મેર-પ્રજાની એક આગવી સાંસ્કૃતિક વિરાસત છે. આ સાંસ્કૃતિક વિરાસતનાં વિભિન્ન પાસાં છે. એમાંનું એક પાસું એટલે મેરાણીઓના રાસડા. રાસડો એ મેરાણીઓના હદયની ઊર્મિઓ વ્યક્ત કરતું એક પારંપરિક લોકનૃત્ય છે. આ લોકનૃત્યના માધ્યમથી મેરાણીઓ પોતાના હૃદયની ઊર્મિઓને મધુરતાથી વ્યકત કરે છે. જેવી રીતે મેર જુવાનોની મર્દાનગી વ્યક્ત કરતો દાંડિયારાસ છે, તેવી રીતે મેરાણીઓ માટે રાસડા છે. આ રાસડા જાણે કે મેર-પ્રજાની ધીંગી સાંસ્કૃતિક પરંપરાને અમીરસ પાઈને પોષે છે. સૌરાષ્ટ્રનાં તમામ લોકનૃત્યોમાં રાસડા અજોડ અને બેનમૂન ગણાય છે. કારણ કે રાસડાની સરળ, શાત અને સમરસ રમ્યતા તેમ જ તેના ઢાળ અને લચક ભાગ્યે જ બીજાં એક પણ નૃત્યમાં જોવા મળે છે. મેરની નમણી નારીઓ રાસડા લેતી હોય એની મોહકતા નીરખવા તો ખુદ સમય પણ ઘડીભર થંભી જતો હોય છે ! રાસડાના મનભાવન આયામ, તાળીઓનો તાલબદ્ધ લય, કર્ણપ્રિય ગીતનો સુમધુર આલાપ તેમ જ અનાયાસ સર્જાતું કુદરતી સૌંદર્ય તો નજરે જોઈએ ત્યારે જ ખબર પડે. કુદરતે બક્ષેલી સુંદરતા અને સ્વાભાવિક દેહલાલિત્ય તથા રૂપને નિખારે એવો રૂડો પોશાક અને અઢળક આભૂષણો ધારણ કરી રાસડાની રમઝટ બોલાવતી મેરાણીઓ અવનિ પર સ્વર્ગની આભા ઊભી કરતી હોય છે. ક્યારેક કેવળ એક ઢોલકને સહારે તો ક્યારેક કોઈ પણ જાતના વાદ્ય વિના, માત્ર તાળીઓના તાલે રમાતા રાસડાની સુરમ્યતા હદયમાં વસી જાય છે અને જોનારા મુગ્ધ બની જાય છે.
પહેલાંના સમયમાં ખાસ કરીને સાતમ-આઠમ જેવા ઉત્સવો અને મંગલ પ્રસંગો રાસડાની રમઝટ વિના અધૂરા લાગતા. આવા પ્રસંગોએ ગામની શેરીઓ રાસડાના મધુર ગીતથી ગુંજી ઊઠતી. કુંવારી કન્યાઓ, વહુવારુઓ અને આધેડ વયની સ્ત્રીઓની સાથે નાનકડી દીકરીઓ સાંજને સમયે રાસડા લેવા માટે સજીધજીને તૈયાર થઈ જતી. ગામના ચોકમાં કે શેરીના નાકે એકઠી થતી. મેરની જુવાન દીકરીઓએ બગલાની પાંખ જેવાં ધોળાંફૂલ ઘાસિયાં, કિનખાબની સળવાળાં કાપડાં અને કાપડાની બાંયને મેચ થાય એવાં પટોળાં ધારણ કરેલાં હોય. વહુવારુઓના પોશાકમાં માત્ર જીમીના રંગનો તફાવત હોય. દીકરીની જીમી સફેદ રંગની હોય અને એને ‘ઘાસિયું’ કહેવાય, જ્યારે વહુવારુની જીમી લાલ રંગની હોય અને એને ‘ઢારવો’ કહેવાય. રાસડા લેતી વખતે દીકરીઓએ ડોકમાં પટોળાની બે આંટી પાડી હોય, જ્યારે વહુવારુઓએ ઊભો છેડો નાખીને અદબથી ઓઢ્યું હોય. તમામ દીકરીઓ અને વહુવારુઓના કાનમાં મુઠ્ઠીમુઠ્ઠીના વેઢલા હીચકા લેતા હોય, ડોકમાં મોહનમાળા, પોપટહાર, ઝૂમણાં વગેરે ઘરેણાં શેલારા મારતાં હોય…અને ડોક વજન ખમે એટલાં ઘરેણાં ઉપરાંત હાથમાં પોંચો કે ચારેચાર આંગળીઓમાં સોનાના વેઢ પહેર્યા હોય. તેઓને અત્યારની આધુનિકતા સાથે કંઈ લેવાદેવા નથી. પફ-પાઉડર, લાલી-લિપ્સ્ટિક કે કોઈ પણ જાતના સૌંદર્ય-પ્રસાધનો વિના, માત્ર આંખમાં કાંસાની તાંસળીમાં, ચોખ્ખા ઘીમાંથી બનાવેલું આંજણ આંજ્યું હોય. તેમ છતાં અત્યારનાં બ્યુટીપાર્લરમાં તૈયાર થઈને આવેલ કોઈ પણ રમણીની સાથે મેરાણીને ઊભી રાખવામાં આવે તોપણ રૂપાળી તો મેરાણી જ લાગે.
રાસડામાં કુલ ત્રણ તાલ આવે છે : બે તાળીનો રાસ, એવળ-બેવળનો રાસ અને હીંચનો રાસ. રાસડાની શરુઆત બે તાળીની લયબદ્ધ રમતથી થાય છે. આ રાસમાં એક ડગલું આગળ વધીને એક તાળી પાડે છે. પછી પગની આંટી પાડીને એક ડગલું પાછળ ભરી બીજી તાળી પાડે છે. અમુક સમય પછી બે તાળીની રમત એવળ-બેવળના રાસમાં ફેરવાઈ જાય છે. આ રાસમાં બહેનો નીચે નમીને હાથના ગોળાકાર આયામને છાતી સુધી લઈ જાય છે અને ફરી આગળ ડગલું ભરી આ જ આયામને દોહરાવે છે. આ રમતમાં ગતિ થોડી વધે છે તેમ જ બહેનોની નમવાની અને આગળ વધવાની એકરૂપતા ખૂબ જ આકર્ષણ ઊભું કરે છે. આ રમતમાં ફરીફરી આગળ-પાછળ વધવાની સાથે લેવાતી પગની ગતિશીલ ઠેસ ખાસ ધ્યાનાકર્ષક હોય છે. આ રમતની ગતિ ધીમેધીમે વધતી જાય છે અને અંતે હીંચની રમતમાં ફેરવાઈ જાય છે. હીંચની રમતમાં અંતર બહુ જ ઓછું કાપવાનું હોય છે, પરંતુ હાથ-પગની ગતિ તથા આયામ મુજબ તાળી પાડવાની ગતિને ખૂબ જ વેગ આપવાનો થાય છે. આ રમતમાં હાથ-પગના થનગનાટમાં એકરૂપતા ન કેળવાય તો તરત જ તાળીનો ગતિભંગ થાય છે અને રાસડાની રંગત મારી જાય છે. હીંચ-રાસની ગતિ ધીમેધીમે વધતી જાય છે અને ઢોલકનો તાલ પણ ચલતીમાં આવી જાય છે. આ વખતે તો એવું લાગે, જાણે ડૂંડાંથી લૂમેઝૂમે લચી પડેલા બાજરીના ખેતરમાં લણવાનું કામ ન ચાલતું હોય ! રાસડાની ઝડપને અનુરૂપ ગીતો પણ બદલાતાં જાય… મેરાણીઓના રાસડામાં રામ અને કૃષ્ણથી લઈને લીરબાઈ માતાજી સુધીનાં આધ્યાત્મિક પાત્રો, નાથો મોઢવાડિયો, કાળવો ઓડેદરો કે નાગાજણ સિસોદિયા જેવાં ગીતનો પણ સમાવેશ થયેલો હોય છે. આ રાસડામાં નણંદ-ભોજાઈની મીઠી મસ્તી, સખીવૃંદનો રોમાંચ, સોના-ઈંઢોણી, રૂખડ બાવલિયો તથા મુગ્ધાવસ્થાનાં અરમાનો વગેરેની સાથેસાથે મનનો માણીગર મોરલિયો બનીને ગવાતો હોય છે. આ રાસડા ગવરાવનારનો હલકદાર અને ગહેકતો લય એ કુદરતની એક અનોખી બક્ષિસ ગણાય છે. મેરની દીકરીને આ રાસડા શીખવા માટે કોઈ તાલીમની જરૂર રહેતી નથી. એ તો છાશ ઝેરડતાં, રોટલા ટીપતાં કે માથા પર પાણીનું બેડું લઈને વીરડાની વાટે વિહરતાં રાસડા શીખી લ્યે છે. કુદરતને ખોળે ખેલતી મેર યૌવના માંડવી નીંદતાં, ઘઉં વાઢતાં કે જુવાર-બાજરી લણતાં રાસડાના સ્ટેપ શીખી લ્યે છે. વાર-તહેવારે રાસડા લેવાતા હોય ત્યારે આવી જિજ્ઞાસુ દીકરીઓ ચકરાવાની અંદર બેસીને પણ રાસડાની રમતનાં તમામ કૌશલ્યોમાં પારંગત બની જતી હોય છે.
રાસડા એ મેરાણીઓના લોહીમાં ધબકતું અણમોલ સાંસ્કૃતિક નજરાણું છે. જેના દ્વારા તે પોતાના મનોરમ્ય અરમાનોને વ્યક્ત કરે છે. મેર-પ્રજામાં ચોમાસાના સમયમાં જ્યારે નવરાશ હોય ત્યારે દરેક ફળિયાના નાકે ફળિયાની બહેનો રાસડે રમતી. ચોમાસાના ભીના અને મધુરા વાતાવરણને રાસડાના જોમવંતા પડઘા અવિસ્મરણીય બનાવી દેતા. સંધ્યાની લાલી અને મેઘધનુષ્યના રંગોમાં રાસડાનું વાત્સલ્ય એકરૂપ બનીને અલૌકિક ઉત્સાહ નિર્માણ કરતું. મેઘધારે નીતરતા અમૃત સમાન રાસડાનું માધુર્ય માણવાની એક અનોખી મજા હતી.
ઘણા દુઃખની નહીં, અતિશય દુઃખની વાત એ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણી આ સાંસ્કૃતિક વિરાસત સમી રાસડાની કલા લુપ્ત થઈ રહી છે. કહેવાતી આધુનિક ઝાકમઝોળમાં આપણે આપણી અસ્સલ પરંપરાને અવગણી રહ્યાં છીએ. જો આમ જ ચાલશે તો નજીકના ભવિષ્યમાં આપણે આપણા ગૌરવવંતા રાસડાનાં વર્ણનો વાંચીને કે સાંભળીને અથવા તો એની તસવીરો નિહાળીને સંતોષ માનવો પડશે. સાસુ-વહુના સંબંધોની વિચિત્રતાઓ પ્રેરતી ‘કહાની ઘરઘરકી’ જેવી ફોગટ સીરિયલો જોવા માટે આપણી બહેનોને પુષ્કળ સમય મળે છે, પરંતુ આપણી આ અણમોલ સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવા માટે એમની પાસે સમય નથી ! ધન્ય છે મારી મેરાણી બેનોને !
Article by -ભરત બાપોદરા, મિત્તલ કડછા, મીનલ ખિસ્તરિયા

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *