હોસ્પિટલના જનરલ વોર્ડમાં પલંગ ઉપર સુતેલી પોતાની દીકરી જાગૃતીને તેનો  પિતા પૂછે છે મે તારી માટે કેવો સુવિધાયુક્ત રૂમ બુક કરાવ્યો હતો અને તેં જનરલ રૂમમાં દાખલ થવાની જીદ પકડી. અહીંનું વાતાવરણ અકળાવી નાખનારૂ નથી?
દીકરીએ ધીમેથી કહ્યું, “પપ્પા,તમે આજની જેમ અમીર ન હતા ત્યારે મારો જન્મ પણ આવી એક જનરલ હોસ્પિટલમાં થયો હતો તેમ મારા મમ્મીએ મને કહ્યું હતું. પપ્પા, દરેક માણસે પોતાની ગઈકાલ પણ યાદ રાખવી જોઈએ. વિશાળ માનવ સમુદાયથી આપણે જેટલા કપાતા જઈએ જીવન એટલું દુઃખી થાય છે.”
“અરે, પણ અહીંયા સ્વચ્છતા ઓછી છે,જાતજાતના માણસોનો મેળો જામ્યો છે,શોર- બકોર અને બધું જ અસ્ત-વ્યસ્ત…આમાં ખુશ થવા જેવું પણ ક્યાં છે?”
“પપ્પા, જુઓ પેલી માતા આટલી જનમેદની વચ્ચે પણ વહાલથી પોતાની છાતીનું અમૃતપાન કરાવી રહી છે અને પેલો યુવાન પોતાના પિતાને બેડપાન આપી રહ્યો છે. નર્સની મદદ લીધા વગર પેલા માજી એમના વૃદ્ધ પતિને કેટલા વ્હાલથી કોળિયા આપી રહ્યા છે?  અહીં મનને ખુશ ખુશાલ બનાવી દે તેવું વાતાવરણ કેટલું બધું છે! આકાશ રૂપાળું છે પણ ન આંબી શકાય તેટલું દૂર છે, ધરતી પર થોડુંક  કદરૂપુ પણ હશે પણ એની પાસે વહાલનો અખૂટ ભંડાર છે”…હસતા ચહેરે દીકરીએ કહ્યું.
“અરે, દીકરી તું તો અત્યારથી ફિલોસોફર બની ગઈ છે? સુખની વ્યાખ્યા તારી સાંકડી છે એટલે તું સાંકડી દૃષ્ટિથી જીવનને મૂલવે છે, પપ્પાની એ વાત ટકાવી સુખની વાત જુદી હોય એ ફાંકડી છે તેમ છોકરીએ કહ્યું. અમર્યાદ સુખને ભોગવી લેવાની એકલપટ્ટી દ્રષ્ટિ અને ઉતાવળમાં જ સાંકડાપણું રહેલું .પેલી દીકરી ની વ્યાખ્યા. પેલી દીકરીની વ્યાખ્યા  હકીકતમાં સાંકડી નથી વિશાળ છે. એને સૌના જેવું જીવન જીવવું છે અને સૌની વચ્ચે રહેવું છે.
સવારનો સૂરજ તમને પૂછે છે તમારે કેવું જીવન જીવવું છે? સુખી કે દુઃખી…તમે તે દિવસને કહી દો કે મને સુખી જીવન ખપે છે અને દુઃખદ ક્ષણોમાં પણ તમે સુખનું કિરણ શોધી કાઢશો…પછી જુઓ તમને કોણ દુઃખી કરી શકે છે! તમે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ શ્રદ્ધાનો દીપક પ્રજ્વલિત રાખી શકો છો તો આકસ્મિક કે અણધાર્યા દુઃખો અને આપત્તિનો સામનો કરી તમારા ચહેરાને આંસુથી ખરડાતો બચાવી શકો છો. ખંત અને અંતરમાં ઉગેલી શ્રદ્ધા નકામી જતી નથી. તેનો પ્રસંગ બની ગયેલી ઘટનામાં જોવા મળે છે અથવા સાંભળવા મળે છે. જેને ચમત્કાર કહીએ તો પણ કઈ ખોટું નથી. તદ્દનુસાર આઠ વર્ષની બાળકી તેના નાના ભાઈ માટે માતાપિતાની વાતો સાંભળતી હતી તેમાંથી તેણે જાણ્યું કે તેનો ભાઈ ખૂબ જ બીમાર હતો અને તેના માતા-પિતા પાસે તેના સારવારના કોઈ પૈસા નહોતા. તેમણે એક નાના મકાનમાં રહેવા જવા નું નક્કી કર્યું કારણ કે ડોક્ટરના બીલના પૈસા ખર્ચ થયા બાદ તેને આ મકાન પોસાય તેમ ન હતું તો બીજી બાજુ બાબાની સારવાર કરવા ખર્ચાળ શસ્ત્રક્રિયા કરવી પણ ખૂબ જ જરૂરી હતી. તેના માટે કોઈ પૈસા ધીરવા તૈયાર નહોતું. તેણે તેના પિતાને તેની રડમસ  માતાને ધીમા અવાજે કહેતા સાંભળ્યું માત્ર ‘રામસ્કાર’ જ આને બચાવી શકશે…
એ બાળકી પછી પોતાના શયનખંડ તરફ દોડી ગઈ અને પોતે અત્યાર સુધી હાથ ખર્ચીના  બચાવેલા પૈસાને કાળજીપૂર્વક ગણ્યા અને તે એક પાઉન્ડ અને 10 સેન્ટ્સ પોટલીમાં મૂકીને ઘરના પાછળના દરવાજા થી નીકળી ગઈ. દવાની દુકાને જઈ બધા પૈસા દુકાનદારને આપ્યા તો દુકાનદારે તેને પૂછ્યું, “તારે શું જોઈએ છે?”
“મારો ભાઈ ખૂબ જ બીમાર છે અને તેની માટે મારે “રામસ્કાર” ખરીદવો છે, મારા પપ્પા કહે છે કે તેને માત્ર ‘રામસ્કાર’ જ બચાવી શકે તેમ છે, તમે કહેશો કે રામસ્કારની કિંમત કેટલી થાય?”, બાળકીએ દુકાનદારને કહ્યું.

દુકાનદારે દુખી હૃદયે કહ્યું, “બેટા, અમે કોઈ રામસ્કાર નથી વેચતા. હું દિલગીર છું.”

બાળકીએ ફરી પૂછ્યું, “એ ખરીદવા મારી પાસે પૂરતા પૈસા છે, જો એ પૂરતા ના હોય તો હું પ્રયત્ન કરી વધારે પૈસા લઇ આવું પણ તમે મને કહેશો કે તેની કીમત શી થાય?”
એ દુકાને તે સમયે એક સુસજ્જ વસ્ત્રધારી સજ્જન હાજર હતો. તે જરા નીચે નમ્યો અને તે નાની બાળકી ને પુછ્યું, “તારા ભાઈને રામસ્કારની જરૂર છે?”
બાળાની આંખમાં થોડી ચમક આવી અને કહ્યું, “મારો ભાઈ ખૂબ જ બીમાર છે.મારા મમ્મી કહે છે કે તેને ઓપરેશન કરવું પડશે પણ તે માટે મારા પપ્પા પાસે પૂરતા પૈસા નથી તેથી હું મારી બચતના પૈસા લાવી છું.”
એ સજ્જને પૂછ્યું, “બેટા,કેટલા પૈસા લાવી છે?”

સાવ ધીમા અવાજે બાળકીએ કહ્યું,  “1 ડોલર 10 સેન્ટ્સ. અલબત્ત વધુ પૈસા લાવવાના પ્રયત્ન કરૂ?”
“હાલ ત્યારે તારા ભાઈ માટે રામસ્કાર અર્થે આટલા પૈસા પૂરતા છે.” એમ કહી તે સજ્જને તે પૈસા પોતાના હાથમાં લીધા અને બાળાનો હાથ પકડીને કહ્યું, “તું જ્યાં રહે છે ત્યાં મને લઈ જા, તારા માતા-પિતાને મળી તારા ભાઈને જોઈશ પછી જોઈશું કે તારા નાના ભાઈને તારે ક્યા રામસ્કારની જરૂર છે? તે મારી પાસે છે કે કેમ?”
એ સારા વસ્ત્રોમાં સજ્જ થયેલ માણસ બીજો કોઈ ન હતો પરંતુ તે સમયના જાણીતા ન્યુરોસર્જન  ડૉ. આર્મસ્ટ્રોંગ કાલેટન હતા. તેમણે જોયું, એક્સ રે કર્યો અને બીજી તપાસ કરી તો તે બાળક બ્રેઈન ટ્યુમરથી પીડાતો હતો. તેણે કોઈપણ ખર્ચ લીધા વગર તે ઓપરેશન કરી દીધું. ઓપરેશન સફળ થયું અને થોડા સમયમાં તે બાળક સાજો થઈ ગયો. બાબો, બાળકી અને તેના માતા-પિતા ઘરે આવ્યા. તેની માએ પછી કહ્યું, “આ ઓપરેશન જ ખરો રાહ રામસ્કાર હતો.તેનો તેમાં કેટલો ખર્ચો થયો હશે?” નાની બાળકીએ સ્મિત કર્યું, તે બરાબર જાણતી હતી કે રામસ્કારની કિંમત કેટલી થઈ હતી. પુરા એક ડોલર અને દસ સેન્ટ્સ વત્તા નાના ભાઈ માટે પૂરી શ્રદ્ધા.
આફતોની જ્વાળાઓ માણસને બાળવા નહીં પણ નિભાડાંના ઘડાની જેમ પકવવા આવે છે, જે કુદરતના નિર્માણને માથે ચડાવી ભયાનક તારાજી વચ્ચે પણ”શામળા ગિરધારી”માં અતૂટ શ્રદ્ધા સમર્પિત કરી શકે છે તેજ પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રસન્ન રહી શકે છે! માણસ પોતે પણ ઈશ્વરનો રામસ્કાર છે એટલે તેણે દુઃખની મલિન ચાદર ઓઢીને જીવવાની જરૂર નથી. માણસ પોતે જ પોતાને દુઃખનું ઉત્પાદક કારખાનું બનાવી દે તો બિચારો ભગવાન શુ કરી શકે?
ઈશ્વરે સર્જેલી આ સોહામણી સૃષ્ટિને માણસે ઈર્ષ્યા,દ્વેષ,ઘમંડ,લોભ,નફરતના છટકાવ કરીને વરવી બનાવી દીધી છે. પ્રત્યેક દિવસને પવિત્રતા,પ્રેમ,સત્ય,સહાનુભૂતિ અને નિસ્વાર્થ સહયોગનું અત્તર છાંટી આનંદનો મહોત્સવ બનાવી દેવો એ માણસના હાથની વાત છે. માણસ માટે કેટલી સગવડો ભગવાને આપી છે પણ માણસ આમતેમ ભટકતો રહ્યો, તેને અટકતાં ન આવડયું. માણસ તોલી તોલી ને બોલે છે, તોલી તોલીને કરાર કરે છે અને પ્રેમ લાગણીને પણ તોલી તોલીને વ્યક્ત કરે છે. જ્યારથી આ ત્રાજવાં શોધાયા ત્યારથી વિશ્વાસનું વજન ઘટ્યું છે, જ્યારથી માણસને મોટાઈમાં રસ પડ્યો છે ત્યારથી માણસાયનું વજન ઘટ્યું છે, મુક્ત રહો સાથે રહો અને દુઃખની ચિંતાથી મુક્ત બનો પછી જુઓ કે તમે કેટલા સમર્થ છો અને દુઃખ કેટલુ વામણુ છે.

-ડૉ.અર્જુન વાઢેર, પોરબંદર

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *