ભારતીય ઋષિમુનિએ અમુલ્ય જીવન આનંદ અને સ્વસ્થ જીવવા અનેક પ્રાકૃતિક ઉપચાર આપેલ છે. પ્રાકૃતિક ચિકિત્સક એડોલ્ફ જુસ્ટ તેને ડીસ્કવર કરેલ અને ભારતમાં ફરી મહાત્મા ગાંધીજીએ તેના પ્રણેતા તરીકે કાર્ય કરતા, આજે ભારતભરમાં ગાંધી નેશનલ એકેડમી  ઓફ નેશરોપેથી – ન્યુ દિલ્હી  દ્વારા અભ્યાસના કેન્દ્રો ચાલે છે. ગાંધીજીએ ચિકિત્સક તરીકે ૧૧૦ દર્દીને સાજા કર્યા હતા. નેચરોથેરાપીના વિકાસ અર્થે  ભારતીય અન્ય પ્રાકૃતિક  ચિકિત્સક  ડૉ. કુલરંજન મુખર્જી, મહાવીર પ્રસાદ, વિઠલદાસ મોદી, ડૉ.જસ્પાલવાલા, દિનસા મહેતા વગેરેનુ યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે.

       પ્રાકૃતિક ઉપચાર પંચમહાભૂત તત્વો (આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી ) દ્વારા ઉપચાર આપી દર્દીને રોગ મુક્ત કરવવામાં આવે છે. સાથે યૌગિક ક્રિયા દ્વારા માનવીના શારિરીક અને માનસિક સ્વાથ્ય વધુ તંદુરસ્ત બનાવામાં આવે છે.

પ્રાકૃતિક ચિકિત્સામાં રોગના બે પ્રકાર દર્શાવ્યા છે, જે પૈકી એક તીવ્ર રોગ જેમાં વિવિધ તાવ, શરદી, ખાંસી, ઉધરસ, પેટદર્દ, શિરદર્દ, કબજિયાત, ગેસ, અપચો વગેરે.  જયારે બીજો જીર્ણ રોગ જેમાં ડાયાબીટીશ, ટી.બી., શ્વાસના રોગો,  હૃદયરોગ, કેન્સર, હાઇપર ટેન્શન, જેવા રોગનો સમાવેશ થાય છે.

 પ્રાકૃતિક ચિકિત્સાના સિદ્ધાંત મુજબ પ્રકૃતિ સ્વયં ચિકિત્સક છે. માનવ શરીર પણ એક પ્રકૃતિના ઘટકનો ભાગ છે.  પ્રાકૃતિક નિયમોને અનુસરવાથી શરીર સ્વયં ચિકિત્સાનુ કાર્ય કરે છે. પરંતુ આજે ભૌતિક સુખ સુવિધા વધવાની સાથે,  માનવ જીવનમાં આહાર ,વિહાર અને વિચારશ્રેણીમાં બદલાવ આવ્યો છે. અનિયમિત અને અયોગ્ય  ભોજન, અનિયમિત નિંદ્રા તથા યોગ્ય આરામનો અભાવ.

            માનવીના આહારની વાત કરીએ  તો આહારમાં ૮૦ ટકા સનકૂકડ અને ૨૦ ટકા રાંધેલ ખોરાક લેવો જોઈએ. ખોરાક તાજો, ગરમ અને સાત્વિક  હોવો જોઈએ. જમતી વખતે શાંતિથી બેસીને, પૂરી રીતે ચાવીને તથા પ્રસન્ન મને જમવું જોઈએ, ભોજન મિતાહાર લેવું જોઈએ. ઋતુ અનુસાર ફળો લેવા. વધુ પડતા ગરમ મસાલા રહિત, વારંવાર ગરમ ન કરેલ હોય  તેમજ વાસી ખોરાક ન લેવો જોઈએ. વિરુદ્ધ આહાર બિલકુલ ન લેવો જોઈએ. જમવામાં ઓછા વ્યંજન લેવા અને  ભરપેટ  જમવું નહિ. સવારે ઉઠી તામ્ર લોટાનુ ઉષ:પાન કરવું. અડધા કલાક પછી એક કપ ચા-દૂધ અને પછી લીલા પાંદવાળી ભાજીનુ જ્યુસ, કોઈ એક પ્રકારનુ ફળ આટલો આહાર બપોર સુધીમાં લઈ શકાય. બપોરના ભોજન સાથે દહીં-છાશ લઈ શકાય પરંતુ સાંજના ભોજન સાથે નહિ.  સાંજે હળવું ભોજન લેવું. જમ્યા પછી ફળ અને સુતા પહેલા એક ગ્લાસ હળદળવાળું દૂધ કે નવશેકા ગરમ પાણી લઈ શકાય.

           પંચમહાભૂત તત્વથી બનેલ શરીરને આ પાંચ તત્વની આવશ્યકતા રહે છે. તેના પ્રાપ્તિ સ્થાનની વાત કરીએ તો,  સામાન્ય રીતે  ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, જુવાર જેવા ધાન્યો ભોજનમાં લેવાથી પૃથ્વી તત્વની પ્રાપ્તિ થાય છે. લીલા પાંદડાવાળા શાકભાજી તેમજ રસાદાર ફળોનું સેવન કરવાથી જળ તત્વની પ્રાપ્તિ થાય છે. પાકા ફળો, પીળા રંગના ફળો, આદુ, લસણ ખાવાથી અગ્નિ તત્વની મળે છે. વિવિધ કઠોળ અને દાળ ખાવાથી વાયુ તત્વ પ્રાપ્ત થાય છે. ઉપવાસ કરવાથી આકાશ તત્વની પ્રાપ્તિ થાય છે.

માનવીના  જીવનશૈલીમાં  થોડો બદલાવ અને પ્રકૃતિ ઘટકો પ્રત્યેનો લગાઉ સારા  સ્વાસ્થ્ય  પ્રાપ્તિની ચાવી બની જાય છે.

  સામાન્ય રીતે કાચુ મીઠું ખાવા કરતા રસોઈમાં ભળેલ ગરમ થયેલ મીઠું ચામડી થતા ઘણા રોગથી બચાવે છે. સામાન્ય પાણી કરતા સવારે તામ્ર લોટાનુ  ઉષ:પાન પેટદર્દની ઘણી બીમારી દુર કરે છે. દહીં-છાસ સાંજના જમવામાં ન લેવા જોઈએ. મીઠા અને  ખાટા ફળો એકી સાથે ન લેવા. દહીં સાથે ગોળ અને મૂળા સાથે કેળા નિષેધ છે. દૂધ સાથે ડુંગળી ન લેવી. કુલ છ રસ પૈકી ત્રણ થી વધુ રસ એક સાથે વધુ માત્રામાં ન લેવા. શ્રમ કર્યા બાદ બપોરે થોડો આરામ (વામકુક્ષી) કરવાથી જીવ ની શક્તિ વધે છે. સવારથી બપોર સુધી વિવિધ લીલા પાંદડાવાળી ભાજીના જ્યુસ તથા ફળાહાર લેતા સ્વાસ્થ્ય વધુ સારુ બને છે. જમતી વખતે દૂધ કે દુધની મીઠાઈ ન લેવી જોઈએ.

પંચમહાભૂત તત્વોના ઉપયોગથી સારા સ્વાસ્થ્યની  પ્રાપ્તિ માટે સવારના કોમળ તડકામા સૂર્ય સ્નાન કરવું, લઘુ અને દીર્ધ ઉપવાસ કરવા, ઠંડા અને ગરમ પાણીના વિવિધ સ્નાન, માટી અને પાણીની પેડુ પટ્ટી, સૂર્ય તપ્ત પાણી તથા તેલનો ઉપયોગ, નૈસર્ગિક તેલથી શરીરનું માલીશ તેમજ યૌગિક વિવિધ ક્રિયાઓ કરવી જોઈએ.

 તીવ્ર રોગની પ્રાકૃતિક ચિકિત્સા માટેની વાત કરીએ તો જમ્યા પછી પેટદર્દ થતું હોય તો એક ગ્લાસ્સ હુંફાળુ પાણી પીવું અને ગેસ થાય તો લીંબુનો રસ પીવો જોઈએ. એસિડીટી થતી હોય તો ૧૦ નંગ કિસમિસ ખાવાથી શાંત થાય છે. દૂધ પીવાથી કબજીયાત થાય તો બે ભોજન વચ્ચે કિસમીસ કે રસાદાર ફળ લેવા. તાવમાં મોઢાની  કડવાસ દુર કરવા જીરૂ અને ફુદીનાનુ સેવન કરવું. પેટના આંતરડાની ગરમી, ગુસ્સો, કે ચિડિયાપણું  દુર કરવા ૧૦૦ ગ્રામ દુધીનો રસ ૨૧ દિવસ પીવો જોઈએ. ડાયાબીટીશ દુર કરવા એક કાચો ભીંડો ૨૧ દિવસ માટે લેવો. કાનમાં આવતો અવાજ બંધ કરવા સરસવ કે તલના તેલના ટીપા નાખવા જોઈએ. અનિન્દ્રા દુર કરવા નાભિ ઉપર તેલનું પોતું મુકવું. તીવ્ર રોગ થાય તો ૩ દિવસના લધુ ઉપવાસ કરવા,  જરૂર જણાય તો વધુ દિવસ  ઉપવાસ કરવા.

 ત્રિદોષહર દ્રવ્યોનુ સેવન કરવું.  જેમાં ઘી, છાસ, ગોળ, ધાણાજીરું. કોથમીર, ઇલાયસી, લવિંગ, કાજુ, દાડમ, અંજીર, કેસર, મૂળા, સરગવો, કારેલા, ગળો, ગુગળ, દુર્વા, નોની, ગરમાળો, સાટોડી, બ્રાહ્મી, સિંધવ, કુવારપાઠું, સેતુર વગેરે.

    માનવી આજે નિજી સ્વાર્થ  સંતોષવા  ખાદ્ય પદાર્થ  મિલાવટ કરીને  લોકોના સ્વાથ્યને ખતરામાં મૂકી દે છે, ત્યારે  પ્રાકૃતિક ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરી સ્વાથ્ય કાળજી લેવી જરૂરી બની જાય છે.

–  ડૉ. વિજયભાઈ કે. મોઢવાડિયા (Naturotherapist), રાજકોટ

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *