by ભરત બાપોદરા
ચલાળામાં દાન મહારાજની ડેલીએ કાઠી ડાયરો એકઠો મળેલો છે : ધારી, અમરેલી, કુંડલા, ભાવનગર, પાળિયાદ, જસદણ, ગોંડલ, વિસાવદર, ચોટીલા, બોટાદ, ચિત્તળ, ગઢડા, વાંકિયા, બાબરા, આટકોટ, સાંથળી, કરિયાણા, બરવાળા, ખંભાળા, આણંદપર અને ભાડલા ઇત્યાદિ ગામોના કાઠીઓ આવેલા છે. ખાચર, ખુમાણ અને વાળા એમ ત્રણેય પરજના કાઠીઓની હાજરી છે. મલક બધામાં ‘પીર’ લેખે પૂજાતા આપા દાનને થડે માથું ટેકવવા આવેલા કાઠીઓ ડેલીની દોઢીએ બેઠાબેઠા પોતાના પૂર્વજોની વાતોને વાગોળી રહ્યા છે. રાજના અન્યાય અને અત્યાચાર સામે બહારવટે ચડેલા નરબંકાઓનાં ગરવાં બિરદ ગવાય છે.
ડાયરામાં આલગ વાળો નામે વાંકિયાનો કાઠી દરબાર પણ હાજર છે. ગાયકવાડ સરકાર સામે વરસો સુધી બહારવટું ખેડનાર આલગ વાળાના કાન બહારવટિયાઓનાં બિરદ સાંભળી-સાંભળી દુખવા આવ્યા. વાતોમાં વચ્ચે થોડો વિરામ આવતાં એ બોલ્યો : ‘હવે થોડી વાર બારોટને બોલવાનો લાભ દઈએ તો કેમ ?’
આલગ વાળાનું સૂચન બધાને ખૂબ ગમી ગયું. ડાયરામાં કાઠીઓનો બારોટ બેઠો હતો. દુહા-છંદની મોજ પીરસવા કાઠીઓએ એને તાણ કરી. બારોટે પગ માથે પગ ચડાવ્યા, પાઘડી ઠીકઠાક કરી અને પછી ખોંખારો ખાઈને મોટા સાદે દુહા-સોરઠા ઉપાડ્યા :
આવ નહીં, આદર નહીં, નહીં નયણે નેહ;
તે ઘર નવ જઈએ, ભલે કંચન વરસે મેહ.
(જે ઘરે આવતલને આવકાર કે આદર ન અપાતાં હોય તેમ જ અતિથિ પ્રત્યે જેની આંખોમાં સ્નેહનાં અમી ન છલકાતાં હોય તેવા ઘરે ક્યારેય જવું નહીં. પછી ભલે તે ઘરે સોનાનો વરસાદ વરસતો હોય.)
મે’માનુંને માન દિલભર દીધાં નહીં;
ઈ મંદિર નંઇ મસાણ, સાચું સોરઠિયો ભણે.
(આંગણે આવેલ અતિથિનો અંતરના ઉમળકાથી આદર-સત્કાર ન કરનાર માણસનું ઘર એ મંદિર નહીં, પણ જીવતા માણસનું સ્મશાન છે એમ સોરઠિયો કવિ જણાવે છે.)
પંથ પરોણો તાકતાં, પલ પલ સુકાતાં પ્રાણ;
આદર જોઈ ઊગતો, કાયમ કશ્યપ રાણ.
(પોતાના ઘરને ઝરુખે ઊભીને, સામેના મારગ પર મહેમાનની વાટડી જોતાં-જોતાં જેના પ્રાણ સુકાય છે, એવા માનવનો અતિથિ પ્રત્યેનો આદરભાવ જોઈને જ કશ્યપનો કુંવર એટલે કે સૂર્યનારાયણ કાયમ ઊગે છે.)
નરથી વધે જ્યાં નારિયું, પરિયું દળ પરમાણ;
આદર જોઈ ઊગતો, કાયમ કશ્યપ રાણ.
(જ્યાં અતિથિને આવકારો આપવામાં પુરુષોથી સ્ત્રીઓ ચડિયાતી સાબિત થાય છે, એવી પરીઓ સમાન નારીઓનો અનોખો-અનેરો ભાવ જોઈને જ કશ્યપનો કુંવર એટલે કે સૂર્યનારાયણ કાયમ ઊગે છે.)
કાઠિયાવાડી કોટમાં ભૂલો પડ્ય ભગવાન;
મારો થા મીંમાન, સ્વર્ગ ભુલાવાં શામળા !
(ભગવાન કૃષ્ણને કવિ કહે છે : ‘હે શામળિયા! એક વખત જો તું કાઠિયાવાડમાં-કાઠીઓના મુલકમાં ભૂલો પડ્ય અને મારો મહેમાન બન તો તારી એવી મહેમાનગતિ કરું કે તને તારું સ્વર્ગ પણ ભુલાઈ જાય !)
મે’માનગતનો મહિમા દેખાડતા છ દુહા-સોરઠા ગાઈને બારોટે પોતાની વાણીને વિરામ દીધો. ‘ભલો બારોટ ! રંગ છે બારોટ !’ એવા એવા ભલકારા દઈને બારોટને પાનો ચડાવતા કાઠીઓ છેવટનો દુહો સાંભળતાં તો રંગમાં આવીને ગોઠણભેર બેઠા થઈ ગયા ! ને તેઓની વચ્ચે ઘડીભરમાં તો મે’માનગતનું
પુરાણ મંડાઈ ગયું :
‘ભગવાન જેવો ભગવાન પણ જો કાઠીઓના મુલકમાં પધારે તો એને સ્વર્ગે પાછા ફરવાનું મન જ ન થાય ! મે’માનગત તો કાઠીની જ હો, બા !’
‘અતિથિને કાળજું કાઢીને આપે, એનું નામ કાઠી !’
‘આંગણે આવેલા મે’માનોનાં ભાણાં સાચવી ન શકાય એવી ભૂંડી કંગાલત ભોગવતા ધણીની આબરૂ રાખવા ઘરનું માણસ એરુ અભડાવીને મરવા સુધી જાય, એવું તો બા ! કાઠીને ખોરડે જ બને !’
‘ભડલીના આપા ભાણ ખાચર ને કણબાવ્યના ચીતરા કરપડાની મે’માનગતે પણ શું ઓછી નામના કાઢી છે ?’
‘આંહીં ચલાળે આપા દાના ને પાળિયાદમાં આપા વીસામણ રોટલે જ રૂડા દેખાયા છે ને ?’
‘કાઠીના રોટલાને તો, બા ! કોણ ટપ્યું છે ?’
આવી રીતે કાઠી ડાયરો પોતાની જ્ઞાતિની રૂડી મે’માનગતને દાખલા દઈ-દઈ બિરદાવી રહ્યો છે : રોટલો દીધે કાઠી બરોબરિયું કાઠું કાઢી શકે એવી બીજી એક પણ જાતિ નથી એવો બધાનો સૂર છે.
બરડેથી મોઢવાડિયા મેરનો એક બારોટ બરાબર મોકાના દિવસે જ ચલાળે આવેલો. કાઠીઓના તડાકા સાંભળીને તેનાથી રહેવાયું નહીં : ‘કાઠી ભાઈઓ ! તમે તમારા કાઠી વરણનો રોટલો મોટો સમજો છો, પણ તમે હજુ મેરનો રોટલો જોયો નથી. મેરને આંગણે મે’માન થાવ તો ખબર પડે કે મે’માનગત કોને કહેવાય.’
‘તો-તો જોવું પડશે, બા !’ આલગ વાળાએ તીરછી નજરે બારોટ ભણી જોઈને જણાવ્યું : ‘મેરને ખોરડે વળી કે’વાક ચેલૈયા ખંડાય છે એનો ખ્યાલ તો પડે !’
‘હા-હા જરૂર જોજો, આપા !’ આલગ વાળાના મર્મવેધક શબ્દોને બુઠ્ઠા બનાવી દેતાં બારોટે જવાબ આપ્યો : ‘અને આવો ત્યારે રસ્તામાં જરા નાકરે થાતા આવજો : મે’માન માટે થઈને મેરને આંગણે કેટલા કુંવર ચેલૈયા ખંડાણા એનો ખ્યાલ પડશે !’
બારોટનો આ જવાબ સાંભળી આલગ વાળો કૌતુકભરી નજરે તેના ભણી તાકી રહ્યો. તેને કે ડાયરાના બીજા કાઠીઓને બારોટ સામે શું બોલવું તેનો સૂઝકો જ ન પડ્યો.
**************
દીવે વાટ્યો ચડવાનું ટાણું હશે. તે વખતે એક ઘોડેસવારે શીશલી ગામના ચોરા પાસે આવીને પોતાનો ઘોડો ઊભો રાખ્યો અને ચોરે બેઠેલા મેર ડાયરાને રામરામ કર્યા. અસવારની રામરામીનો જાડો પ્રતિસાદ દઈ ડાયરાના માણસોએ પૂછ્યું : ‘કોણ છો, ભાઈ ?’
‘વાંકિયાનો કાઠી દરબાર છું : આલગ વાળો મારું નામ છે.’
‘એ સારું સારું બાપ ! પણ અટાણે અસૂરા આ બાજુ ?’
‘દુવારકાની જાતરાએ નીકળ્યો છું. આંહીં પહોંચતાં-પહોંચતાં સાંજ પડી ગઈ, તેથી આજની રાત આ ગામમાં રોકાવું છે.’
‘આજની રાત આ ગામમાં રોકાવું છે’ એ શબ્દો કાને પડતાં તો ડાયરાના માણસો ઊભા થઈ-થઈને આલગ વાળાને પોતપોતાના ઘરે તેડી જવા માટે તાણખેંચ કરવા લાગ્યા. મેર ડાયરાનો આવો ઘાટા કસુંબા જેવો ભાવ જોઈને આલગ વાળાને મીઠી મૂંઝવણ થઈ કે આમાં કોના ઘરે જવું ? પણ ચતુર કાઠીની બુદ્ધિએ તરત માર્ગ કાઢી લીધો : ‘ભાઈઓ, તમારા સહુનો આટલો ભાવ જોઈને મને ઘણો જ આનંદ થાય છે; પણ હું તો એના ઘરે જ રાતવાસો કરું છું, જ્યાં ચારણ-બારોટના ઉતારા પડતા હોય.’
‘એવું છે ?’ આલગ વાળાના ઘોડાનું ચોકડું પકડીને હાડોહાડની તાણ કરનાર મેર આદમી બોલ્યો : ‘તો-તો આપા ! આ ગામમાં તમને મુરુ મોઢવાડિયાનું આંગણું રૂડો આવકારો દેશે.’
શીશલી ગામમાં મુરુ મોઢવાડિયો અડાબીડ ખેડુ અને કાલાંકપાસનો મોટો વેપારી છે. આજુબાજુનાં પચીસ ગામો સાથે એનો વેપારનો સંબંધ બંધાયેલો છે : દોમદોમ સાયબી એનાં ચરણો પખાળે છે : દિલાવર અને ભલો આદમી છે : ચારણ-બારોટના ઉતારા એને આંગણે પડે છે : ઘરમાં જોગમાયા સમી માકીબાઈનાં બેસણાં છે : જેવાં રઢિયાળાં એનાં રૂપ છે, એવાં સોજાં એનાં શીલ છે. કોઈ કાળજું માગે તો હાથ સીધો કટારીએ જ જાય, એવી એની ભલપતો મલકને માથે નામના કાઢી ગયેલી છે. જાણ્યું-અજાણ્યું કોઈ પણ માણસ એને આંગણેથી ખાલી પેટે પાછું ન ફરે, તેથી લોકોનો આવરો-જાવરો એને આંગણે વણથંભ્યો ચાલુ જ રહે છે. આલગ વાળાને એને આંગણે રાતવાસો કરવાનું સૂચન થયું.
બરાબર તે સમે મુરુ મોઢવાડિયાનો સાત વર્ષનો દીકરો રામ ત્યાં જ ઊભો હતો. આલગ વાળાને તે પોતાના ઘેર તેડી ગયો. મુરુ કાલાં-કપાસનો સોદો કરવા બહારગામ ગયો હતો. માકીબાઈ ઘરે હતી. તેણે આલગ વાળાને મીઠો આવકાર આપ્યો અને ઓસરીમાં ખાટલો ઢાળી તેના પર ગાદલાં-ગોદડાં પાથરી આપ્યાં. આલગ વાળાએ ખાટલા પર બેઠક લીધી.
માકીબાઈએ આલગ વાળાના ઘોડાને જોગાણ મેલ્યું અને પછી ભેંસને દોહવા બેઠી.આલગ વાળાએ રામ સાથે બે’ક વાતો કરી એટલા વખતમાં માકીબાઈએ ભેંસને દોહી શેડકઢા દૂધમાં સાકર ભેળવી છલોછલ તાંસળી ભરીને આલગ વાળાને આપી.
એટલામાં ચોરે મળેલો સહુ મેર ડાયરો આલગ વાળા પાસે બેસવા આવી ગયો. એકાદ કલાકનો સત્સંગ ચાલ્યો તે દરમિયાન માકીબાઈએ રસોઈ કરીને આલગ વાળાને જમવા ઉઠાડ્યો. લાપસી, ખીચડી, દૂધ, દહીં, કારેલાનું શાક, માખણ ચોપડેલ બાજરાના રોટલા, કાચી કેરી અને ગાજરનાં અથાણાં વગેરે વિવિધ પ્રકારની અનેક વાનગીઓ પીરસાણી.
જમતાં-જમતાં આલગ વાળાને ચલાળાવાળી વાત યાદ આવી : તે દિવસે દાન મહારાજની ડેલીએ બારોટે મેરની મે’માનગત વખાણી તે પરમાણ છે. આલગ વાળો આવા આવા વિચારો કરતો જમે છે અને ‘લેજો હોં, આલગભાઈ ! જરાય શરમાતા નંઈ : બેનનું જ ઘર માનજો.’ એમ કહેતી માકીબાઈ જોઈતું લેવા માટે આલગ વાળાને આગ્રહ કરતી જાય છે.
ભાવતાં ભોજન જમીને આલગ વાળો ઊભો થયો. માકીબાઈએ એને વરિયાળીનો મુખવાસ આપ્યો. મુખવાસ મોઢામાં મૂકી આલગ વાળો ઓસરીમાં આવ્યો. સવારથી એણે એકધારી ઘોડેસવારી કરી હોવાને કારણે એના અંગેઅંગમાં ઘણો થાક હતો. વળી સવારે વહેલું નીકળવાનું હતું તેથી આલગ વાળાએ હવે સૂઈ જવા વિચાર્યું. પોતાની સાથે એણે ઘરેથી એક ખડિયો લીધો હતો. તેમાં અફીણ, જરદો અને સોપારી ઇત્યાદિ ચીજોની સાથે-સાથે વાટખરચી તરીકે ઉપયોગમાં લેવા માટે કોરીઓ ભરેલી એક કોથળી પણ કાઠિયાણીએ મૂકી હતી. એ ખડિયો ઘરમાં રાખી દેવા માટે માકીબાઈના હાથમાં આપતાં આલગ વાળાએ કહ્યું : ‘માકીબહેન , સવારે વહેલું નીકળવાનું છે. વહેલાં ઊઠો તો જરા ટૌકો કરજો.’
‘ચિંતા ન કરો, આલગભાઈ ! હું રોજ ચાર વાગ્યે જ ઊઠું છું.’
વહેલી સવારે માકીબાઈએ આલગ વાળાને ઉઠાડ્યો. આલગ વાળાએ ઊઠીને દાતણ-પાણી કરી લીધાં ત્યાં માકીબાઈ કઢિયેલ દૂધની તાંસળી દઈ ગઈ. દૂધ પી લીધા પછી આલગ વાળો નીકળવા ઊભો થયો. માકીબાઈએ ઘરમાંથી ખડિયો લઈ એના હાથમાં આપ્યો.
કાઠીનો દીકરો કોઈનું કરજ માથે ન રાખે. બહેનને પાંચ કોરી કાપડાની કરીને દેવા એણે ખડિયામાં હાથ નાખ્યો : આખેઆખો ખડિયો ચાળવ્યો, પરંતુ કોરીની કોથળી ન મળે ! વજ્ર સમી એની છાતીમાં લાંબુંસેતર ફડકું પડી ગયું : ગઈ કાલે કાઠિયાણીએ ખડિયામાં મૂકેલી કોરીની કોથળી ક્યાં ગઈ ? વાંકિયાથી શીશલી સુધીના કેડામાં ખડિયાને ક્યાંય રેઢો તો મૂક્યો નહોતો. તો પછી કોરીની કોથળી ક્યાં ગાયબ થઈ ગઈ ? જેના ઘરે રાતવાસો કર્યો, જેના રોટલા ખાઘા, એના માથે તો આળ કેમ મેલાય ? આલગ વાળાનો ચ્હેરો કાળો ઝેબાણ થઈ ગયો.
માકીબાઈએ આલગ વાળાના ચ્હેરા પર થયેલો ફેરફાર કળી લીધો. પૂછ્યું : ‘આલગભાઈ ! કાંઈ મૂંઝવણ થઈ ? કેમ ચિંતામાં પડી ગયા ?’
‘માકીબહેન ! હું ગઈ કાલેઘરેથી નીકળ્યો ત્યારે કાઠિયાણીએ આ ખડિયામાં સો કોરી ભરેલી એક કોથળી મૂકી હતી. કોથળી ક્યાં ગાયબ થઈ હોય એ તો રામ જાણે, પણ મેં ખડિયાને ક્યાંય રેઢો તો મૂક્યો જ નહોતો.’
‘અરર, આલગભાઈ ! એ તો પીટ્યું સાવ મગજમાંથી જ નીકળી ગયું !’
‘શું મગજમાંથી નીકળી ગયું, બેન ?’ કૌતુકવશ આલગ વાળો પૂછી ઊઠ્યો.
‘તમારા ખડિયામાંથી કોરીની કોથળી મેં જ લીધી છે !’
‘તમે લીધી છે ?’ આલગ વાળાનો શ્વાસ હેઠો બેઠો.
‘હા-હા, ભાઈ ! મેં જ લીધી છે.’ માકીબાઈએ માંડીને વાત કરી : ‘અમારા પાડોશીને ત્યાં આજે દીકરીનું આણું આવે છે. એને રાતે નાણાંનો ખપ પડતાં મને ઉઠાડી. મારી પાસે ખપપૂરતાં નાણાં હાજરમાં નહોતાં ને તમે ભરનીંદરમાં હતા. તમારો ખડિયો તપાસતાં એમાંથી સો કોરીની કોથળી નીકળી. તમને તો સવારમાં લાવી આપીશ, એમ વિચારીને તમારી કોરી એને આપી દીધી. ને આ કામકાજની દોડધામમાં એ તો પાછું મગજમાંથી જ નીકળી ગયું. થોડી વાર બેસો, આ પગલે જ લાવી આપું છું.’ એમ કહીને માકીબાઈ બાજુમાં રહેતા શેઠના ઘરે ગઈ. તેની પાસેથી સો કોરી ઉછીની લાવીને આલગ વાળાને આપી. આલગ વાળાને વિમાસણમાં નાખવા બદલ તેની માફી માગી.
‘અરે ! એમાં માફી માગવાની હોય, બેન ? તમે તો એક નેક કામ કર્યું છે.’ એમ કહીને આલગ વાળાએ દશ કોરી કાપડાની કરીને માકીબહેનને આપી અને પછી એની રજા લઈને રવાના થયો.
પણ આલગ વાળો હજુ શીશલીનો સીમાડો વટાવે એ પહેલાં ‘બાપુ ! ઓ બાપુ ! ઊભા રહો બાપુ !’ એવા પાછળથી આવતા સાદ એના કાને પડ્યા. આલગ વાળાએ ઘોડો થોભાવીને જોયું તો પોતાના દીકરા કાળુને મારતે ઘોડે આવતો દીઠો ! પેટમાં ભારેખમ ફડકું પડી ગયું : કાળુ કેમ મારતે ઘોડે પાછળ આવે છે ? શું કંઈ અજુગતું બન્યું હશે ?
આલગ વાળો આવા અમંગલ વિચારો કરે છે ત્યાં તો કાળુ એની લગોલગ આવી પહોંચ્યો.
‘દીકરા ! આમ એકાએક પાછળ કેમ આવવું પડ્યું ?’ આલગ વાળાએ સીધું જ પૂછી લીધું.
‘બાપુ ! તમે ઘરેથી નીકળ્યા ત્યારે અમારાં આઈ તમારા ખડિયામાં કોરીની કોથળી મૂકતાં ભૂલી ગયેલાં એટલે મને પાછળ મોકલ્યો !’ એમ કહીને કાળુએ પિતાની તરફ કોરીની કોથળી લંબાવી.
‘હેં ! ખડિયામાં કોથળી મૂકવાનું ભુલાઈ ગયેલું ?’ આલગ વાળાની આંખો ફાટી ગઈ.
‘હા બાપુ ! તમે ઘરેથી નીકળ્યા પછી મોડેમોડે અમારાં આઈને ઓસાણ આવ્યું કે તમારા ખડિયામાં કોરીની કોથળી મૂકવાનું ભુલાઈ ગયું છે. એટલે વાટખરચીમાં તમને મુશ્કેલી ન પડે એ માટે અમારાં આઈએ તાબડતોડ મને વાંસે દોડાવ્યો !’
ટપ ! ટપ ! ટપ !…….વજ્જર સમા આલગ વાળાની આંખેથી મોતીડાં ખરી પડ્યાં : ‘ત્યારે એ મેરાણી શું મારી આબરૂ રાખવા માટે ખોટું બોલી હશે ?’
‘શું વાત છે બાપુ ? કેમ આંખમાં આંસુ આવ્યાં ?’ કાળુએ નવાઈ પામીને પૂછ્યું.
આલગ વાળાએ બનેલી હકીકત કહી સંભળાવી. સાંભળીને કાળુ તો દંગ રહી ગયો. માકીબાઈના દર્શન કરવા એનું મન તલપાપડ થઈ ઊઠ્યું.
ઘોડાં પાછાં વાળીને બંને બાપ-દીકરો શીશલી ગામમાં આવ્યા. બજાર ચીરીને માકીબાઈના ઘરે પહોંચ્યા. જઈને જુએ છે તો જાણે કશું જ બન્યું ન હોય એમ માકીબાઈ ફળિયામાં બેઠીબેઠી ઠામ માંજે છે. બંને બાપ-દીકરાએ ધરાઈધરાઈને એ જોગમાયાનાં દર્શન કર્યાં અને પછી કાળુએ લાવેલી કોરીની કોથળીમાં બીજી પચીસ કોરી ઉમેરીને માકીબાઈ તરફ ધરતાં આલગ વાળાએ જાણે ‘અઠે દ્વારકા’ થઈ ગઈ હોય એવા અહોભાવ સાથે કહ્યું : ‘આજ સુધી હું તો એવું સમજતો હતો કે રોટલો તો કાઠીનો જ મોટો ! પણ ના-ના, માકીબેન ! મેરના રોટલા પાસે તો એ ચાનકું જ કે’વાય !’
No Comments