરાત્રી જ નહીં રોજ દીકરીઓ અડધી રાત્રે બીક વગર ફરી શકે એવું વાતાવરણ ઉભું કરવાની જરૂર છે. માની સાચી ભક્તિ એ જ કહેવાશે જ્યારે સ્ત્રીઓ સ્વતંત્ર થઈ જીવી શકશે. મહિષાસુરનો વધ કરવા હર વખતે દેવીઓ ન અવતરી શકે. આપણે પ્રબળ સમાજવ્યવસ્થા ઉભી કરવાની છે કે અત્યારના મહિસાસુરનો નાશ કરવા દરેક સ્ત્રી ચંડી, ચામુંડા બની શકે…

આ વર્ષેથી હું મારા આઠ વર્ષના દીકરાને શીખવીશ કે સ્ત્રી એ પૂજનીય છે. એ તારી પ્રતિસ્પર્ધી અત્યારે પણ નથી ને ભવિષ્યમાં પણ નહીં થાય. ગરબો પ્રગટાવી મા ની સ્તુતિ કરતી વખતે હું એને સમજાવીશ કે જીવનમાં ખાલી પ્રતીકાત્મક કે ભૌતિક આધ્યાત્મિકતા બતાવવી જરૂરી નથી. જીવનમાં એનો હાર્દ અપનાવવો જરૂરી છે. સમાજવ્યવસ્થામાં સ્ત્રી ને પુરુષ બંને સમાન છે ને એટલા જ મહત્વપૂર્ણ પણ છે. ઈશ્વરે દરેક જીવને જીવવાનો સમાન અધિકાર આપ્યો છે ને આપણે એ અધિકાર કોઈ પાસેથી ક્યારેય છીનવવાનો નથી. ઉપરાંત પ્રકૃતિ પણ આપણી પ્રત્યક્ષ મા છે એને સૌથી વધારે સાચવવાની છે એ વાત પણ એને સમજાવીશ. 

સાચી ભક્તિ તો એ જ છે કે તમે કુદરતે બનાવેલી વ્યવસ્થાને ખોરવો નહિ. પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો એ પણ પ્રકૃતિની ભક્તિ જ કરી કહેવાય. ફક્ત નવ દિવસ જ નહીં પણ આજીવન આ ભક્તિ જાળવી રાખવાની છે. ગરબે રમતા નહિ આવડે તો કદાચ ચાલશે પણ કુદરતને સાચવતા નહિ શીખીએ તો નહીં ચાલે. આપણે કુદરત ને માણસાઈ બંનેને ખતમ થવાની કગાર પર લાવી દીધા છે તો એને સાચવવાની જવાબદારી આવનાર પેઢીની છે. એમને સજાગ કરવાના છે કે માતાજી એટલે ખાલી મૂર્તિ નહિ. અત્ર તત્ર સર્વત્ર બધે જે કુદરત રૂપે વસે છે એને સાચવીને એની ખરી પૂજા કરવાની છે. 

ઈશ્વર કઈ સ્વયં નથી આવતો ટકોર કરવા, એ કોઈને કોઈ આફત મોકલી આપણને સજાગ કરે છે કે હવે ચેતી જવાનો સમય છે, તો હાલ એવી જ ટકોર ઈશ્વરે મહામારીરૂપે મોકલી છે. આપણે સમજવાનું છે કે જ્યાં હદ વટાવી ગયા હતા ત્યાંથી પરત ફરવાનો કે ત્યાંથી જ અટકી જવાનો આ સમય છે. 

ભક્તિ કરવા કઈ હૈયે માતાજીને વસાવીએ એ જ પૂરતું છે. કોઈને ભાષણ નથી આપવા કોઈને નથી સમજાવવા બસ શરૂઆત પોતાનાથી કરવી છે. પોતાના ઘરેથી જ શક્તિની આરાધના કરતા શીખવવું છે. આવનાર પેઢીને નવો દ્રષ્ટિકોણ આપવો છે. એના મૂલ્યો વિકસે માટે પ્રયત્ન કરવો છે. 

આપણી સંસ્કૃતિમાં તો દરેક તહેવાર કઈ ને કઈ શીખવી જાય છે. નવરાત્રી પછી દશેરાના દિવસે રાવણ જેવી વૃત્તિઓનું સ્વયં દહન કરવું છે. પહેલો પથ્થર એ જ મારે જેણે કોઈ પાપ ન કર્યું હોય, એમ જ પહેલી દીવાસળી એ જ ચાંપે જેણે ક્યારેય કોઈ સ્ત્રી સામે ખરાબ નજર ન કરી હોય આવી વ્યવસ્થા તરફ એક ડગલું ભરવું છે. સ્વથી ચાલુ કરી સમષ્ટિ તરફ પ્રયાણ કરવું છે. બસ આ વર્ષે જ નહીં દરરોજ આવો જ પ્રયત્ન હશે કે આ રીતે મા ની સાચી ભક્તિ કરી શકીએ…… 

© હિના એમ. દાસા

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *