તમે તમારા દર્દનું વળતર મેળવો….
દર્દનું તે વળી કંઈ ઇનામ હોય? ક્યારેક ઊંચા પર્વતની ચઢાઈ વખતે ઘણા લોકો છેક ટોચ ઉપર પહોચવામાં બસ થોડુંક જ અંતર બાકી હોય ત્યાં પગમાં પારાવાર પીડાનો અનુભવ કરી હિમત હારી પાછા વળી જતા હોય છે. બસ થોડાક જ પગથીયા બાકી હોય ત્યાં યાત્રાને અધુરી મૂકી અત્યાર સુધીચઢેલા અનેક પગથીયાના પરિણામને મેળવી શકતા નથી અને ટોચ ઉપર પહોચવાના આનંદથી વંચિત રહી જાય છે. એક કઠોર વૃક્ષને કાપવા કુહાડીના ૨૦૦ પ્રહાર લગાવી ચુક્યા હોય છે ત્યાં હાથમાં કાળી પીડા ઉપડી નીકળે છે અને કુહાડી ફેંકી દઈએ છે. બસ બીજા થોડાક ઓર વધુ પ્રહારોથી એ વૃક્ષ તૂટવાનું હતું પણ એના પહેલા આપણે તૂટી જઈએ છે. આ તો માત્ર ઉદાહરણો છે. વાસ્તવિક જીવનમાં આપણે ઘણા બધા ગોલ સેટ કરતા હોઈએ છીએ અને એ માટે તનતોડ મહેનત પણ કરતા હોઈએ છીએ, પરંતુ ક્યારેક ધાર્યો રિસ્પોન્સ ના મળતો હોય, તો ક્યારેક એ ગોલ અચીવ કરવામાં થોડોક વધારે સમય લાગી જતો હોય અથવા કોઈ મુશ્કેલી આવે તો આપણે વિહ્વળ બની જઈએ છીએ અને હથિયાર હેઠા મૂકી દઈએ છીએ. જેને લઇને નિર્ધારિત કરેલ એ લક્ષ્ય પ્રાપ્ત કરવાનું આપણે ચુકી જઈએ છે સાથે સાથે એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અત્યાર સુધી કરેલ મહેનત ઉપર પણ પાણી ફેરવી દઈએ છીએ અને એના માટે અત્યાર સુધી ભોગવેલ દર્દ , પીડાનું વળતર નથી મેળવી શકતા એટલે જ પ્રારંભે કહ્યું છે તેમ તમારા દર્દનું વળતર મેળવો. જયારે પણ તમે નિર્ધારિત કરેલા લક્ષ્યની પ્રાપ્તિ માટેના પ્રયાસોમાં નાહિંમત બની જાવ ત્યારે પણ તમારા પ્રયાસોને વિરામ ના આપો, એનાથી અટકી ના જાવ. વિચારો કે આ કાર્યને તમે શા માટે શરુ કર્યું હતું? માત્ર આટલું કરવાથી તમે નવી ઉર્જાથી સભર થઇ જશો અને એ લક્ષ્યની પુરતી માટેના પ્રયાસોમાં લાગી અત્યાર સુધી કરેલ અથાગ મહેનતનું ફળ જરૂર ચાખી શકશો.
- ગાંગાભાઇ સરમા
No Comments