સૌરાષ્ટ્રમાં વસવાટ કરનાર વિવિધ પ્રજાઓની સાંસ્કૃતિક પરંપરામાં જે-તે પ્રજાની આગવી ઓળખ કરાવવા માટે પોશાકનું ઘણું જ મહત્ત્વ રહેલું છે. રજપૂત, મેર, આહીર કાઠી, રબારી, ભરવાડ, ભોપા આદિ જ્ઞાતિના લોકોનો પોતપોતાનો પરંપરાગત પોશાક તે-તે જ્ઞાતિની ઓળખ કરાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પરંપરાગત પોશાક પરથી આપણે ઓળખીએ છીએ કે તે કઈ જ્ઞાતિનો પુરુષ છે કે સ્ત્રી છે.
પોરબંદર અને તેની આજુબાજુ વસવાટ કરનાર ખડતલ અને ખમીરવંતી મનાતી મેર પ્રજાની સાંસ્કૃતિક પરંપરામાં તો પોશાકને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવેલું છે. મેર પ્રજાનો પરંપરાગત પોશાક તેની આગવી ઓળખ ઊભી કરવા ઉપરાંત તેની શૌર્યભરી પ્રકૃતિને પ્રગટ કરનારો પણ બની રહે છે. આ પ્રજાના પરંપરાગત પોશાકની વાત કરીએ તો ચોરણી, આંગડી અને માથે ટોપી કે પાઘડી એ પુરુષનો પોશાક છે; જ્યારે જીમી, કાપડું અને ઓઢણું કે કાળો પછેડો એ સ્ત્રીનો પોશાક છે. સાંસ્કૃતિક પરંપરાના આરંભના તબક્કામાં કે જ્યારે કાપડ-ઉદ્યોગો બહુ વિકસ્યા નહોતા ત્યારે મેર-જુવાનો લઠ્ઠો કે પાણકોરાંની સીવેલી ચોરણી અને આંગડી પહેરતા. લઠ્ઠો અને પાણકોરું એક તો જાડાં કાપડ, ને તેમાં વળી એ કાપડમાંથી સિવાતી આંગડી પર અતિશય ઘટ્ટ સિલાઈ કરવામાં આવતી, તેથી આંગડી તો મેર પુરુષ માટે જાણે બખ્તરની ગરજ સારતી ! તીક્ષ્ણ ભાલાનો જોરદાર ઘા પડે તોપણ ડિલ પર ઊંડો જખ્મ ન થવા દે એવી મેર-પુરુષની જાડી આંગડીને તેનું બખ્તર નહીં કહીએ તો બીજું શું કહીશું ?
સમય જતાં કાપડ-ઉદ્યોગો વિકસ્યા અને વિવિધ જાતનાં કાપડ તૈયાર થવા લાગ્યાં. ત્યાર પછી મેર-પુરુષો લઠ્ઠા અને પાણકોરાંને બદલે કોટન અને ટેરી-કોટનના કાપડમાંથી સીવેલી ચોરણી અને આંગડી પહેરતા થયા. આ બંને કાપડમાંથી તૈયાર થયેલી બગલાની પાંખ જેવી ધોળીફૂલ ચોરણી અને આંગડીએ મેર-પુરુષની રૂડપને ભારે નિખાર આપ્યો છે.
જેમ મેર-પુરુષનો તેમ મેર-સ્ત્રીનો પરંપરાગત પોશાક પણ નક્કી થયેલો છે એ વાત આગળ જણાવી છે. મેર-સ્ત્રીના પોશાકમાં જીમી, કાપડું અને ઓઢણું કે કાળા પછેડાનો સ્વીકાર થયેલો છે. મેર-પ્રજાની દીકરી અને વહુવારુમાં વરતારો રહે તે માટે બંનેની જીમીના રંગમાં તફાવત રાખવામાં આવેલો છે. દીકરીને પહેરવાની જીમી સફેદ રંગની હોય છે, જેને ‘ઘાસિયું’ કહેવામાં આવે છે; જ્યારે વહુવારુની જીમી લાલ રંગની હોય છે, જેને ‘ઢારવો’ કહેવામાં આવે છે. બગલાની પાંખ જેવું ધોળુંફૂલ ઘાસિયું, સોનેરી સળવાળું કિનખાબનું કાપડું અને માથે આસમાની રંગનું ઓઢણું ધારણ કરેલી મેરની દીકરી તથા જાસૂદના ફૂલ જેવો રાતોચટાક ઢારવો, કિનખાબનું કાપડું અને માથે ઓઢણું કે કાળો પછેડો ધારણ કરેલી મેરની વહુવારુ માથા પર તાંબા-પિત્તળની હેલ્ય મૂકીને પનઘટને રસ્તેથી મલપતી ચાલે ચાલી આવતી હોય ત્યારે ગામડા ગામમાં સર્જાતું મેરની નણંદ-ભોજાઈનું એ દુર્લભ દ્રશ્ય જોનારની આંખમાં ચિરંતન છાપ છોડી જાય છે. પરંપરાગત પોશાક ધારણ કરેલી મેરની નણંદ-ભોજાઈ પ્રભાતના પહોરે જ્યારે રવાઈમાં બાંધેલા નેતરાંને સામસામી બાજુથી ખેંચીને દહીં વલોવતી હોય ત્યારે તેઓ એટલી તો સુંદર લાગે છે કે તેમને જોઈને સંસારથી કંટાળેલા અને આપઘાત કરવાનો દ્રઢ નિશ્ચય કરેલા માણસના મનમાં પણ જિજીવિષાનો ધોધ વછૂટી જાય !
મેરની સંસ્કૃતિમાં આગવું સ્થાન પામેલો અને મેર સ્ત્રી-પુરુષનાં રૂપ-લાવણ્યને ભારે નિખાર આપનારો તેમનો પરંપરાગત પોશાક હવે લુપ્ત થવાના આરે પહોંચી ગયો છે. ભપકાદાર પાશ્ચાત્ય સંસ્કૃતિ (western culture) અને ઢંગધડા વિનાના આધુનિક શિક્ષણ ( modern education) દ્વારા લોકવર્ણોની પરંપરાગત જીવનશૈલી પર જે કારમા ઘા થયા છે, તેનાથી મેર-પ્રજા પણ બચી શકી નથી. અલબત્ત, આ બાબતમાં સાવ નિરાશ થવા જેવું પણ નથી. લગ્નપ્રસંગે અને એવા બીજા શુભ પ્રસંગે મેર સ્ત્રી-પુરુષો પોતાના પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને સંસ્કૃતિને જાળવી રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
મેર સ્ત્રી-પુરુષના પરંપરાગત પોશાકને લુપ્ત થતો અટકાવવા માટેના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો પણ ઘણે ઠેકાણે, ઘણાના હાથે અને ઘણી રીતે થતા જોવા મળે છે અને તે આપણને એક આશાસ્પદ આશ્વાસન પૂરું પાડે છે. મેરની ઘણી ડાંડિયારાસ મંડળીઓ તેમ જ આંતરરાષ્ટ્રિય મહેર સુપ્રિમ કાઉન્સિલની મહિલા-પાંખનું એમાં જબ્બરદસ્ત યોગદાન રહેલું છે.
આપણે આશા રાખીએ કે મેરની સંસ્કૃતિનું આ અણમોલ અંગ સદાય જીવંત રહે.
- આલેખન: ભરત બાપોદરા
તસ્વીર સૌજન્ય: કિંજલ ઓડેદરા
No Comments