ખોબા જેવડા મહેર સમાજને શિક્ષિત અને દીક્ષિત કરવાનો યજ્ઞ મહેર જ્ઞાતિ શિરોમણી પૂજ્ય માલદેવબાપુએ ખોબા આરંભ્યો હતો જેની ફળશ્રુતિ સ્વરૂપે આઝાદી પછીના બે દસકાઓમાં આપણા સમાજમાથી કેટલાય શિક્ષિતો બહાર આવ્યા જેમને સરકારી અને ખાનગી ક્ષેત્રે ખુબ ઉચ્ચ હોદ્દાઓ શોભાવ્યા જે આપણા સૌ માટે ગૌરવની વાત છે તેમ છતાં પણ એક સ્વપ્ન આજ દિન સુધી અધૂરું હતું કે ભારતીય સનદી સેવામા આપણા સમાજનું રત્ન હોય આ સ્વપ્ન સાકાર કરી ને સમાજ ને ગૌરવ આપવ્યું છે દેવેન હરીશભાઈ કેશવાલાએ.
મહેર સમાજના અગ્રણી એવા સ્વર્ગસ્થ જીવાભાઈ જેઠાભાઈ કેશવાલા કે જેમણે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે તેમજ ગુજરાત ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેનપદે યશસ્વી કામગીરી અદા કરી હતી એવા જીવાભાઈના પૌત્ર એટલે દેવેન હરીશભાઈ કેશવાલા આપણામાં કહેવત છે કે મોર ના ઇંડા ને ચીતરવા ના પડે એમ લોહીના ગુણથી ઉચ્ચ સંસ્કારો શિક્ષણમાં ધગસ અને લાંબી મંઝિલ કાપવાની ખેવના જેમને લોહીના ગુણમા વારસામા મળેલી છે એવા દેવેનભાઈ કેશવાલા એ મહેર સમાજના પ્રથમ ભારતીય સનદી અધિકારી તરીકે બહુમાન પ્રાપ્ત કર્યું છે ત્યારે આવો આપણે પણ તેમની આ જ્વલંત સફળતા અને તેમના સંઘર્ષ થી પરિચિત થઈએ.
1 પ્રશ્ન, દેવેનભાઇ આપની શૈક્ષણીક સફર અને અભ્યાસ વિશે જણાવશો
દેવેનભઈ: મે પ્રાથમિકથી માધ્યમિક સુધીનો અભ્યાસ રાજકોટની ખ્યાતનામ રાજકુમાર કોલેજ રાજકોટમા કરેલ. ત્યારબાદ ઉચ્ચતર માઘ્યમિકનુ શિક્ષણ પોરબંદરની જાણીતી બિરલા સાગર સ્કુલ મા કર્યો હતો જેમા અભ્યાસમા તેજસ્વીતા દાખવવા બદલ અને રમત ગમત ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ સ્કોલરશીપ પણ પ્રાપ્ત કરી હતી
ત્યારબાદ અમદાવાદની જાણીતી સોમલલિત કોલેજ મા પ્રવેશ મેળવી બી. કોમ (B.com) ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી સ્નાતક ની ડીગ્રી પ્રાપ્ત કરી હતી.
ત્યારબાદ એમ.બી.એ.(M.B.A.) મા પ્રવેશ માટે લેવાતી G.C.E.T.(ગુજકેટ) ની પરિક્ષા કે જેમા બાર થી પંદર હજાર વિધાર્થીઓ ભાગ લેતા હોય છે તેમાં સમગ્ર ગુજરાતમા અઢારમો ક્રમાંક પ્રાપ્ત કરી ગુજરાતની ટોપની કોલેજ બી.કે. સ્કુલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ અમદાવાદમા પ્રવેશ મેળવી અનુસ્નાતકનો અભ્યાસ પણ ગુજરાત યુનિવર્સીટીના ટોપરમા સ્થાન જાળવી રાખીને પૂર્ણ કર્યો હતો
2, પ્રશ્ન: આપને સ્પર્ધાત્મક પરિક્ષા આપવાનો વિચાર ક્યાંથી મળ્યો અને તૈયારી કેવી રીતે શરૂ કરી તે અંગે જણાવશો
દેવેનભાઈ: પોસ્ટ ગ્રેજ્યુએશન નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ટોરેન્ટ પાવર અમદાવાદમા ખુબ સારી કોર્પોરેટ જોબ શરૂ કરી. બે વર્ષ નોકરી કર્યા બાદ પારિવારિક વ્યવસાયમા જંપલાવ્યું શરૂઆતમા સરકારી નોકરીનો કોઈ વિચાર હતો નઈ, પરંતુ મારી ધર્મ પત્ની (મનીષાબેન કેશવાલા વિસાણા) કે જેઓ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની પરિક્ષા પાસ કરી ને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (G.I.D.C.) મા ઉચ્ચ અધિકારી તરીકે નિયુક્ત થયા પછી મને પણ સરકારી નોકરી કરી પોતાનું પરિવારનું અને સમાજ નું નામ અને ગૌરવ વધારવાનું વિચાર આવ્યું ત્યારબાદ (U.P.S.C.) ની પરિક્ષા આપવાનો વિચાર આવ્યો અને થોડી ઘણી માહિતી મેળવ્યા બાદ (U.P.S.C) પરિક્ષા આપવાનો નિર્ણય કર્યો. U.P.S.C ની તૈયારી માટે દિલ્લી જેવા મોટા સેન્ટરોમાં પારિવારિક જવાબદારીઓના કારણે જઇ શકાય તેમ ના હોય ઘરે થી તેમજ લાયબ્રેરીમા બેસીને તૈયારી શરૂ કરી હતી
3 પ્રશ્ન: આપનો સ્નાતક અને અનુસ્નાતક નો અભ્યાસ ક્રમ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં કેટલો અસરકારક અને ઉપયોગી નિવડ્યો?
દેવેનભાઇ: આપ જાણો છો કે U.P.S.C ની પરીક્ષા એ વિશ્વમાં સૌથી અઘરી ગણાતી પરીક્ષા માંથી એક છે જેમાં દર વર્ષે દસ બાર લાખ લોકો આ ફોર્મ ભરે છે U.P.S.C ની પરીક્ષાની પ્રાથમિક કસોટી માં ચારથી પાંચ લાખ લોકોએ આપ્યા બાદ દસથી બાર હજાર લોકો જ મુખ્ય પરીક્ષામાં પસંદગી પામે છે. મુખ્ય પરીક્ષામાંથી પણ માત્ર પંદરસો થી બે હજાર લોકો જ ઇન્ટરવ્યૂ માટે પસંદગી પામેં છે જેમાંથી માત્ર આઠસો, નવસો લોકો સમગ્ર દેશમાંથી ફાઇનલ પસંદગી પામે છે.
આ પરીક્ષામાં મારા સ્નાતક, અનુસ્નાતક અભ્યાસની આમ જોવા જઈએ તો એટલી અસરકારકતા નથી પરંતુ સ્નાતક અનુસ્નાતક માં કરેલી સખત મહેનત નો અનુભવ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી નીવડ્યો. સ્નાતક, અનુસ્નાતક વિષય પણ U.P.S.C. ના વિષયોથી અલગ હતા. પરંતુ બાળપણથી અભ્યાસમાં બનાવેલું પાયાનું જ્ઞાન આ પરીક્ષા માટે ઉપયોગી સાબિત થયું.
4 પ્રશ્ન: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં આપને કેવો અનુભવ રહ્યો અને કેટલી પરીક્ષાઓ આપી તેમજ તેમાં મળેલી સફળતા નિષ્ફળતાઓની સફર કેવી રહી તે અંગે જણાવશો?
દેવેનભાઇ: સ્પર્ધાત્મક પરીક્ષા નો અનુભવ જીવનના અત્યાર સુધીના અનુભવમાંથી સૌથી યાદગાર છે જે સારા માઠા અનુભવોથી ભરપૂર છે. જેમકે પરીક્ષાની તૈયારી ટ્રસ્ટની લાઇબ્રેરી ગાંધીનગરથી કરી (જેમાં દિવાળી જેવા તહેવારો પણ સામેલ છે) વિભિન્ન વિદ્યાર્થીઓ સાથે મુલાકાત અને જ્ઞાન નો સંગમ થયો તથા આ લાઇબ્રેરીમાં ત્રણ વર્ષ બેસી મિત્રોનો સાથ નાના પરિવાર સમાન બની રહ્યો.
#સફળતા
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં સિનિયર મેનેજર તરીકે નિમણૂક
GPSC ક્લાસ વન તરીકે પરીક્ષા આપી જેમાં સફળતા મળી અને જીએસટી માં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો ત્યારબાદ પાણી પુરવઠા વિભાગની પરીક્ષા આપી.
#નિષ્ફળતા
યુપીએસસીમાં પ્રથમ પ્રયત્ને ઈન્ટરવ્યૂ બાદ ફાઈનલ સિલેક્શનમાં પાંચ માર્ક થી પસંદગી ન પામી શક્યો
5 પ્રશ્ન: GPSC અને UPSC ની પ્રિલીમ અને મેઇન પરીક્ષા પાસ કર્યા બાદ ઇન્ટરવ્યૂ અંગે આપના વિચારો
દેવેનભાઇ: UPSC ની પરીક્ષામાં ઇન્ટરવ્યૂનો અગત્યનો ભાગ જેમાં તમારા વ્યક્તિત્વ થી માંડીને નાનામાં નાની બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. આ પ્રકારની પરીક્ષા માટે માનસિક સંતુલન ની સાથે સાથે તમારા શારીરિક હાવભાવ ની પણ નોંધ લેવાય છે. ઇન્ટરવ્યૂમા તમારા પર દબાણ પણ વધારે હોય છે કારણકે તમારી ઇન્ટરવ્યૂમા સ્પર્ધા દેશના સર્વશ્રેષ્ઠ બુદ્ધિજીવી વર્ગ સાથે થાય છે, જેમાં IIM,IIT,GNU જેવી દેશની સર્વોચ્ચ સંસ્થાઓમાં ભણેલા વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધાનો સામનો કરવો પડે છે
આ બધા પ્રેસર વચ્ચે તમારા જવાબ પણ ઇન્ટરવ્યુમાં સટીક અને બેલેન્સ હોવા જોઈએ એક ખરાબ જવાબ તમારા આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી શકે. ઇન્ટરવ્યુ પેનલમાં આઠ-દસ લોકો તેમને ઘેરીને પ્રશ્નોની બોમ્બમારી કરે છે જે અંદાજે ચાલીસ-પચાસ મિનિટ ચાલે. UPSC ના ઈન્ટરવ્યુંનો મારો અનુભવ શાનદાર રહ્યો હતો.
6 પ્રશ્ન: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ને તૈયારી સંદર્ભે આપના સૂચનો અને સલાહ
દેવેનભાઇ: વિદ્યાર્થીઓને હું ” 4P” કન્સેપ્ટ કહેવા માગીશ
-PATIENCE (ધીરજ)
-PERSISTENCE (દ્રઢ મનોબળ)
-PERSPRATION (પરિશ્રમ)
-PASSION (ઝુનુન)
આ સાથે એ પણ સ્વીકારવું અગત્યનું છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાનો દર ખૂબ જ ઓછું હોય છે તો આ પ્રકારની પરીક્ષામાં શરૂઆતમાં નિષ્ફળતા પણ મળી શકે છે. આ પ્રકારની નિષ્ફળતાથી નાસીપાસ થયા વગર તૈયારી શરૂ રાખવાથી એકના એક દિવસ સફળતા જરૂર મળે છે.
જ્યાં સુધી મને જ્ઞાન છે ત્યાં સુધી આપણા પોરબંદર જિલ્લા માંથી કોઈએ ત્રણ તબક્કામાંથી પ્રથમ તબક્કાની પરીક્ષા પણ UPSC પાસ નહોતી કરી પરંતુ એ વિચારીને જો હું ચાલત તો હું કદાચ UPSC પરીક્ષા પાસ ન કરી શક્યો હોત. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓમાં આત્મવિશ્વાસ હોવો ખુબ જરૂરી છે
જો કે હાલના વર્ષોમાં આપણા સમાજના તથા વિસ્તારના ઘણા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે UPSC પાસ કરી હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા બીજા વિદ્યાર્થીઓ માટે પ્રેરણા રૂપ અને આશાના કિરણ સમાન છે અને વિસ્તારને તથા સમાજને ગર્વ લેવાનો એક અલગ અવસર આપ્યો છે
7 પ્રશ્ન: આપના ધર્મ પત્ની મનીષાબેન પણ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને આજે ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવે છે ત્યારે તમારી સફળતામાં તેમનું યોગદાન કેવું રહ્યું અને કઈ રીતે તમને મદદરૂપ થયા તે અંગે જણાવશો
દેવેનભાઇ: “દરેક સફળ પુરૂષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે” આ કહેવત મારી ધર્મપત્ની મનીષાએ સાર્થક કરી બતાવી છે. મારી દરેક સફળતા અને નિષ્ફળતામાં મારો સાથ આપીને મારી આ સફર ને સરળ બનાવી 29 વર્ષે પારિવારિક જીવન સાથે તૈયારી શરુ કરવી અઘરું કામ છે જેમાં મારી પત્નીએ પૂરતો સહયોગ આપીને આ સફર સરળ બનાવી તથા ઘરની અને બાળકની જવાબદારી સ્વીકારી મારા પર કોઈપણ પ્રકારનું દબાણ કે ભાર આવવા દીધો નથી. વ્યવહારિક તથા વ્યવસાય બધી જ જવાબદારી મારા નાના ભાઈ દર્શન તથા પરિવાર દ્વારા પૂરી કરવામાં આવી છે
જ્યારે જ્યારે હતાશા અને નિરાશા અનુભવી ત્યારે પત્ની તથા પરિવારનો સાથ મળ્યો જેથી એમ કહી શકાય કે મેં મેળવેલી સફળતા માત્ર મારી નહી પરંતુ સંપૂર્ણ પરિવાર ની છે.
8 પ્રશ્ન: એક તરફ UPSC ના ઇન્ટરવ્યૂ અને બીજી તરફ પિતાશ્રીનું અવસાન આવા કપરા સંજોગોમાં આપ કઈ રીતે માનસિક સંતુલન જાળવીને ઇન્ટરવ્યૂની તૈયારી કરી શક્યા સાથે સાથે પારિવારિક જવાબદારી નિભાવી શક્યા તે અંગે જણાવશો
દેવેનભાઇ: ઇન્ટરવ્યુના એક મહિના પહેલા મારા પિતાશ્રી icu મા દાખલ હતા. હોસ્પિટલથી સીધો GPSC નુ ઇન્ટરવ્યૂ દેવા ગયો હતો અને સફળ થયો. ત્યારબાદ icu મા પિતાશ્રી સાથે બેસીને UPSC ના ઇન્ટરવ્યૂની તૈયારી કરી. જ્યારે પિતાશ્રી નું નિધન થયું ત્યારે માત્ર પંદર દિવસ જ UPSC ઇન્ટરવ્યુના બાકી હતા. ઘણા લોકો દ્વારા એવી સલાહ આપવામાં આવી કે ઇન્ટરવ્યુમાં માનસિક સ્થિતિ ચકાસાતી હોવાથી આ વખતે ઇન્ટરવ્યૂમાં પાસ થવું અઘરું છે પરંતુ ઘરના વડીલો આશ્વાશન થી તથા પિતાશ્રીને સાચી શ્રદ્ધાંજલિ આપવા મારા માટે પાસ થવું જરૂરી હતું. આ પ્રકારની માનસિક પરિસ્થિતિમાં મક્કમ મનોબળના સહારે ખૂબ સારા માર્ક સાથે પરીક્ષા તથા ઇન્ટરવ્યૂ પાસ કર્યું અને ઘરમાં આવો ખરાબ બનાવ બન્યો છે એ ઇન્ટરવ્યુમાં કોઈને જણાવવા પણ ના દીધું
9 પ્રશ્ન: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ એ વિષય પસંદગી તૈયારી માટે ક્લાસીસ ને પસંદગી અને ખાસ તકેદારી રાખવા જેવા મુદ્દાઓ અંગે વિદ્યાર્થીઓને આપની સલાહ
દેવેનભાઇ: વિષય પસંદગી: જે સંપૂર્ણ રીતે વિદ્યાર્થીના રસ તથા અભ્યાસક્રમને જોઈને પસંદગી કરવી જરૂરી છે વિષય પસંદગી માટે ખુબ જ ચીવટ રાખવી જરૂરી બને છે જેમાં વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમ, ત્યારથી એનો રસ તથા મટીરીયલ ની ઉપલબ્ધિ અગત્યનો ભાગ ભજવે છે
ક્લાસ ની પસંદગી:
ક્લાસ કરી ને જ પાસ થવાય એ એક ખોટી ધારણા છે. ક્લાસની પસંદગી પણ ઘણા પરિબળો જેમકે વાતાવરણ, શિક્ષકોની ઉપલબ્ધતા, મટીરીયલ તથા સફળતાનો દર જોઈને કરવું જોઈએ. ગુજરાતમાં સ્પીપા બેસ્ટ છે
10 પ્રશ્ન: આપણા સમાજના વિદ્યાર્થીઓને સ્થાનિક કક્ષાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે વાતાવરણ પૂરું પાડવા માટે કેવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ તે અંગે આપનું મંતવ્ય
દેવેનભાઇ: ઈન્ટરનેટના આ યુગમાં ક્લાસ કરવા જવાની જરૂર નથી. દેશના કોઈ પણ ખૂણે બેસીને સારામાં સારા ક્લાસને ઓનલાઈન જોઈ શકાય છે, જેના માટે લાઇબ્રેરીથી વ્યવસ્થા પણ થઈ શકે તથા તથા સમાજના ગામે ગામે જઈને પણ સારામાં સારું શિક્ષણ આપી શકાય એમ છે
દેવેનભાઇ કેશવાલાએ મહેર સમાજ ના સૌપ્રથમ વખત દેશની સર્વોચ્ચ સ્પર્ધાત્મક પરીક્ષા એવી UPSC ની પરીક્ષા પાસ કરીને સમગ્ર સમાજને ગૌરવાનીત કર્યો છે ત્યારે આપણે સૌ આશા રાખીએ કે દેવેનભાઇ ની જેમ આવનારા દિવસોમાં આપણા સમાજમાંથી પણ વધુને વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ યુપીએસસી પરીક્ષા પાસ કરીને સમાજને ગૌરવ પ્રદાન કરે
- દેવશી મોઢવાડિયા (પોરબંદર)
No Comments