સંયુકતાના ચહેરા પર ખુશી આજે ઉભરાઈ રહી હતી. એની જીવનની અનમોલમાની એક નહિ પણ એકમાત્ર અનમોલ પલ આજે હતી. સંયુકતા આજે પ્યોર ભાગલપુરી સાડી,ને ઉડીને આંખે વળગે એટલી સાદગીભરી માત્ર નામની જ્વેલરી પહેરી પોતાની ઉંમરને સિફતથી છુપાવી શકતી હતી.
સંયુકતાના નેત્રપટલ પર ચાલીસ વરસના લેખા જોખા છવાઈ ગયા. અખિલભાઈ કે. ત્રિવેદીના બે સંતાનોમાં સંયુકતા નાની. ભાઈ મન દસ વર્ષ મોટો. અખિલભાઈને સંયુકતા બહુ બાધાઓ બાદ મળેલી. દીકરીને રમાડવાના અભરખા તેમને માનસરોવર સુધી લઈ ગયા. જો દીકરી આવે તો દર વર્ષે શિવબાબાના દર્શને તેને લઈને આવશે એવી મનોમન પ્રાર્થના પણ કરી નાખી. ને સંયુકતાના જન્મ બાદ તેઓ દીકરીને બહુ લાડકોડથી ઉછેરવા લાગ્યા, સંયુકતા પણ માની નહિ પિતાની જ દીકરી થઈ ને રહી કાયમી. આટલા લાડકોડ છતાં પણ પૂર્વજન્મની મહેર કે પછી બીજુ કોઈ કારણ હોય પણ સંયુકતાની સાદગી જોઈ બધાને ઈર્ષા આવતી.
સંયુકતા યુવાનીના ઉંબરે આવીને ઉભી ત્યારે એક પિતા તરીકે અખિલભાઈને કશી ચિંતા ન હતી. પણ મમ્મી ને હવે અનેક ચિંતાઓ સતાવતી હતી. સંયુકતા અનોખી માટીમાંથી ઘડાઈ હતી. તેનું વર્તન હવે સમાજમાં વાતોનો વિષય બન્યું હતું. ભણવામાં બહુ હોશિયાર હોવા છતાં તેણે પ્રોફેસર ની જોબને ઠુકરાવી હતી. કારણ પણ અજીબ હતું.
દરવર્ષે તે પિતાની સાથે જે માનસરોવરની યાત્રાએ જતી ત્યારે તે રસ્તામાં જ રોકાઈ જતી. પિતા પણ તેને ઈચ્છા હોવા છતાં છેક સુધી જવા મજબુર ન કરતા. સંયુકતાની આંખોની દયનીયતા સામે એક પિતા હારી જતો. નાની વયમા પણ કેટલું વિશાળ વિચારી શકતી હતી સંયુકતા. માનસરોવર પ્રવાસીઓ ને લઈ જતા મજૂરોના છોકરાને તે તેના કબીલામાં રહી ખુશીની પલો આપતી, તેમને શિક્ષણ આપતી.પ્રથમ વખત તો અખિલભાઈને પણ અજીબ લાગ્યું કે યુવાન દીકરીને આમ થોડી એકલી મુકાય ને સાથે આવવા સંયુકતા રાજી નહતી. તેઓ પણ તેની સાથે ત્યાં રહેવાનું વિચારી સંયુકતાના વિચારને પોષણ આપવાનું મનોબળ કેળવી શક્યા.
પંદરેક દિવસમાં તો ઝુંપડાંમા છલકતી અમીરી જોઈને અખિલભાઈ દંગ રહી ગયા. તેઓ નિશ્ચિન્ત બની યાત્રા પર નીકળી ગયા. પછી તો આ ક્રમ દર વર્ષે જળવાતો રહ્યો. સંયુકતા એ બાળકોમાં ખોવાવા લાગી.
હવે સમાજ પોતાના ઓઝારો સજાવીને ખડો થયો. કોઈ વખાણ કરીને તો કોઈ નિંદા કરીને ને કોઈ તો વળી તેના માતા પિતા ની દયા ખાઈને સીધી કે આડકતરી રીતે સંયુકતાના આ કામને પ્રખ્યાત બનાવવા લાગ્યા. દરેક વખતે સંયુકતાની ઢાલ બનીને એક જ સહારો અડીખમ ઉભો રહેતો ને તે હતા તેના પિતા.
લગ્નની વાત આવી ત્યારે સંયુકતા પિતા સામે નિઃશબ્દ જોઈ રહી માત્ર. ને એ પિતા ફરી પોતાની ઢાલ સજાવીને ઉભા રહયા. લગ્ન નહિ કરવાના નિર્ણયને માતા પચાવી ન શકે તે સ્વાભાવિક હતું. તેમને સમજાવવાનું બીડું પણ અખિલભાઈએ જ ઝડપ્યું. દરિયો વહે ને નદી બંધાય એવું તે બને? થોડી જ જહેમત બાદ માતા પણ દીકરીના કામને બિરદાવવા લાગ્યા.
સંયુકતા હવે નિશ્ચિત બની ગઈ હતી. પોતાનું સર્વસ્વ માનતા બાળકો સાથે તે બાળક બની જતી. અંતે તાપ પણ કેટલું જોર કરે, વરસાદી અમૃત પાસે તેને પણ નમવું જ પડે છે. જે સમાજ એક વખત નિંદા કરતો થાકતો ન હતો તે હવે સંયુકતાને બિરદાવવા લાગ્યો. પિતાની છત્રછાયામાં સંયુકતા પોતાના સપના સાકાર કરવા લાગી. અબુદ્ધ ને ભોળા બાળકોને ભણાવવા દિવસ રાત એક કરવા લાગી. હવે તો તેને એટલે દૂર જવાની પણ જરૂર ન હતી, આ ‘એન્જલ’ સાથે ખુશી ખુશી એ લોકો પોતાના બાળકોને મોકલતા. સંયુકતાનું કામ હવે વેગવંતું બની ગયું. જે એક સઁસ્થા મા પરિણમ્યુ.
ને વીસ વર્ષની જહેમત બાદ આજે સંયુકતાનો સન્માન સમારોહ યોજાયો હતો. સાદગીનો પર્યાય સમી સંયુકતા ખરેખર એ બાળકો માટે તો દેવદૂત જ હતી. સમારોહ મા શહેરભરના અગ્રણીઓ ઉપસ્થિત હતા. જે લોકો તેના કામને વખોડતા થાકતા ન હતા તે આજે સંયુકતાની નજીક આવવા ને તેની નજરે ચડવા બેબાકળા બન્યા હતા. સંયુકતાને મળેલી ધનરાશિ તેણે સંસ્થા ને દાનમાં આપી દીધી ને પારિતોષિક પોતાને નહિ પણ તેને અહીં સુધી પહોંચાડનાર “મુક સાથીદાર”એવા તેના પિતાને મળવો જોઈએ એવો આગ્રહ રાખ્યો. આજે અહીં કોઈ એવું ન હતું જેની આંખમા આંસુ ન હતા. ને બધાને મનોમન એવી ઇચ્છા થઈ આવી કે આવી દીકરી ઇશ્વર બધાને આપે, ને દરેક સ્ત્રી પોતાના પિતાને યાદ કરીને મનોમન નમન કરતી હતી…
– હિના એમ. દાસા (જૂનાગઢ)
No Comments