“મને અપ્રિય થવું ગમે છે. પણ ઉંમર વધતા વિસ્તૃત થતી સમજદારી વચ્ચે અપ્રિય બનવું બહુ કઠણ બનતું જાય છે. પછી હું પ્રિય થવાનો ઢોંગ કરતો રહું છું. આજીવન આ ઢોંગ ચાલુ રહેશે.” મેં કહ્યું.

“ખબર છે ઢોંગ છે તો શા માટે ચાલુ રાખવો જોઈએ ! અથવા તો તટસ્થ હોવાનો ઢોંગ તારે બંધ કરી દેવો જોઈએ. દંભનો પર્દાફાશ કરનાર વ્યક્તિ મને સૌથી પ્રિય છે. શબ્દનો ધર્મ છે ભીતરી વિચારોને સ્પષ્ટ કરવાનો, જો એ તમે ન કરી શકો તો મારી જેમ ચૂપ થઈ જવું જોઈએ.”

સિગારેટના કસ છોડતા અર્ધવંકાયેલાં હોઠ પર આફરીન થઈ જવાય એવી સ્પષ્ટ અદાથી એ બોલી હતી. આ સૌંદર્ય ખૂબ ઘાતક હોય છે. જરાક અમથું ઓછું હોય તો આખો પર્યાય બદલી નાખે એવું. એના પર માફકસર હતું કે નહીં એની મેં ક્યારેય પરવા કરી ન હતી. એણે પણ આવી પરવા કરી હોય એવું મને ક્યારેય લાગ્યું ન હતું. પણ હું એવી જગ્યાએ પહોંચી ગયો હતો જ્યાં સૌંદર્યની મારે મન કશી કિંમત ન હતી, એની આંખોની ચમક  મને જે જુસ્સો પૂરો પાડતી એ બહુ કિંમતી હતો. તટસ્થ છતાં જરાય સૌમ્ય નહિ એવો એનો ચહેરો રોજ આંખોમાં ભરવાની આદત પડી ગઈ હતી. 

રોજની આ અડધી કલાક જીવનની સૌથી કલાત્મક પળો બની જતી એમ લાગતું. બાકી તો સાયરનના અવાજની રાહ ન ઇચ્છવા છતાં જોવી પડતી. એ અવાજ સાથે એક અભિસંધાન જેવું થઈ ગયું હતું. એના વગર જીવન સ્થિર હોય એ રીતે પથ્થર થઈ જતું. એ અવાજ અમારા બધાની જીજીવિષાનો એકમાત્ર સહારો હતો. હા, જીવવાની નહિ પણ મરવાની પળો. 

બીતુ એક વખત મને પૂછતો હતો, ” ક્યારેક દટાવાનો મારો વારો આવે તો છેલ્લી વખત તારો ચહેરો જોવો છે. દોસ્ત ! તારા ચહેરા પર નિરાશાની એક અમથી લકીર પણ નથી બસ એટલે એ ગમે છે. તું મને એક વખત જોવા આવી શકે કે નહીં ? ” મારાથી એને કઈ જ જવાબ આપી ન શકાતો. મને થતું વાન ગોગ આ મજૂરોમાં કઈ રીતે રંગ જોઈ શક્યો હશે. અહીં તો એક જ રંગ છે કાળો અબનુસ. ધુમિલ ચહેરા ને નશાભરેલી આંખો વચ્ચે કોઈ કલાત્મકતા કેમ શોધી શકતું હશે ? મારી હથેળીની લકીરો આ જ કોલસાના રંગ વચ્ચે રંગાયેલી હતી છતાં હું એ ભૂંસવા સતત પ્રયત્ન કરતો. પ્રયત્નો પાંગળા હોવા છતાં આ જીવાતા જીવન વચ્ચે મને કઈક આશ્વાસન ચોક્કસ આપતા. 

“યાદો ક્યારેય ભૂંસાતી નથી તું એવું માને છે ? ” મેં એને પૂછ્યું ને એની આંખોમાં ચમકની લહેરખી વહી ગઈ હતી. આજે એ ખુદ જ યાદ બની ગઈ હતી. એની કારમી ચીસ મારાથી સહન નહતી થઈ શકી. મારા જીવનની રોજની એક અદ્ભૂત પળ કોલસા વચ્ચે ભીંસાઈ ગઈ હતી એ વાતે મને અંદરથી હચમચાવી નાખ્યો હતો. પરાક્રમ વિનાની હિંમત પ્રકટવા કોઈ પ્રસંગ પણ જોઈએ, મારા માટે એની ચિચિયારી આ પ્રસંગ હતી. પૈચાશિક, ભડકતી, નર્કપુરી સમાન આ ખાણ એને ગળી ગઈ હતી ને મને વિચારતો મૂકી ગઈ હતી કે આવું ક્યાં સુધી ચાલશે ??

એક જ વખતની ચિચિયારીઓ અને પછી બધું શાંત થઈ જતું ને એ સ્મશાનવત શાંતિમાં વધારો કરતું આ સાયરન. કોલસાની બિહામણા તળિયા જેટલી અંધારી ને ઊંડી ખાણમાં જ્યારે પણ કોઈ મજૂર ફસાતો આ સાયરન વાગતું ને પછી નીરવ શાંતિ છવાઈ જતી આખા વાતાવરણમાં. હું સતત પ્રયત્ન કરતો બધાને સમજાવવાનો કે એક થઈ આ ઝુઝતી જિંદગીમાંથી છૂટવા કઈક કરીએ, પણ મારા પ્રયત્નો પર આ બધાની પ્રતિભાવ વિનાની કાળી આંખો પાણી ફેરવી દેતી.

   ઋતુઓ જેવું તો કશું અનુભવાતું ન હતું પણ આ વરસાદ આવતો ત્યારે બધા રીતસરના ફફડતા. પાણી ધસારા સાથે ખાણોમાં દોડી આવતું ને જળતત્વમાં સમાધિ અવસ્થામાં શરીરને મૂકી આત્મા મુક્ત થઈ જતો. અત્યારે જીવાતા જીવન કરતા એ મુક્તિ સારી હોવા છતાં ખબર નહિ પણ કેમ આવી મુક્તિ કોઈ ઇચ્છતું નહિ. મુક્તિની પણ વ્યાખ્યાઓ કેવી અલગ-અલગ હતી. જીવનમાંથી મુક્તિ ન હતી જોઈતી, ને પીડામાંથી મુક્ત થવા પ્રયત્નો નહતા કરવા. ફક્ત દર્દ ને પીડા જ હતા એવું નહિ, બીજી કોઈ જીવન જીવવા માટે પસંદગી નહતી મળતી એનો મને ઉબકો આવતો હતો. આ એકધારા જીવનનો કંટાળો મારી સાથે આ દરેકને આવે એમ હું ઇચ્છતો, કારણ કે તો જ એમાંથી નીકળવાનો માર્ગ પણ વિચારી શકાય. પણ મારું વિચારતંત્ર ખળભળી ઉઠ્યું હતું એમ દરેકનું કેમ નહતું ખળભળતું એનું મને આશ્ચર્ય થતું. સ્થિતપ્રજ્ઞ જેવા દરેક મ્લાન ચહેરે બસ કુહાડી હાકયે જતા હતા. કોઈ ઈચ્છા, મહેચ્છા, દુઃખનો અહેસાસ કે સુખની લકીર કશું કોઈના ચહેરા પર ઝાઝો વખત ટકતું હું જોતો નહિ. નિરાશા કરતા બળવાનો અભાવ વધુ અસર કરતો હું જોઈ શકતો. ઘણી વખત ડર પર નિરસતા વધુ હાવી થઈ જાય એ હકીકત અહીં સ્પષ્ટ વર્તાઈ આવતી. એક સમય એવો આવે કે તમે વિરોધ કરવાનું જ ભૂલી જાઓ ને બસ યંત્રવત જીવ્યા જ કરો. અહીં પણ યાંત્રિક જીવન હું અનુભવી શકતો. શ્વાસમાં પેસી જતી એ કોલસાની રજને તો કોઈ ગણકારતું પણ નહીં, વળી ક્યારેક પાણીનો ઝરો પોલી પડેલી દીવાલ પાછળથી ધસી આવતો ને કેટલાયને વહાવી જતો એ પણ નગણ્ય બની જતું. 

    અહીં જીવનાર માટે આશા, પ્રયત્નો જેવા શબ્દો તો બહુ નાના થઈ પડતા. અહીંથી નીકળ્યા પછી પણ કોઈ ઉજ્જવળ તક રાહ જોતી એવું ન હતું. ભૂખની ભૂતાવળ આ બધાને અહીં બાંધી રાખતી હતી. ખાણમાં કામ ન કરે તો બીજું શું કરે ? આ યક્ષપ્રશ્ન તો મનેય સતાવતો. પણ છતાં આ જે દટાઈ જઈને શ્વાસ ગૂંગળાઈ જતો એના કરતાં સારું મોત તો મેળવી જ શકીએ બધા, ને બીજું કંઈ નહીં તો લાકડા ને અગ્નિ તો પામશું. અહીં તો ખાણમાં ફસાયા પછી  એ ખાણ જ બંધ કરી દેવાતી થોડો વખત જેથી ફસાયેલાના શરીરો કોહવાઈ જાય. એ મૃતદેહની વાસ આવતી બંધ ન થાય ત્યાં સુધી એ ખાણમાં જવાની જ મનાઈ ફરમાવી દેવાતી. જો કે બીજો તો કોઈ રસ્તો પણ ન હતો એમને કાઢવાનો. નાનો હતો ત્યારે મેં ખૂબ ફાંફા મારી લીધા હતા મારા દટાયેલા મા-બાપને ખોળવાના, પણ અફસોસ સિવાય કંઈ જ હાથ નહતું લાગ્યું. એ વખતે એક ચોકીદારે માથા પર  ટોપી પહેરાવી દીધી હતી ને મને કહ્યું હતું, ” ચલ છોટે મલકટ્ટા, આજ સે તેરા ભી નામ દર્જ હો ગયા. તુ યહાઁ જીયેગા યા નહિ યે તો પતા નહિ પર યહી પે મરેગા જરૂર.” જાણે આજીવન ખાણીયા નામ પર મહોર લગાવી દીધી હોય એમ. હું પણ હોંશેહોંશે કામ કરવા લાગ્યો. પણ પછી સમજાયું કે અહીં કાળી રાત જેવા જ દિવસો પણ વિતે છે. સાવ જ કાળા ધબ. સતત કુહાડીના અવાજથી કાન ટેવાઈ જાય છે ને આંખો સામે સતત ઊડતી એ જીણી-કાળી રજ તમને રાતે ઊંઘવા નથી દેતી. એનો પણ ઉપાય ઉચ્ચ સ્થાને બિરાજમાન દેવતાઓએ આપી દીધો છે. પુરુષો સાથે સ્ત્રીઓ પણ એ નશામાં ડૂબી રહે છે. બધાના મગજ સુન્ન કરી નાખ્યા છે જેથી કોઈ વિચારી ન શકે. પોતે જીવંત છે કે માણસ છે એવું લગભગ અહીં કોઈને યાદ હોય એવું મને લાગતું ન હતું. 

   સત્તાધારીઓની ગીધ સી ચમકતી આંખો કોઈને સામે જોવા પણ નાહિંમત કરી નાખતી તો પછી બોલવા કે હક માંગવાનું તો વિચારવાનું જ ન હતું. છતાં હું મારા પ્રયત્નો ચાલુ રાખતો. અહીં ગુલામોને ઓજારો માનવામાં આવતા. ગુલામો પર દેખરેખ રાખતા ક્રૂર ચોકીદારો વચ્ચે એક જ ઉડીને આંખે વળગે એવો માણસ હતો ને એ એટલે, આમિર. બહુ ભલો સિપાઈ. એકવખત ખાણના પથ્થર પડતા હતા ત્યારે મેં એને બચાવ્યો હતો બસ ત્યારથી અમારી દોસ્તી થઈ ગઈ હતી. એ મને કહેતો,

“મલાવ ! તું કહે તો તને આ ગુલામીમાંથી બહાર કાઢી શકું. ” પણ હું ના પાડતો કે મારે એકલાને નથી નીકળવું. એ મને દુનિયા આખીના સમાચાર આપતો કે ક્યાં ક્યાં આઝાદીની મશાલો ભભૂકી ઉઠી છે ને ક્યાં ક્યાં બળવો થયો છે. મારા અંદરના બળવાને ચિનગારી આપવાનું કામ આ સમાચારો કરતા હતા. બળવો સહેલો ન હતો. કઈ આ હું પહેલો ન હતો જે આવું વિચારતો હતો. અનેકે પ્રયત્નો કર્યા હતા, પણ એનું એક જ પરિણામ આવતું હર વખત. પુરુષોને બીજી ખાણમાં મોકલવાના છે એ બહાને મોઢામાં કોલસો ભરી દાટી દેવામાં આવતા ને સ્ત્રીઓ ગુલામબજારમાં વહેંચાઈ જતી. એટલે જ હવે કોઈ હિંમત કરતું ન હતું. મહેનતાણું એટલે શું એ અહીં ન તો સતાધીશોને ખબર હતી નતો ગુલામોને. બે ટંકનું ખાવાનું ને રાત્રે ઊંઘ આવી જાય એટલું પ્રવાહી બસ આટલા વળતર માટે અહીં ગુલામો દિનરાત કામ કરતા હતા. આઝાદ દુનિયાથી અલગ અહીં એક નર્ક જેવી દુનિયા લોકો જીવતા જેની બહારની દુનિયાને પણ કોઈ જાણ ન હતી. મોટા દરવાજા પાછળ શું હશે ? એ વાત આ ગુલામોએ વિચારવાની છોડી દીધાને સદીઓ થઈ ગઈ હતી. મારામાં ખબર નહિ કેમ એ વાતો સતત ઘુમરાયા કરતી. આઝાદી એ શબ્દ મને અમૃત જેવો લાગતો ને હું સતત એને મમળાવ્યા કરતો. જોનાર મને પાગલ સમજી ધ્યાન ન આપતા. 

   એક સવારે ફરી સાયરન વાગ્યું. હું એ ખાણથી થોડો જ દૂર હતો. બીતુના શબ્દો મારે કાને પડઘાયા, હું એ તરફ દોડ્યો પણ મને એક સિપાઈએ રોકી રાખ્યો. મેં હતું એટલું જોર લગાવી એ સિપાઈને ઘોડા પરથી નીચે પટકી દીધો. હું એના હાથમાંથી છટકી ગયો. ખાણ તરફ જતા જ ચિચિયારીઓ સાંભળી પગ સહેજ થોભી ગયા. પણ એક ક્ષણ પછી ફરી હિંમત એકઠી કરી હું આગળ વધ્યો. આ પહેલી વખત બન્યું હતું કે ફસાયેલા લોકોને બહાર કાઢવા કોઈ પ્રયત્ન કરતું હતું. મને જોઈને બીજા ગુલામો પણ  આગળ આવ્યા. નજીક જ દટાયા હતા એમને થોડી ઇજાઓ સિવાય વધુ નુકશાન ન હતું થયું, એમને બહાર કાઢ્યા. જે હવે જીવિત રહ્યા ન હતા એમને પણ બહાર કાઢવા એવું મેં કહ્યું. બધા મારા કોલસામિલિત મોઢા સામે જોતા રહ્યા. મેં કહ્યું, ” એમને અહીં સળવા નથી દેવા, બહાર કાઢી સળગાવી નાખીશું.” કેટલાય ઠંડા નિસાસા મેં અનુભવ્યા. 

  પહેલ જ બહુ અઘરી છે પછી તો માણસ આગળ વધતો જ રહે છે. મારી પહેલે હાહાકાર મચાવી દીધો. દિમાગને સળગાવી નાખનાર વિપ્લાવકો સત્તાને હચમચાવી શકે છે. હું એમાંનો ન હોવા છતાં મને ખબર હતી માલિકો આ બગાવતથી થોડા ગભરાયા જરૂર હતા.  અત્યાર સુધી એક પક્ષ જ હતો માલિકોનો હવે બીજો પક્ષ ઉભો થવા જઈ રહ્યો હતો ગુલામોનો. બધાને મનમાં ફણગો ફૂટ્યો હતો કે આટલા વર્ષોમાં આવી બચાવ કામગીરી શા માટે ન થઈ ? કેમ ગુલામોને તરફડીયા મારી મરી જવા છોડી દેવામાં આવતા. પેલો બાહુ એક વખત ભૂલથી બીજે દિવસે એવી ખાણ પર ગયો હતો જ્યાં આગલે દિવસે જ મજૂરો દટાઈ ગયા હતા. જીવતા મજૂરોનો કણસાટ સાંભળી એ બહાવરા જેવો બની ગયો હતો. એ પછી એનું માનસિક સંતુલન ક્યારેય ઠીક ન હતું થઈ શક્યું. મને થતું આ ગુલામોને ક્યારેય નહીં થતું હોય કે આટલી દર્દનાક મોત કોઈને શા માટે મળવી જોઈએ ? આનો કોઈક તો ઉપાય માલિકોએ વિચારવો જોઈએ. આમ તરફડાટ વચ્ચે એમને છોડી દેવા એ કેવી ક્રૂરતા ? પણ એવું ક્યારેય લાગ્યું નહિ કે આ બધા ક્યારેય આવું વિચારી શકશે. પણ, પહેલી વખત એમના ચહેરા પર કઈક અજબ રોશની મેં જોઈ. બળવો નહિ તો જીવવાની એક આશ તો ખરી જ. મને હિંમત મળી કે જો હું આગળ આવું તો હવે મને સાથ તો જરૂર મળશે. જીવતા નીકળેલા મજૂરોના મોઢા પર અહોભાવ હું અનુભવી શકતો હતો. એમને ખબર હતી કે જો એમને બહાર ન કઢાયા હોત તો એમનું શું થવાનું હતું. સાનુ તો મને રીતસરનો ચોંટી ગયો હતો અને બોલ્યો હતો કે, “મલાવભાઈજી આપ તો દેવતા બનકર આયે હો મેરે લીએ..”

  મને સતાધીશો સામે હાજર કરવામાં આવ્યો. આમ તો ઔપચારિક સભા જેવું જ હતું. માલિકો અને ગુલામો વચ્ચે ક્યારેય ચર્ચા હોતી જ નથી ત્યાં તો હોય છે ફક્ત આદેશ, ફરમાનો ને ક્રુરતાની હદ સુધીની સજાઓ. પણ ઇતિહાસ પણ ત્યારે જ રચાય છે જ્યારે અંધકાર ઘોર ને ઘેરો બનતો જાય છે. હું જોતો હતો દૂર દીવાલ પર નાના જીવડા પર લપકતી એ ગરોળીને. મારી હિંમત મને દગો દેશે એમ ક્ષણ માટે મને લાગ્યું, પણ આનાથી વધારે ભીંસ બીજી શું હોઈ શકે એમ વિચારી હું સ્થિર ઉભો રહ્યો. સભા જેવો કોઈ ઘાટ ન હતો અહીં, એક ઊંચો, પડછંદ ને કાળો માણસ આવ્યો, એનો સોનાનો દાંત એને વધુ ક્રૂર દેખાડી રહ્યો હતો. ગળે લટકતો એ હાથીદાંત એની સતાની ઘેલછાને વધુ તીવ્ર બનાવી રહ્યો હતો. ” સળગાવી નાખો કોલસાથી આ હરામીને બધા સામે, એટલે બીજો કોઈ માલિક બનવા ઉભો ન થાય..” ફરમાન કરી એ દાનવ ચાલી નીકળ્યો. એની ચાલમાં એક પ્રકારની ક્રૂર મક્કમતા હતી. સત્તાનો લોભ નિષ્ઠુર અને સિદ્ધાંત વિહોણો થઈને જ પ્રગતિ કરે છે. 

    હું ઠંડો બરફ થઈ એમ જ ઉભો હતો. આમિરે મને  એક વખત કહ્યું હતું, “સુકરાતને માર્યો એ જ ભૂલ હતી. જીવતો માનસ ક્યારેક એટલો બળવાન નથી હોતો જેટલો એ મર્યા પછી બની જાય છે. સુકરાતને ઝેર આપવું એ જ ક્રાંતિની શરૂઆત હતી.” દટાઈ જવા કરતા સળગવું કઈ ઇચ્છનીય તો ન હતું પણ તોય મને કઈક બદલાયાનો ભાસ થતો હતો. દૂરદૂરથી આઝાદીના સમાચારો આવી રહ્યા હતા. હિન્દુસ્તાન આઝાદ થશે એવી આશા જન્મી હતી. ને એ આશાએ અહીંના સત્તાધીશોની ઊંઘ ઉડાવી દીધી હતી. કારણ કે એક આઝાદીનો તણખો અહીં ઝરતા એ જોઈ રહ્યા હતા. મારા હાથ બાંધી મને બહાર લાવવામાં આવ્યો. મને આમિરે એક વખત વાન ગોગના “સ્વીટ પોટેટો” ચિત્રનું વર્ણન કર્યું હતું. એક સમાન લાગતા દરેક ગુલામોના ચહેરાનો એ રંગ હું  બહાર નીચી નજરે ઉભેલા ગુલામોમાં જોઈ શકતો હતો. આજે એ આંખો નીરસ નહતી લાગતી. એક ચમક બધી આંખોમાં વહેતી હતી, વીજળી સી, કદીક એ વીજળી સૂર્ય બનશે એવી..

    ધધકતો કોલસો લાવવામાં આવ્યો હતો. બધા સામે મને લાવી એ કોલસા વચ્ચે ઉભો રખાયો. મારે ચીસ ન હતી પાડવાની, એટલે જ મોઢામાં પણ કોલસો ભરી દેવામાં આવ્યો હતો. મલકટ્ટા બનીને જન્મેલાના નસીબમાં આવું મૃત્યુ તો નવી વાત કહેવાય, હું કોહવાઈને નહિ આગ થઈને મરણશરણ થવાનો હતો એનો મને આનંદ હતો. અગ્નિ મને એની બાહોમાં ભરી રહી હતી, અદલ મારી પ્રેમિકાની આંખોમાં જેમ એ મને ભરતી એમ જ.  એક યુવાન છોકરો ને સાનુ દોડતા આવ્યા ને સળગતા કોલસાની મુઠ્ઠી ભરી એ યુવાન બોલ્યો, “મલાવ ! તું મરતો નથી, તું આજથી જન્મી રહ્યો છે…” મને લાગ્યું કે આ મૃત્યુની નહિ પ્રસવની પીડા થઈ છે. પરિવર્તનનો પ્રસવ….

  • હિના એમ. દાસા (જૂનાગઢ)

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *