- by ગાંગાભાઇ સરમા…
આમ તો ગોવા મારી ‘કલ્પના’નું ડ્રીમ ડેસ્ટીનેશન છે પરંતુ મિત્રો પાસેથી હિમાલયની વાતોથી ભ્રમિત થઇ ગયેલું મન ઘણા સમયથી લદાખ જવા સળવળતું હતું. ઘરનો કબાટ ફેંદી ભારત દર્શન ચોપડી કાઢી લદાખના નકશાને મનઃસ્થ કર્યો. પોરબંદરથી દિલ્હી થઇ વાયા મનાલી થી લેહ.. આ થયો યાત્રાનો રૂટ. આમ તો આટલી લાંબી યાત્રા ટ્રેન વગર સંભવે નહિ. કામ વગરની એક સાંજે લેપટોપ લઇ બેસી ગયો. પોરબંદરથી દિલ્હીની રેલ અઠવાડિયામાં બે વખત ઉપડે છે. એમાં ૨૦મી ઓગસ્ટના મુઝફ્ફરપુર એક્સપ્રેસમાં ૩AC નું કન્ફર્મ બુકિંગ મળતું હતું તો આઈઆરટીસીની વેબ સાઈટ ઉપર જઈ ટીકીટ કન્ફર્મ કરી લીધી. ટ્રેન બુકિંગ તો પતી ગયું પણ હવે જ સાચી ભાંગજડ હતી. હવે પછીની યાત્રા દિલ્હીથી મનાલી થઇ લેહ તરફ પ્રયાણ કરવાની હતી. દિલ્હીથી પછી આ રૂટમાં આગળ જવા રેલ સુવિધા નથી. એટલે દિલ્હીથી હિમાચલ ટુરીઝમની બસમાં મનાલી અને ત્યાં બે દિવસ રોકાઈ પછી બાઈક દ્વારા લેહ લદાખ જવાનું નિયત કર્યું. મનાલીથી લેહ જવા માટે સેલ્ફ ડ્રાઈવ કાર કે બાઈક બંને ભાડેથી પણ મળી રહે છે, પરંતુ મારી જેમ મોટાભાગના ઘુમક્કડો માટે આવા પ્રવાસોમાં બાઈક હમેંશા પ્રથમ પસંદગીનું ઓપ્શન હોય છે.
કોરોનાને લઇ યાત્રા પ્રવાસ માટે આ અનુકુળ સમય નહોતો પણ મને મારો આત્મા લદાખ ભણી દોટ મુકવા ઉશ્કેરી રહ્યો હતો. જેમ જેમ ૨૦ તારીખ નજીક આવતી જતી એમ એમ ઉત્સાહવશ મારા ધબકારા તેજ થઇ રહ્યા હતા. બેગ બિસ્તરા બાંધવાનું ટેન્શન હવે વધવા લાગ્યું હતું. શું શું લઇ જવાનું એની એક યાદી તૈયાર કરી એ પ્રમાણે વસ્તુ ભરવાની શરૂઆત કરી દીધી. દુરના પ્રદેશ અને એમાય લદાખ જેવા પ્રદેશોમાં જવાનું હોય ત્યારે સવિશેષ તૈયારીઓ કરવી પડે. હિમાલય જેવા ઠંડા પર્વતીય પ્રદેશમાં યાત્રા વેળાએ જરૂરી એવા ગરમ સ્વેટર, હાથ પગનાં ગરમ મોજા, ઓઢવા પાથરવા માટેની ચાદર અને એક સ્લીપિંગ બેગ પણ સાથે લઇ લીધી. મનાલીથી લેહ જતો લાંબો રસ્તો સામાન્ય રીતે નિર્જન અને સુમસામ હોય છે. વાતાવરણ એટલું નાટકીય ઢબે બદલાતું હોય કે તમારે ક્યાં યાત્રા સ્થગિત કરવી પડે તેનું કઇ નક્કી નહિ. અને એ દરમિયાન આસપાસમાં ક્યાંય હોટેલ ના મળે તો નિર્જન જગ્યાએ રોડ ઉપર કોઈ આડશ શોધી સુઈ જવાની તૈયારી પણ રાખવી પડે. લેહ લદાખની યાત્રા દરમિયાન આમ તો ટેન્ટ પણ સાથે રાખવો જોઈએ, પણ મારા જેવા આળસુ માટે ટેન્ટ લગાવવાનું કામ અઘરું.. એના કરતા હિમ દીપડા અને જંગલી ભાલુઓના ભય વચ્ચે સ્લીપિંગ બેગમાં સુઈ જવું સારું. અવાવરું ક્યાંક ભૂખ લાગે ને ખાવાનું ના મળે તો પેટને સાંત્વના આપી શકાય એ પૂરતા નમકીન અને કાજુ કિશમિશ પણ સાથે લઇ લીધા. આમ તો દવાનો હું કાયર છું પણ એક જુના પર્વતારોહી મિત્રની સલાહને અવગણી ના શક્યો એટલે મેડીકલ સ્ટોર જઈ ડોવીક્સની ૧૦ ગોળીનું એક પેકેટ પણ લઇ આવ્યો. આપણ ને બસમાં ફેર ચડે ત્યારે ડોક્ટર લખી આપે એ જ આ ગોળી છે જે ઊંચાઈ ઉપરની યાત્રા દરમિયાન ખુબ કામ આપે છે. લદાખનો મોટા ભાગનો વિસ્તાર સમુદ્રતળથી સરેરાશ ૩૫૦૦ મી ઉંચો છે. આટલી ઊંચાઈ પર મોટા ભાગના લોકોને હાઈ એલટીટ્યુડ સીક્નેશ એટલે કે ઊચ્ચ પર્વતીય બીમારીનો અનુભવ થાય છે, જેમાં દર્દીને સરદર્દ, ઉલટી, ઊંઘ ના આવવી, મન ના લાગવું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેમાં આ દવા ઉપયોગી થાય છે. જો કે ઘણા લોકોને શરીરને ઊંચાઈ પર એક બે દિવસ પુરતું એકલમેટાઈઝ કરવાથી પણ રાહત થઇ જવા પામતી હોય છે.
જવા માટેની મોટા ભાગની તૈયારીઓ પૂર્ણ થઇ અને એ એક દિવસ આવી ગયો જે દિવસની ઝંખના ઘણા દિવસથી કરી રહ્યો હતો. પોરબંદરના સ્ટેશન પરથી પ્રયાણ કરતી વખતે હૃદય એક અનોખા ઉન્માદ અને ઉત્સાહથી ભરાઈ ગયું. સામેના બર્થમાં નાનાં બાળકો શોર મચાવતા હતાં અને જાણે આખો ડબ્બો માથે લીધો હતો. એમની શોરબકોરથી મોટાભાગના યાત્રીઓ સુઈ નહોતા શકતા પણ બાળકોના મમ્મી પપ્પા આરામથી નસકોરાં બોલાવતા હતા. આખરે થાકીને વાનરસેના એકબીજાને માથે ગોઠવી દીધા હોય એમ સુઈ ગયા પછી જ બધાને નિરાંતે સુવાનો મોકો મળ્યો. આખી રાત ટ્રેન ચાલતી રહી. સવારે ચાય ચાય એવો શોરબકોર સંભળાયો ત્યારે અમદાવાદ આવી ગયાનો ખયાલ આવ્યો. ટ્રેન જાજો સમય રોકાઈ નહી. અમદાવાદથી આગળ વધી રાજસ્થાનની મરુભૂમિ અને ઉતરપ્રદેશના થોડા ભૂભાગને વટાવી આખરે ટ્રેન દિલ્હી પહોચી આવી. રાતના ૧૦ વાગવા આવ્યા હતા. સ્ટેશનની બહાર નીકળી કાશ્મીરી ગેટ જવા માટે ટેક્સી શોધવા કવાયત હાથ ધરી. પરંતુ આટલું મોડું થઇ ગયું હોવાથી હવે શેયર ટેક્સી નહિ મળે એવું એક દુકાનદારે જણાવતા આખરે સ્પેશીયલ ટેક્સી કરી કાશ્મીરી ગેટ જવા નીકળ્યો. હિમાચલ જવાની મોટા ભાગની બસો કાશ્મીરી ગેટથી જ મળે છે. મનાલી જવા હિમાચલ ટુરીઝમની વોલ્વો બસો સવારે અને રાત્રે અહીંથી ઉપડે છે. હું પહોચ્યો તો બસનું એન્જીન ચાલુ હતું અને ક્લીનર મારા નામની જ બૂમો પાડી છેલ્લા મુસાફરની પ્રતીક્ષા કરી રહ્યો હતો. ઓલરેડી મેં ટ્રેનમાં બેઠા બેઠા જ આ બસમાં મનાલી જવાનું બુકિંગ કરાવી રાખ્યું હતું. હું મારો સામાન નીચે ડીકીમાં ગોઠવી ઝડપ ઝડપથી મારી સીટ ઉપર બેસી ગયો. મોડું કરાવી દીધું એવા ભાવ ચહેરા ઉપર લઇ કંડકટર મારી પાસેથી ટીકીટ ઉઘરાવી ગયો. દિલ્હીના ટ્રાફિકમાં બસ ધીમે ધીમે ચાલી રહી હતી. બ્લુ પ્રકાશ મંદ મંદ રેલાય રહ્યો હતો. પ્રવાસીઓ મોટા ભાગે કપલમાં અને હનીમુન ટુરમાં જતા હોય તેવું લાગ્યું. દિલ્હી પસાર થઇ ગયું હતું અને હવે બસ પણ ગતિ પકડી ચુકી હતી. સ્પીડ વધતા મોટા ભાગના પેસેન્જરો સીટમાં માથું ઢાળી નિંદ્રાદેવીના શરણે થઇ ગયા. આ બધાનો ચેપ મને પણ લાગ્યો અને માથું સીટની ઉપર ઢાળી ઉતુંગ શિખરોના અધિષ્ઠાતા ગિરિવર હિમાલયના સ્વપ્નોમાં સરી પડ્યો.
મનાલી ઉતરી ખભે થેલો લગાડી કોઈ સારા ગેસ્ટહાઉસની શોધમાં નીકળી પડ્યો. આ સિઝનમાં બરફવર્ષા ના થતી હોવા છતાયે મનાલીમાં વાતાવરણ અપેક્ષાકૃત વધારે ઠંડુ હતું. હાથ પગની આંગળીઓ ઠીંગરવા માંડી હતી, પરંતુ અસહ્ય કહેવાય એવી ઠંડી તો નહોતી જ. સામાન્ય રીતે આવા પ્રવાસધામોમાં વ્યાવસાયિકતા ચરમ પર હોય છે અને આવાસ અને ખાણીપીણીમાં ઉઘાડી લુંટ ચાલતી હોય છે. એટલે સારા અને વ્યાજબી ભાવના ગેસ્ટહાઉસ માટે થોડી વધારે જફા કરવી પડતી હોય છે. મનાલીની સાંકડી ગલીમાં સામેથી આવતા વાહનની હડફેટે ના ચડી જવાય એ માટે ફૂટપાથ પર ચડતાં સામે રેલિંગને અઢેલી ઉભેલા બે યુવાનોને પૂછી લેવાનું મન થયું……
“ ભૈયા, ઇધર કહી અચ્છા ઔર ઈકોનોમી ગેસ્ટ હાઉસ મિલ જાયેંગા ક્યા?”
“ અરે, ક્યું નહી ભૈયા, આપ આગે ગલીમે જાયેંગે તો એક દો અચ્છે ગેસ્ટ હાઉસ હૈ ઔર કિફાયતી ભી.. છોટુ, તું ઇનકો જરા બતાકે આ….” થોડા જાડા અને મોટા લાગતા વ્યક્તિએ ઉમરમાં એનાથી સહેજ નાની વ્યક્તિને મારી સાથે મોકલ્યો. એક વળાંક વટાવી સામે દેખાતી ગલીમાં દુરથી જ ગેસ્ટ હાઉસ બતાડી ભાવ માટે થોડુંક બાર્ગેનિંગ કરજો, અજાણ્યા છો તો સાવ એ કહે એમ કિંમત ચૂકવી ના દેતા એવી હિદાયત આપી તે પાછો ફરી ગયો. એની આ વાત પરથી હોટેલનો એજન્ટ હશે એવો મારો ભ્રમ નિરસન થઇ ગયો. સામાન્ય રીતે યાત્રાધામોમાં હોટેલોના એજન્ટો રસ્તામાં આવી રીતે તમને મળી જ જાય. પણ જે રીતની હોટેલ હતી અને એનો જે રેટ હતો એ મુજબ તેઓએ મને સાચું જ માર્ગદર્શન આપ્યું હતું અને ત્યાં મુકવા આવવાની સેવા પણ કરી હતી એમ કહું તો ખોટું નથી.
બીજા દિવસે સવારે મનાલી દર્શન માટે નીકળ્યો. પોરબંદરવાસીઓને તમે સારું ખાવાનું ના આપો તો ચાલે પણ જો સારી ચા ના મળે તો એ અર્ધપાગલ જેવી અવસ્થામાં આવી જાય. મનાલી દર્શન પહેલા એક મસ્ત સારી ચાયની શોધમાં આગળ ચાલતો ચાલતો ટી-પોસ્ટ ઉપર જઈ ચડ્યો. આ ચેનલ શોપનો એક ફાયદો એ કે લગભગ દરેક જગ્યાએ બહુ સારી નહિ તો પણ સારી કહેવાય એવી ને એકસરખી ચા મળે. એટલે જ હું પોરબંદર બહાર જો ક્યાંય ચા પીવી હોય અને ઉપલબ્ધ હોય તો ટી-પોસ્ટને જ પસંદ કરું. ચા પીતાં પીતાં મારી નજર સામે દુર ગઈ તો પાટલી ઉપર કાલે મળેલા તે બંને વ્યક્તિઓ ચા સાથે સમોસાની મોજ માણી રહ્યા હતા. મારા ઉપર નજર પડતાંની સાથે જ તેણે હાથના અંગુઠાથી થમ્સ અપની નિશાની બતાવી પૂછ્યું, “ઓલ રાઈટ?”
મેં પણ હાથ હલાવી “યસ” કહ્યું. ચા પાણી પતાવી મેં થોડે દુર ચાલતા ચાલતા જઈ મનાલી દર્શન માટેની રોજીંદી ચાલતી બસ પકડી. મનાલીના દર્શનીય સ્થાનો જોતા જોતા સાંજ પડી ગઈ. વચ્ચે એક જગ્યાએ જમવાનો બ્રેક હતો પણ આવી જગ્યાએ બસોવાળા અને હોટેલવાળાઓનું ટાઈ-અપ હોય છે. નીરસ જમવાના ખોબો ભરીને પૈસા ઉસેળી લીધા. જાણે ખીસ્સો કાપી લીધો હોય તેવો ભાવ થયો. એટલું ખરાબ ભોજન હતું કે સાંજે પણ જમવા ઉપરથી રસ ઉઠી ગયો. એટલે ખાલી પાણી પી ને સુઈ ગયો…….
બીજે દિવસે સવારે વહેલા ઉઠી લેહ જવા માટે ભાડાની બાઈક લીધી. થોડાક વધારે પૈસા ચૂકવીએ તો અહીં આરામથી તમને સારી બાઈક મળી રહે. એન્જીન સ્ટાર્ટ કરી હું ફરી એક વખત મારી ‘કલ્પના’ની દુનિયામાં સફર કરવા સજ્જ થયો. મનાલીથી ઉતરી બહાર નીકળતા જ લેહ તરફ જતા રસ્તાની ચઢાઈ શરુ થઇ જાય છે. રસ્તો જોઈએ એવો સારો નહોતો પણ કુદરતી વાતાવરણ એટલું સરસ હતું કે ખરાબ રસ્તાનું દુખ વિસરાય ગયું. દુર દુર હસીન વાદીઓ, કલ કલ વહેતા ઝરણાં, ઉતુંગ શિખરો મનને મોહી લેવા પૂરતા હતા. જેમ જેમ રોહતાંગ તરફ આગળ વધતો ગયો તેમ તેમ બરફથી આચ્છાદિત શિખરો ઉપર સૂર્યકિરણોના પડવાથી ડુંગરો જાણે સોને મઢેલા હોય તેવા ભાસવા લાગ્યા. રસ્તો એટલી તીવ્ર ચઢાઈ અને ઉતરાઈવાળો હતો કે માત્ર ૫૦ કિમી દુર હોવા છતાયે અને મનાલીથી નીકળ્યે બે કલાક થઇ હોવા છતાયે રોહતાંગ હજી આવ્યું નહોતું. એક બાજુ પર્વતની ધાર અને બીજી બાજુ નજર પણ ના પડે એટલી ઊંડી ખાઈઓ, જો સહેજ પણ ચુક્યા તો હાડકું ય હાથમાં ના આવે. લદાખ પહોચવાની ઉત્કંઠામાં લીવર ખેંચી લઇ ગાડી બને એટલી ગતિમાં દોડાવી રહ્યો હતો ત્યાં રોહતાંગથી ૧૦ કિલોમીટર પહેલાં એક નાનકડી પોલીસ બેરીકેડ આવી. લદાખ જવા માટે પરમીટ કઢાવવી પડે છે અને એ મેં યાત્રાની તૈયારીના ભાગરૂપે અગાઉથી જ કઢાવી રાખેલી એટલે સાવ નચિંત હતો. નાનકડી બેરીકેડ પાસે ગાડી ઉભી રખાવી યાત્રીઓને રોકી રહેલા પોલીસને જોઈ મારી નવાઈનો પાર ના રહ્યો. આ બંને એ જ પોલીસમેન હતા જેણે ગઈકાલે હોટેલ શોધવામાં મારી મદદ કરી હતી….
“ ગૂડ મોર્નિંગ જેન્ટલમેન, કૈસે હો?” તેણે મને પૂછ્યું.
“ ફાઈન, પર આપ તો કલ મુઝે મનાલી મેં મિલે થે ના, મુઝે હેલ્પ કિયા થા?” મેં કહ્યું.
“ હા, સર. હમ હિમાચલ પુલીસ મેં હૈ, કલ હમારી છુટ્ટી થી, આજ હમારી ડ્યુટી હૈ. કલ હમને આપકો હોટેલ ઢુંઢને મેં હેલ્પ કિયા, આજ હમ આપકી તલાશી લેંગે. યે હમારી ડયુટી હૈ સર….” પેલા મોટા લાગતા પોલીસમેને મને કહ્યું.
મને એમની ફરજનિષ્ઠા પરત્વે માન ઉપજ્યું. ગળે લટકાડેલ હેન્ડી પર્સમાં પરમીટ અને એવો જરૂરી બધો સામાન રાખ્યો હતો. પરમીટ કાઢીને એક પોલીસમેને તેને તપાસી. બીજાએ મારી બેગને થોડે દુર ઉભેલી તેની બાઈક ઉપર ટેકવી તેની તલાશી પૂર્ણ કરી. એક હળવા હાસ્ય સાથે મારી બેગ અને પરમીટ મને પરત કરી “ આપની યાત્રા શુભ રહે” ની શુભેચ્છા પાઠવતા જ “થેંક યુ” ના પ્રત્યુતર સાથે બેગને બાઈક ઉપર ગોઠવી ગળે પર્સ લટકાવી આગળની યાત્રા મેં શરુ કરી. રોહતાંગ હજી ૫ કિમી દુર હતું ત્યાં બીજી એક પોલીસ પોસ્ટે મારા મગજમાં કૌતુક સર્જ્યું. પણ માત્ર પરમીટ ચેક કરી જવા દેવાતા મેં જાજી માથાકૂટ ના કરી.
વિષમ પરિસ્થિતિ, કાતિલ ઠંડી, તીવ્ર ચઢાઈ-ઉતરાઈ, અતિશય ખરાબ રસ્તાઓ, ઓક્સિજનની કમી આ બધા કારણોને લીધે આ પ્રદેશમાં ભલભલા યાત્રીઓની કસોટી થઇ જતી હોય છે પણ સંઘર્ષ કરવાની જન્મજાત ક્ષમતાને લીધે હું આવી વિષમ પરિસ્થિતિઓમાં પણ અસાધારણ કૌવત દાખવી લેતો હોઉં છું. રોહતાંગ પસાર કર્યા પછી તીવ્ર ઉતરાઈ આવે છે. ઉતરાઈ વખતે ઉલટાનું વધારે ધ્યાન રાખવું પડે છે. બાઈકની ક્લચ પ્લેટ ઉપર બહુ માર પડે. ત્યાર પછી બારાલાચા-લા ની ચઢાઈ શરુ થાય. આ દર્રો આ માર્ગનો સૌથી ઉંચો દર્રો છે જે સમુદ્ર સપાટીથી ૫૦૦૦ મીટર ઊંચાઈ પર છે. આટલી ઊંચાઈએ પહોચ્યા પછી મને પણ ઉચ્ચ પર્વતીય બીમારીના લક્ષણોનો અનુભવ થવા લાગ્યો, માથું ભારે ભારે થવા લાગ્યું અને ઉલટી જેવું થવા લાગ્યું. ક્યાંય મન નહોતું લાગતું ને એમ થવા લાગ્યું કે ગાડીને અહીં રોકી દઈ રસ્તાની સાઈડમાં સુઈ જાઉં. પણ એમ કરવાથી સમસ્યાનો ઉકેલ નહોતો આવે એમ. એનો એક માત્ર ઉપાય જેટલું બને તેટલું વહેલાસર નીચે ઉતરી જવું એ જ હતો. જો કે હવે નીચે ઉતરીને હું લદાખની ભૂમિમાં પ્રવેશ કરી જવાનો હતો. એ રસ્તા પર સરચુ ગામ આવે છે ત્યાંથી જ લદાખની સીમા શરુ થાય છે. આ ગામથી ચીનની બોર્ડર પણ સાવ નજીક છે. અહીંના માણસોના ચહેરા પણ ચાયનીઝ ટાઈપના હોય છે.અત્યાર સુધીની મારી યાત્રા હિમાચલ પ્રદેશમાં હતી. આખરે દુરથી રસ્તા ઉપર બૌદ્ધિષ્ટ સ્થાપત્ય ધરાવતા ગેટ ઉપર પહોચતા હું સમજી ગયો કે હવે હું સરચુ એટલે કે લદાખ પહોચી ગયો છું.
રાત્રીના આઠ વાગ્યાનો સમય થયો હશે. સરચુના પ્રવેશદ્વાર પર પીપીઈ કીટ પહેરી ફરજ બજાવતા બે પૈકી એક પોલીસમેને દંડાની નિશાની કરી મારી બાઈકને રોકી.
“ સર, લદાખમાં પ્રવેશતા દરેક માણસોનું કોરોના સ્ક્રીનીંગ ફરજીયાત છે” એવું કહેતા જ બાઈકને સ્ટેન્ડ કરી ગળા ઉપરના પર્સને પાછળ સેરવી મારું કપાળ ચોક્ખું દેખાય તે રીતે પેલા પોલીસમેન સામે હું ઉભો રહી ગયો. તેણે મારા કપાળ તરફ ટેમ્પરેચર ગન તાકી. બીજી જ ક્ષણે મારું મગજ ગોળ ગોળ ફરવા લાગ્યું. હું જમીન ઉપર પડવા લાગ્યો હતો. કોઈક મજબુત હાથોએ પાછળથી મને બરાબર ઝક્ડ્યો ના હોત તો હું માથાભર નીચે જ પડ્યો હોત. પણ ત્યાં સુધીમાં તો હું મારી બધી જ શુદ્ધબુદ્ધ ગુમાવી બેઠો હતો…….
*****
જયારે ભાનમાં આવ્યો ત્યારે મારા માથા પર ખાખી ટેન્ટ જોઈ મારી નવાઈનો પાર ના રહ્યો. હું કોઈક ટેન્ટમાં હતો એની ખાતરી થઇ. સાંજનો સમય હતો. ટેન્ટના એક સાઈડના બાકોરામાંથી નજર નાખી જોયું તો દુર કોઈ સરોવર ભાસતું હતું. બીજી બાજુ નજર નાખી તો કેટલાયે સૈનિકો હોલબુટ સાથે આમથી તેમ ચક્કર લગાવી રહ્યા હતા. સૈનિકોના ચહેરા ચીનાઓને મળતા હતા. અચાનક એક અધિકારી અને બે સૈનિક જેવા ભાસતા ત્રણ વ્યક્તિઓ હું સુતો હતો એ ટેન્ટમાં પ્રવેશ્યા. હું બેભાન જ હોઉં એવો ડોળ કરી સુતો રહ્યો. અધિકારી દીસતા વ્યક્તિએ સેટેલાઈટ ફોનમાં કોઈ સાથે વાત કરી એના ઉપરથી મને ખાતરી થઇ કે નક્કી આ ચાયનીઝ આર્મીની છાવણી છે. ચીની સૈનિકો, બાજુમાં સરોવર, હમણાં હમણાં પેગોંગ-ત્સો-ઝીલ વિસ્તારમાં ચીની સૈનિકોની ઘુસણખોરીના સમાચારો અને ચીન સરહદ નજીક લદાખના સરચુ ગામ પાસે ટેમ્પરેચર ગનના માધ્યમથી બેભાન બનાવી મારું અપહરણ……..આ બધું મને સાંયોગિક લાગ્યું અને અકળાવનારું પણ.
અચાનક બહારથી બીજા બે વ્યક્તિઓનો પ્રવેશ થયો. અંદર આવતા જ એ લોકોએ ઠંડીથી બચવા પહેરેલી મંકી ટોપી કાઢી નાખી એ સાથે જ હું ચોંકી ગયો. અરે, આ તો પેલા મનાલીમાં મને મદદ કરનાર અને ચેક પોસ્ટ ઉપર મારી તલાશી લેનાર પોલીસમેનો જ હતા. હું આંખને સાવ જીણી ખોલી પરિસ્થિતિનો પાર પામવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
ચાઇનીઝ અધિકારીએ આવનાર બંનેનું પીઠ થાબડી અભિવાદન કર્યું.
“શાબાશ, તમે બંનેએ અમારા માટે ખુબ સરસ કામ કર્યું….આખરે આવો સરસ પ્લાન તમે કેવી રીતે પાર પાડ્યો?” અધિકારીએ પૂછ્યું.
પેલા આવનારે જવાબ આપ્યો, “ સર, અમે છેલ્લા એક મહિનાથી આ ઓપરેશનમાં વ્યસ્ત હતા. બોર્ડર મારફત ભારતમાં પ્રવેશી અમે એક મહિનો મનાલીમાં રહ્યા. અમારો ચહેરો-મહોરો હિમાચલપ્રદેશના લોકો જેવો જ હોવાથી કોઈને અમારા ચીની હોવાનો સંદેહ ના ગયો ને એટલા ટાઈમમાં તો અમે મનાલીની ગલી ગલીના ભોમિયા થઇ ગયા. એવામાં આ મુસાફર મનાલીના રસ્તા પર અમને મળ્યો ત્યારે અમને જાણકારી મળી કે તે બાઈક દ્વારા મનાલીથી લેહ જવાનો છે. ત્યારે રસ્તાની ભૂગોળ જાણવાનું તમે આપેલું જાસુસી યંત્ર અમે આના મારફત તમારા સુધી પહોચાડવાનો પ્લાન ઘડ્યો. જો અમે આ યંત્ર લઈને આવીએ તો રસ્તામાં શંકાના આધારે ભારતીય પોલીસ અમારી તલાશી લે તો અમે પકડાય જઈએ, એને બદલે આ મુસાફર મારફત આ કામ સારી રીતે થઇ શકે તેમ હતું. એટલે જ અમે રોહતાંગની મુખ્ય પોલીસ ચેક પોસ્ટથી પહેલાં જ આને આંતરી ડુપ્લીકેટ પોલીસનો સ્વાંગ ધરી બેગની તલાશી લેવાના બહાને આ જાસુસી યંત્ર તેની બેગમાં સરકાવી દીધેલુ…..”
“વેલ ડન, વેલ ડન. હવે આ યંત્રની મદદથી અમે મનાલીથી લેહ જતા મુખ્યમાર્ગની ભૂગોળ જાણી લઈશું અને ગણતરીના દિવસોમાં જ આ માર્ગને તોડી લદાખને ભારતના ભુભાગથી અલગ કરી નાખીશું અને એ રીતે સંપૂર્ણ લદાખ ઉપર અમારો કબજો જમાવી દઈશું.”
આ બધું સાંભળી મને છેતરાય ગયાનો અહેસાસ થયો પણ અત્યારે આંખ બંધ કરીને પડ્યા રહેવા સિવાય છૂટકો નહોતો. બહાર ઘણા સૈનિકો એકઠા થઇ આ પ્રસંગની ખુશી ઉજવવા એમના અધિકારી ટેન્ટમાંથી બહાર નીકળે એની રાહ જોઈ રહ્યા હતા. જેવા એ બહાર નીકળ્યા કે તરત હીપ હીપ હુર્રે જેવા અવાજો કરી સૈનિકોએ તેમને ઊંચકી લીધા. પ્રવાસના શોખીન એક અજાણ્યા મુસાફરની અજ્ઞાનતાવશ તેના સામાનમાં જાસુસી યંત્ર સેરવી દઈ લદાખના ભારત સાથેના સંપર્ક સૂત્ર સમા મુખ્યમાર્ગની માહિતી મેળવી તેને તોડી લદાખને ચીન સાથે જોડી દેવાનો મનસુબો બરાબરનો પાર પડતો જોઈ ચીની સૈનિકો છાવણીના મેદાનમાં ઉત્સાહપૂર્વક નાચી રહ્યા હતા.
ટેન્ટમાં એકલો પડ્યો પડ્યો હું બહારનું દ્રશ્ય જોઈ તો નહોતો શકતો પરંતુ શું થઇ રહ્યું છે એનું બરાબર અનુમાન કરી રહ્યો હતો. કમરથી શરીરને સહેજ ઊંચકી ઉભો થઈ જોઈ લેવાનો પ્રયત્ન કર્યો પણ સલામત ના લાગ્યું. બહાર જશ્નનો માહોલ બરાબરનો જામ્યો હતો અને હવે નજીકમાં કોઈ અંદર આવે એવી નહિવત શક્યતાથી આશ્વસ્ત થઇ હળવેકથી હાથ નાખી ખિસ્સામાંથી એક બોલપેન કાઢી. તેના ઉપરના બટનને ક્લિક કર્યું. હવે એ બોલપેન મટીને જીપીએસ સંયંત્ર બની ચુકી હતી. શરીરને ઉભું કર્યા વગર સુતાં સુતાં જ લંબાવતા ટેન્ટના ખૂણા સુધી પહોચી ગયેલા હાથ વડે થોડીક રેતી ખોદી બોલપેન ત્યાં દાટી દીધી. આગળના ભાગે ઉજવણીમાં મશગુલ બેફીકર ચીનાઓની નજર ચૂકવી ટેન્ટના પાછળના ભાગે દોડવા લાગ્યો. રસ્તો પથરીલો હતો પણ પગમાં જોમ પારાવાર હતું. થોડી જ વારમાં દિવસના દેખાયેલું સરોવર આવી ગયું. કિનારે પડેલ એક ભીમકાય પત્થર પર શરીરને ટેકવી થોડો શ્વાસ ખાધો. કાંડામાં બાંધેલી ઘડિયાળમાં જોયું તો રાત્રીના ૧૦ વાગવા આવ્યા હતા. સાઈડમાં રહેલું નાનકડું બટન દબાવ્યું તો ઘડિયાળમાં ડિસ્પ્લે થઇ રહેલો એક મેસેજ મને હું જ્યાં હતો ત્યાંથી દક્ષીણ બાજુ ૧૦૦ મીટર આગળ મારી રાહ જોઈ ઉભેલી નાવમાં તાત્કાલિક સવાર થઇ જવા સુચના આપતો હતો. હું ઝડપભેર એ બાજુ ચાલતો થયો તો કિનારે એક નાવડી લાંગરેલી હતી. જેવો હું નાવમાં સવાર થયો કે નાવિક મને ઝીલની પેલે પાર પહોચાડવા હતું એટલું બળ વાપરી ઝડપભેર હલેસાં મારવા લાગ્યો. મેં પૂછ્યું તો આ ઝીલ નું નામ લદાખની પ્રખ્યાત પેન્ગોંગ-ત્સો-ઝીલ હોવાનું તેણે મને જણાવ્યું.
અમે હજુ આ કિનારે પહોચ્યા પણ નહિ હોય ત્યાં આકાશમાં દુરથી હમણાં હમણાં જ ભારતીય સેનામાં સામેલ બે રાફેલ વિમાનો આવી ચઢ્યાં. અને ઝીલની સામે પાર ચીનાઓની છાવણી પર આગના ગોળા વરસાવવા લાગ્યાં. થોડીક વારમાં જ બધું તહસનહસ કરી નાખ્યું. આગની જ્વાળાઓ દુર દુર સુધી પ્રસરી ગઈ હતી……
હું મારી કાંડા ઘડિયાળને મોઢાની સાવ નજીક લાવી નીચેનું નાનકડું બટન દબાવી બોલ્યો, “હેલ્લો સર……”
સામે છેડેથી ઇન્ડિયન ઈન્ટેલીજન્સના ડેપ્યુટી ડાયરેક્ટર ઘનશ્યામ દલનો ચીર પરિચિત લહેકો સંભળાયો, “ બોલ શર્મા…શું ખબર છે?”
“સર, ઓપરેશન પેન્ગોંગ-ત્સો ઇઝ ઓવર”. મેં એકી શ્વાસે કહી દીધું.
“ વેલ ડન મારા ઇન્ડિયન જેમ્સ બોન્ડ, તારા અપ્રતિમ સાહસને કારણે આજે આપણે પેન્ગોંગ-ત્સો ઝીલ સુધી અંદર ઘુસી આવેલી ચીની સેનાને મારી હઠાવવામાં સફળ થયા છે. અને લદાખ ઉપર કબજો જમાવવાના ચીની મનસુબા ઉપર પણ પાણી ફેરવી દીધું છે, આ બધું તારી બહાદુરીને લીધે જ શક્ય બન્યું છે.”
મારો હાથ ગર્વથી મૂછો ઉપર જાય એ પહેલા જ પેન્ટના ખીસ્સામાં રહેલ મોબાઈલ ફોનની રીંગ રણકી ઉઠી. સામે છેડે મારો પુત્ર રાજ પૂછી રહ્યો હતો કે “ પપ્પા, મનાલી પહોચી ગયા કે?”
ત્યારે જ મને આભાસ થયો કે ભારતના જેમ્સ બોન્ડ બનવાનું મારું સપનું તૂટી ગયું છે. બસના મોટા ભાગના પેસેન્જરો પણ જાગી જઈને મનાલી આવવાની રાહ જોઈ રહ્યા છે. સામે છેડે રાજ મારા પ્રત્યુતરની રાહ જોઈ રહ્યો છે એની સ્મૃતિ થતાં જ મેં કહ્યું, “ બેટા, બસ હવે મનાલી પહોચવા જ આવ્યો છું.”
“ ક્યાંય મનાલી નથી પહોચ્યા, પોરબંદરમાં જ છો. મનાલીની ટીકીટ તો તમે આ કોરોનાને કારણે કે દિવસના કેન્સલ કરાવી આવ્યા તોય હજી મનાલીના જ સપનાં જુવો છો?” માથેથી શાલ ખેંચી મારી પત્ની ગીતાએ ઊંઘમાંથી મને બળજબરીપૂર્વક ઉઠાડ્યો. અને હું કલ્પનાની સ્વપ્નીલ દુનિયામાંથી બહાર નીકળી આજે રવિવારે મારા વતનના ગામ ઘોડાદર જવાનું હોવાથી જલ્દી જલ્દી તૈયાર થવા ટુવાલ લઇ નહાવા માટે બાથરૂમમાં ઘુસી ગયો.
(c) ગાંગાભાઇ સરમા
No Comments