એક ત્રાજવડાં ત્રોફણહારી આવી રે
ત્રોફાવો રૂડાં ત્રાજવાં હો જી,
છૂંદાવો આછાં છૂંદણાં હો જી.
ભાઈ ! નીલુડા નીલુડા રંગ લાવી રે
ત્રોફાવો નીલાં ત્રાજવાં હો જી,
છૂંદાવો ઘાટાં છૂંદણાં હો જી.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ઉપરોક્ત ગીતમાં ત્રાજવાં ત્રોફાવવાની અથવા છૂંદણાં છૂંદાવવાની વાત એકદમ હલકભર્યા શબ્દોમાં કહી છે. આ ત્રાજવાં અથવા છૂંદણાં વિશે અત્યારની પેઢીના લોકો કશું જ જાણતા હોતા નથી. કારણ કે ત્રાજવાં ત્રોફાવવાની અને છૂંદણાં છૂંદાવવાની પ્રથા ઘણાં વર્ષોથી બંધ થઈ ગઈ છે.
 ખમીર, ખુમારી અને ખાનદાની જેવા સેંકડો ગુણો જેના લોહીની સાથે વણાયેલા છે એવી મેર પ્રજામાં પ્રાચીનકાળથી છૂંદણાં છૂંદાવવાની પ્રથા પરંપરામાં ચાલી આવી હતી. જે છેલ્લાં પાંત્રીસેક વર્ષો પહેલાંથી બંધ થઈ છે. છૂંદણાં છૂંદાવવાની ક્રિયાને મેર પ્રજા 'ત્રાજવાં ત્રોફાવવા'ની ક્રિયા તરીકે ઓળખાવતી.
 શિયાળાની ઋતુ આવે એ સાથે જ વણઝારી સ્ત્રીઓ એકલી અથવા પોતાના પતિ કે પુત્રની સાથે મેર પ્રજાનાં ગામડામાં આવતી અને 'એ બાયું-બીનું, ત્રાજવાં ત્રોફાવી લીજો !' એવા મીઠા લહેકામાં સાદ પાડતી પાડતી ગામની શેરીઓમાં ફરતી.
 મેરની દીકરી બાર-પંદર વરસની થાય એટલે એને હાથ-પગ ઉપરાંત ડોક, હોઠ, હડપચી વગેરે અંગોમાં ફરજિયાત છૂંદણાં છૂંદાવવાં પડતાં. મેરાણીની સાચી અને અમીટ ઓળખ ગણાતાં છૂંદણાંનું એ વખતે ખૂબ જ મહત્ત્વ હતું. એનું કારણ છૂંદણાં છૂંદાવવાની અસહ્ય પીડાને લીધે મેરની દીકરીઓમાં નાનપણથી જ સહનશીલતાનો અણમોલ ગુણ કેળવાતો. દીકરી પંદર વર્ષની થયા પછી પણ એણે છૂંદણાં છૂંદાવેલાં ન હોય તો એની બહેનપણીઓ સહિત બીજાં બધાં એની હાંસી ઉડાવતાં અને કહેતાં કે, 'તારામાં સહન કરવાની ત્રેવડ નેત !' આવી દીકરીઓના સગપણ માટે પણ મુસીબતો ઊભી થતી. કદાચ સગપણ થઈ જાય તો પણ એને આખી જિંદગી સાસુ અને નણંદ વગેરેનાં મહેણાં સાંભળવાં પડતાં. તેથી મેર પ્રજામાં જવલ્લે જ કોઈ દીકરીનાં અંગો છૂંદણાં વગરનાં જોવા મળતાં.
 ગામમાં વણઝારી આવતાં જ એનો મીઠો લહેકો સાંભળીને કેટલીક દીકરીઓ તેની પાસે પહોંચી જતી અને હરખથી હાથ ધરીને છૂંદણાં છૂંદાવવા માટે બેસી જતી. તો કેટલીક દીકરીઓ છૂંદણાં છૂંદાવવાની પીડા ન ભોગવવી પડે એ માટે ક્યાંક ખૂણે-ખાંચરે લપાઈ જતી !  આવી દીકરીઓને શોધીને બળજબરીથી છૂંદણાં છૂંદાવવા માટે બેસાડવામાં આવતી તો એ રડી-કકળીને આખું ગામ માથે લેતી !  ત્યારે એને સમજાવતાં  વણઝારી કહેતી કે, 'મૂઇ !  રૂંગા કાંવ ખેરસ ? આ ત્રાજવાં છે ને ઈ જ તારાં સાચુકલાં સગાં સે, નીં તું મરીહ તાર ઈ જ ભેરાં આઇવહે, ગાંડી !' કેટલીક દીકરીઓ આવી સમજાવટથી શાંત થઈને છૂંદણાં છૂંદાવવા બેસી જતી. એ વખતે વણઝારી એનું ધ્યાન ગીતમાં પરોવીને સોય ભોંકવાનું ચાલુ કરી દેતી. સોય ભોંકી-ભોંકીને છૂંદણાં છૂંદતી જાય અને ગીતડાં ગાતી જાય : 'રામ રે રામ ! તરસી બયાનાં મારાં ત્રાજવાં રે ! રામ રે રામ ! કાકો ને બાપ બેય સગા બાંધવ્યા રે.'
 છૂંદણાં છૂંદાવવાની વેદનાને સહન કરવુ એ કાચાપોચાનું કામ નહોતું. એવા લોકો તો છૂંદણાં છૂંદાવતી છોકરીને જોઇને જ ફફડી ઊઠતા.
 શરીરના કોઈ પણ અંગમાં છૂંદણાં છૂંદાઈ ગયા પછી એ અમીટ બની જતાં. એટલે કે એ જિંદગીભર ટકી રહેતાં. છૂંદણાં છૂંદાવતી વખતે સોય વડે અંગોનું આકરું છેદન કરવામાં આવતું. જેને કારણે દેહ સાથે એનો નાતો કાયમી (permanent) બની જતો. ડોક્ટરના નાનકડા ઇન્જેક્શનથી 'વોય મા !' એવી ચીસ પાડી ઉઠતી આજની છોકરીઓ માટે છૂંદણાં છૂંદાવવાની પીડા સહન કરવી મુશ્કેલ જ નહીં, બલ્કે અશક્ય છે. 
 છૂંદણાં છૂંદતા પહેલાં વણઝારી લાકડાની ઝીણી સળી બયામાં બોળીને એના વડે વિવિધ પ્રકારની આકૃતિઓ ચિતરતી.  છૂંદણાંના રંગને 'બયો' કહેવામાં આવતો. છૂંદણાં માટેની આકૃતિઓ ચિતરાઈ ગયા પછી એને સોય વડે ત્રોફવામાં આવતી. જે દીકરીનો વાન વધારે ગોરો હોય, એનાં છૂંદણાં વધારે ઉઘડતાં અને સ્ત્રીવૃંદમાં એનાં ખૂબ વખાણ થતાં.
 છૂંદણાં છૂંદાવ્યા બાદ ત્રણ-ચાર દિવસ સુધી એની ખૂબ જ પીડા રહેતી. પછી ધીમે ધીમે ઓછી પડતી જતી. છૂંદણાં વધુ ઊઘડે એ માટે ઘોલીના રસ અને હળદરવાળા તેલનું માલિશ કરવામાં આવતું. પંદરેક દિવસમાં છૂંદણાં પર ખરેટા વળીને ઊખડી જતા અને છૂંદણાંની વિવિધ પ્રકારની આકૃતિઓથી અંગો એકદમ અરઘી ઊઠતાં.
 એ સમયે એક પાલી અનાજના બદલામાં વણઝારી છૂંદણાં છૂંદી આપતી. વિદ્યુતની શોધ થયા પછી છૂંદણાં છૂંદાવવા માટેનાં મશીનો આવ્યાં હતાં અને એનાથી છૂંદણાં છૂંદાવવા માટે અનાજને બદલે પૈસા લેવામાં આવતા.
 કિશોરાવસ્થાથી જ સહનશીલતાનો ગુણ કેળવનાર છૂંદણાંનું એક ખાસ ગણિત પણ હતું. કહેવાય છે કે બ્રહ્માંડમાં છવાયેલી તમામ વસ્તુઓ એમાં આવી જતી અને એક્યુપંચરની પુરાણી પદ્ધતિ સિદ્ધ થતી.
 છૂંદણાંની એક ખાસ પ્રકારની સાંકેતિક લિપિ (symbolical script) હોય છે અને એ લિપિમાં તેનું નિદર્શન (viewing) કરવામાં આવતું. અક્ષરજ્ઞાન ન ધરાવતા લોકો પણ એ સાંકેતિક લિપિ (symbolical script) સમજી શકતા.
 એ વખતે છૂંદણાં એ મેરની દીકરીઓ માટે અણમોલ ઘરેણાં ગણાતાં. મેરની દીકરીઓ ત્યારે જે છૂંદણાં છૂંદાવતી એની વાત કરીએ તો એમાં વિવિધ પ્રકારની આકૃતિઓ જોવા મળતી. હાથમાં ખાસ કરીને પાણિયારી, મોરલા, ફૂલડાં, ઘોડિયાં, શ્રવણ-કાવડ, ભીમ-પછેડી, રામ-પગલાં, આંબો, કેવડો, સાવજ, મોરલિયો, ડેર, વીંછુડો, કૂવો, સાંઢણી, લૂગડું, ડાકલું વગેરે જેવા મળતાં. ડોકમાં માણસાં, ફૂલવેલ, મોરલા, હાંસડી, સાથિયો, બાજોઠ, મધમાખી, ચારકણ, પાંચકણ વગેરે આકૃતિઓ છૂંદાવવાની પ્રથા હતી. નીચેના હોઠ અને હડપચી પર એકકણ ત્રોફાવાતો.
 દીકરાઓમાં છૂંદણાં છૂંદાવવાનું ચલણ બહુ ઓછું હતું. કોઈ કોઈ છૂંદણાંનો શોખ ધરાવનાર હાથનાં કાંડા પર લાડુળો અને સાંકળી આ બે જ આકૃતિઓ છૂંદાવતા અને વધારેમાં રામ અથવા હનુમાનનું નામ હોય. મેં મારા ડાબા હાથના કાંડા પર લાડુળો અને જમણા હાથના કાંડા પર લાડુળો અને સાંકળી ત્રોફાવેલ છે.
 છૂંદણાંની કળા એ એક અનુપમ કળા છે. જેની એકરૂપતા, અંકન અને સુંદરતા જોનારની આંખમાં કાયમને માટે અમીટ છાપ છોડી જાય છે. અગાઉના સમયમાં પોતાના દીકરા માટે કન્યા જોવા જતી વખતે સ્ત્રીઓ કન્યાના મુખ કરતાં એનાં અંગો પર આલેખાયેલ છૂંદણાં સામે પહેલાં જોતી અને છૂંદણાંની સુંદરતા જોઈને એની મૂલવણી કરતી.
 આજે સમય બદલાયો છે અને છૂંદણાં છૂંદાવતાં થતી વેદના સહન કરવાનું આજે કોઈનું ગજું નથી. તેથી હવે એ પ્રથા ભૂતકાળનું સંભારણું કે અતીતની યાદગીરી (remembrance of past) બનીને રહી ગઈ છે. આજે જ્યારે એ સમયની સ્ત્રીઓને જોઈએ છીએ ત્યારે પહેલી નજર એમનાં છૂંદણાં ઉપર જ જાય છે અને છૂંદણાં છૂંદાવતી દીકરીઓનું દશ્ય આંખ સામે તરવરી ઊઠે છે.
 આજની પેઢીએ છૂંદણાં છૂંદાવવાની પ્રથાથી છેડો ફાડી નાખ્યો છે. છૂંદણાં છૂંદાવવાની વેદના સહન કરી શકવાની તાકાત ન હોવાને કારણે આજે કેટલાક છૂંદણાંના શોખીનો કૃત્રિમ પ્રકારનાં અને ભૂંસી શકાય એવા 'ટેટૂ' (tattoo) આલેખાવે છે. ટેટૂ એ છૂંદણાંની નબળી નકલ (copy) છે.

-ભરત બાપોદરા, ભારતીબહેન ઓડેદરા 
Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *