• by ભરત બાપોદરા

છેલ્લા કેટલાક વખતથી એક ડાલામથ્થા સાવજે બખરલા ગામ અને તેના વાડી- વિસ્તારમાં કાળો કેર વરતાવી દીધો છે. આ ગામને અડીને ઊભેલા બરડા ડુંગરની ગીચ ઝાડીઓ અને કરાળ કંદરાઓમાં ધામો નાખીને પડેલો એ ડાલામથ્થો રોજરોજ આવીને એક ગાયનું મારણ કરી જાય છે. અને ગાયો પણ કેવી ?

          ખળેળે આઉમાં નથી દૂધ માતાં;

          સદા સમૃદ્ધિ રેલતી સુખદાતા.

     ગોળાગોળા જેવડાં જેનાં આઉ છે : જેના અકેક આંચળમાં પાંચ પાંચ શેર દૂધ ભર્યાં છે અને જે ધણીને આંગણે સમૃદ્ધિની રેલમછેલ બોલાવે છે એવી જાંબલી, કાબરી, રોઝી, બાહોળ્ય, બોડકી, નીરડી, મુંજડી, ખેરડી અને માકડી  ગાયો !

     પોતાની ગાય સાવજનો કોળિયો બની જતાં ધણીનું પેટ બળીને રાખ થઈ જાય : આંખેથી ચાર-ચાર ધારે આંસુડાં વરસાવે અને પછી સમસમીને બેસી જાય. કાળા માથાનો માનવી એવો જુલમ કરે તો માણસ એને બે વેણ સંભળાવે, એની સામે બાંયો ચડાવે, પરંતુ આ તો ડાલામથ્થો સાવજ ! એને કોણ કહેવા જાય કે ‘તારું મોં ગંધાય છે !’ એ તો રોજેરોજ બરડા ડુંગરની ઘટાટોપ ઝાડી કે કરાળ કંદરાઓમાંથી ઊઠે છે, આળસ મરડે છે, હાંજા ગગડાવી નાખે એવી ગર્જના કરે છે અને પછી છાતી તાણી, કેશવાળી ઝુલાવીને ધબધબ ડગલાં ભરતો ચાલ્યો આવે છે. બખરલાના સીમ-વગડામાં આવી, એક ગાયને મારી, નિરાંતે એનો ભક્ષ કરીને પછી લોહિયાળ મોઢે પાછો ચાલ્યો જાય છે. એને આવતો જોનારા એની સામે થવાનું તો ઠીક, ભાગ્યા પછી પાછું વળીને જોવાનું પણ વિચારે નહીં !

     બખરલાના એક મેર જુવાનને થયું કે આ સાવજનો રંજાડ ક્યાં સુધી સહન કરવો ? ક્યાં સુધી બખરલાની ગાયોને મરવા દેવી ? એની છાતીમાં શૂરાતન ચડી ગયું, અંગેઅંગમાં તરેરી ઊઠી ગઈ, આંખોમાં ઘોલર મરચાંની ભૂકી છંટાઈ ગઈ અને શેરને માથે સવાશેર થવા એ મરદ ચારેય પલ્લા ઝાટકીને ઊભો થઈ ગયો. એનું નામ વણઘો ઓડેદરો. ગેંડા જેવી ખડતલ જેની કાયા છે, હાથીના પગ જેવી જેની ભુજાઓ છે, ગજ-એક પહોળી જેની છાતી છે અને બરછી જેવી જેની મૂછ બંને છેડે જલેબીની માફક ગૂંચળું વળી ગઈ છે, એવો મરદ એ વણઘો ઓડેદરો ઊભો થઈને બોલ્યો : ‘બરડા ડુંગરનો એ કુતરો મારા જીવતાં જો ગામમાં આટલો રંજાડ કરી જાય તો તો મારી માએ નવ માસ સુધી ફોગટ ભાર ઉપાડ્યો !’

     આટલું બોલી વણઘાએ ખીંટીએથી ઊંટના પાંચળા જેવી તલવાર ઉતારી, કમરે કસી-કસીને પછેડીની ભેઠ બાંધી, માથા પર કાંસાના ભાણા જેવી મજબૂત પાઘડી પહેરી, પગમાં બબ્બે શેર વજનનાં જોડાં પહેર્યાં અને ધબધબ ડગલાં ભરતો એ ડેલીની બહાર નીકળ્યો. ગામને ચોરે ગયો. ચોરે બેઠેલા ડાયરાને કહ્યું : ‘ડુંગરના ફાટેલા કૂતરાને કડે કરવા જાઉં છું. કાં આભમાં ચંદરવા બાંધીશ ને કાં ધરતી માથે સોડ્ય તાણીને સૂઈ જઈશ.’

     ચોરે બેઠેલો ડાયરો તો વણઘાનાં વેણ સાંભળીને મોઢામાં આંગળા ઘાલી ગયો : સાવજ જેવા વિકરાળ જનાવર સામે કાંઈ બાથ ભીડવા જવાતું હશે? જંગલનું એ જોરૂકું જનાવર કોઈની સાંધ રાખે ખરું ? એકલદોકલ તો ઠીક, પણ સામટા જણ મળીનેય એની સામે થવાની હામ ન ભીડે. ગામલોકોએ એવી રીતે અનેક વખત એની સામે હુરિયો બોલાવી જોયો હતો. પરંતુ એ ડાલામથ્થા સાવજે તો લોકોના હુરિયા સામે જોવાની દરકાર પણ નહોતી કરી. હુરિયો બોલાવતા લોકોની બાજુમાંથી જ એ તો ધબધબ ડગલે ચાલ્યો જતો અને ગમે ત્યાંથી એક ગાયને મારી, નિરાંતે એનો ભક્ષ કરીને પછી પાછો એ જ ટોળીની બાજુમાંથી પસાર થઈ જતો. છતાં આટલા બધા લોકોની પણ એની સામે બાથ ભીડવાની જિગર ચાલતી નહીં. ત્યારે વણઘો એકલપંડે એની સામે બાથ ભીડવા જાય એ તો દેખીતી રીતે જ મોતના જડબામાં જવા જેવું હતું. એટલે ચોરામાં બેઠેલા ઘણા જુવાનોએ વણઘાને સલાહ આપી : ‘વણઘા ! એવા ઊંધા પાટા બાંધવા ઠીક નહીં; આ તો દીવો લઈને કૂવામાં પડવા જેવું તું કરી રહ્યો છે.’

     વણઘો કહે : ‘જુવાનો ! ક્ષત્રિયને મોઢે ફાતડા જેવી વાતું અરઘતી નેત. આજ ની તો કાલ, કાળના મોઢામાં તો સૌને જાવાનું જ છે, તો પછી છાતી કાઢીને જવાય એવું પરાક્રમ કેમ ન દેખાડતા જઈએ ?’

     પરંતુ ડાયરાને વણઘાના માથામાં ખોટો ધુમાડો ભરાયેલો લાગ્યો. ઐરાવત જેવા સપ્ત સૂંઢિયા  હાથીનાં પણ એક જ પંજામાં આંતરડાં ખેંચી કાઢનાર સાવજ સામે કાળા માથાનો માનવી બિચારો શી ધાડ મારી શકે ? એટલે ઉઘાડી આંખે કાળનાં કરાળ જડબાં ભણી ડગલાં માંડનાર વણઘો બધાને ચસકેલ મગજનો લાગ્યો. ઘણાએ એને પાછો વાળવા ભારે મથામણ કરી, પરંતુ એમ પારોઠનાં પગલાં ભરે તો-તો એ વણઘો શાનો ?  રમકડાંની પેઠે હાથમાં તલવાર રમાડતો-રમાડતો એ આગળ વધ્યો અને બખરલા ગામના વગડામાં પહોંચ્યો. ક્યારે સિંહ આવે અને ક્યારે પોતે પોતાનું પરાક્રમ દેખાડે એની રાહ જોતો તે એક ઢૂવાની આડે સંતાઈને બેસી ગયો

     ખરા બપોરનું ટાણું હતું. આકાશમાંથી અગ્નિનો મે વરસતો હતો. ચારેબાજુ ઝાળ ઝડફું મારી રહી હતી. ઊનાઊના વાયરા વાતા હતા. જે ઢૂવાની આડે વણઘો ઓડેદરો સંતાઈને બેઠો હતો, તેની આજુબાજુના એકાદ ગાઉના ઘેરાવામાં ક્યાંય માણસ નજરે પડતું નહોતું. ધણની ગાયોને રેઢી મૂકીને ગોવાળ ગામમાં ચાલ્યો ગયો હતો. વણઘો આતુરતાથી સાવજની રાહ જોઈ રહ્યો હતો.

     થોડી વાર થઈ ત્યાં ચરતી ગાયો મોઢાં ઊંચાં કરી, નાકના સુસવાટા બોલાવીને કંઈક સૂંઘવા લાગી. વણઘાને થયું કે ગાયોને સિંહની ગંધ આવી ગઈ છે. ગાયોના સંકેત એવું બતાવે છે કે સિંહ હવે આવતો હોવો જોઈએ. એથી એણે ઢૂવા આડેથી માથું એક બાજુ કરીને ઉગમણી દિશામાં નજર દોડાવી. વાત સાચી હતી : ડુંગરના અડાબીડ ગાળામાંથી ઊઠીને સાવજ મારણ માટે આવી રહ્યો હતો. સૂંડા જેવડું ડાલું ડોલાવતો, કેશવાળી ઝુલાવતો અને સાવરણા જેવી પૂંછડીનો વળ ચડાવતો સાવજ ધબધબ ડગલાં દેતો દેતો ઓરો ને ઓરો આવી રહ્યો હતો… ઢૂવા આડેથી વણઘા ઓડેદરાએ બરાબર નીરખીને એનું વિકરાળ સ્વરૂપ જોયું : ઓ બાપ રે !

        કેવી એની આંખ ઝબૂકે !

        વાદળમાંથી વીજ ઝબૂકે !

        જાણે બે અંગાર ઝબૂકે !

        હીરાના શણગાર ઝબૂકે !

        જોગંદરની ઝાળ ઝબૂકે !

        વીર તણી જંજાળ ઝબૂકે !

        ટમટમતી બે જ્યોત ઝબૂકે !

        સામે ઊભું મોત ઝબૂકે !

        ડુંગર જાણે ડાચાં ફાડે ! 

        જોગી જાણે ગુફા ઉઘાડે !

        જમરાજાનું દ્વાર ઉઘાડે !

        પૃથ્વીનું પાતાળ ઉઘાડે !

        બરછી સરખા દાંત બતાવે !

        લસલસ કરતી જીભ ઝુલાવે !

     આવા વિકરાળરૂપધારી સાવજને જોઈ ગાયો માથે પૂંછડાં લઈ ગામ તરફ ભાગી. ભાગતી ગાયોની ધડબડાટીથી ધરતી ગાજી ઊઠી. ખરીઓની ધૂળ ઊડવાથી ડમરીના ગોટેગોટા ચડ્યા. આકાશ ધૂંધળું બની ગયું. ભાગતી ગાયોની પાછળ સિંહે જબ્બર દોટ મૂકી. છ-છ વામ લાંબી છલાંગો દેતા સિંહે જોતજોતામાં તો ગાયોને આંબી લીધી. સહુથી પાછળ રહેલી ગાય પર આગલા બે પગની જોરદાર પ્રાછટ દીધી. એક જ પ્રાછટમાં ગાય ઢગલો થઈ ગઈ. તેની જીભ બહાર નીકળી ગઈ અને ડોળા ફાટી ગયા. સિંહ નિરાંતે એનો ભક્ષ કરવા બેઠો. વણઘાના અંગેઅંગમાં કારમી ધ્રુજારી ફરી વળી. પરંતુ તેણે તો સિંહને મારવા કે એની સાથે બાથ ભીડીને ખપી જવાનો પાકો નિર્ધાર કરી લીધો હતો. તમામ હામ એકઠી કરીને એ ઢૂવા આડેથી ઊભો થયો. જ્યાં સિંહ નિરાંતે બેસીને ગાયનો ભક્ષ કરી રહ્યો હતો, એ તરફ ડગલાં માંડ્યાં. તલવારની મૂઠમાં આંગળીઓના સજ્જડ આંકડિયા ભીડી લીધા. ગાયનો ભક્ષ કરી રહેલા સિંહનું ધ્યાન વણઘા તરફ ગયું. પોતાના તરફ આ કોણ માથાફરેલો આદમી આવે છે એ જોવા સિંહે ભક્ષ કરવાનું છોડી ઊંચી ડોક કરી. ધગધગતા અંગારા જેવી તેની આંખો વણઘા માથે મંડાણી. વણઘાને ચેતવવા માટે તેણે કાળની કરાળ કંદરા જેવું જડબું ફાડીને હૂકવાટો કર્યો. તેના ભીષણ હૂકવાટાથી ડુંગર ધણેણી ઊઠ્યા. દિશાઓ ગાજી ઊઠી. વૃક્ષોને પાંદડે-પાંદડે થરેરાટી બોલી ગઈ. પરંતુ વણઘો જરાય ડગ્યો નહીં. પોતાના મારગમાં ન આવવા સિંહે એને બીજી વાર, ત્રીજી વાર, એમ અનેક વાર ચેતવ્યો. પરંતુ માથા પર ખપ્પર બાંધીને નીકળેલા વણઘાએ એની જરા પણ દરકાર ન કરી. તેથી સાવજ ભારે આકરો થયો. તેના રોમેરોમમાં જાણે લાય ફરી વળી. ભક્ષ પડતો મેલીને તે ઊભો થયો. અગિયારેક હાથ લાંબો, ગોળા જેવડું ડાલું, થાળી-થાળી જેવડા પંજા, ગેંડાની ઢાલ જેવડી છાતી અને કોળીમાં આવે એવડી કડ ! આવા વિકરાળ એ સાવજે ઊભા થઈને પૂછડાનો ઝૂડો માથે લીધો. પગની ખડતાલ મારીને ધૂળનાં ડમ્મર ચડાવ્યાં. અને પછી ‘ઘે ! ઘે ! ઘે !’ કરતો ધખીને વણઘા તરફ દોડ્યો… એક લા નાખી, બીજી લા ને ત્રીજી લાએ વણઘાની પાસે આવી પહોંચ્યો. વણઘાએ બરાબર સાવધાની દાખવીને પોતાની પાસે આવી પહોંચેલા સાવજ પર સોઈ બેથાડીને તલવારનો ઘા ઝીંક્યો, પરંતુ સાવજ પાછો હઠીને તલવારનો ઘા ચૂકાવી ગયો. પાછા હઠીને એણે વણઘાને ફાડી ખાવા ફરી દોટ દીધી. એટલી જ ઝડપ અને સાવધાનીથી વણઘાએ ફરી વખત તલવારનો ઘા દીધો. આ વખતે પણ સાવજ ઘા ચૂકાવી ગયો. આ બીજી વખતનો ઘા એટલો તો વજનદાર હતો કે સાવજ જો એની હડફેટે ચડી ગયો હોત તો એનાં બે ફાડિયાં જ નક્કી હતાં ! પરંતુ સાવજ ચાલાકીથી એ ઘા ચૂકાવી ગયો. તેથી તલવાર જમીન પર પડી અને અર્ધો ફૂટ ઊંડી ઊતરી ગઈ. જમીનમાં ખૂંપી ગયેલી તલવાર કાઢીને વણઘો ત્રીજી વખત વાર કરવા જાય તે પહેલાં સાવજ હડી કાઢીને વણઘા પાસે પહોંચી ગયો અને પોતાના બે પગ ઊભા કરીને તેના પેટ પર જોરદાર થાપો મારી દીધો. વણઘાના પેટમાંથી આંતરડાં બહાર ડોકિયું કરી ગયાં. સાવજે પોતાના નહોર વણઘાના પેટમાં ઊંડે સુધી ખોસી દઈને મોઢેથી એને ફાડી ખાવા કરાળ કંદરા જેવું જડબું ફાડ્યું. વણઘાનું મોત હવે સાવ નજીકમાં જ ઊભું હતું. પરંતુ તલવારની મૂઠ એના હાથમાં સજ્જડ રીતે ઝલાયેલી હતી. પોતાને ફાડી ખાવા માટે ડોક નીચી કરનાર સાવજનું ઢીમ ઢાળી દેવાનો એને બરાબરનો જોગ બેસી ગયો. પોતાની છાતી પર ઢળકી આવેલી સાવજની કેશવાળીને ડાબા હાથમાં પકડી, આંગળીઓમાં વળ ચડાવીને પછી જમણા હાથમાં રહેલી તલવારનો એની ગરદન પર સોઈ બેથાડીને ઝાટકો દીધો. તલવાર સાવજની ગરદનમાં અરધે સુધી બેસી ગઈ. લોહીની ભખભખાટી બોલી. ડોળા ફાટી ગયા. પકડ ઢીલી થઈ ગઈ અને ઘડીકમાં એ માથું નાખીને ધરતી પર ઢળી પડ્યો.

     વણઘાના પેટમાંથી સાવજના નહોર બહાર નીકળતાં દશદશ કાણામાંથી રાતીબંબોળ દંદૂડીઓ ફૂટી પડી. માથામાં તમ્મર ચડી ગયાં. આંખો બહાર નીકળી આવી. શક્તિ હણાઈ ગઈ. ભાન રહ્યું નહીં. જોતજોતામાં એનું પીંજર છોડીને હંસલો ઊડી ગયો. કેસરીને મારીને એ નરકેસરી મરાણો. એના આ દુહા છે :

      માનવ સામે મલકમાં, બીડે સઘળાં બાથ;

      હાંક્યો તેં તો હાથ, વનરાજ માથે વણઘિયા !

    (માણસ સામે માણસ લડે એવા કિસ્સા તો જગતમાં સેંકડો જોવા મળે, પરંતુ હે વણઘા ઓડેદરા ! તું તો વનના રાજા સાવજ સામે લડ્યો !)

   માનવ તું મેંગળ સમો, સાચો શેર-ગીર;

   હણી નાખ્યાં હીર, વનરાજ કેરાં વણઘિયા !

 (હે વણઘા ઓડેદરા ! તું હાથી જેવો માણસ ગણાયો અને એ પણ કેવા હાથી જેવો ? સિંહ સામે આખડે એવા શેર-ગીર હાથી જેવો ! કેમ કે તેં સિંહ સામે લડીને એનાં હીર હણી નાખ્યાં છે અર્થાત્ એને મારી નાખ્યો છે.)

   રાન-વગડાનો રાજવી, ગોઝારો ગૌ-માર;

   તોળીને તલવાર, વેડી નાખ્યો વણઘિયા !

 (રાન-વગડાનો રાજવી સિંહ કે જે બરડા ડુંગરમાં ઊતરીને ગાયોનો મારનાર-ગોઝારો બન્યો હતો, તેને હે વણઘા ઓડેદરા ! તેં તલવારથી મારી નાખ્યો.)

   બખલા તણા બંકડા, મરદ વણઘા મેર;

   શેર મથ્થે સવાશેર, કે’વત તેં સાચી કરી.

 (હે બખરલા ગામના બંકડા ! હે મરદ વણઘા મેર ! ‘શેરને માથે સવાશેર’ હોય છે એ કહેવત તેં સાચી કરી બતાવી.)

     સાવજનો સંહાર કરનાર વણઘાને લોકોએ પોરસથી ‘સાવજ’નું ખમીરવંતુ બિરૂદ આપ્યું અને જે સ્થળે સાવજનો સંહાર કરીને એ કામ આવ્યો, ત્યાં એની ખાંભી ખોડી. બખરલા ગામની સીમમાં એ ખાંભી હાલ પણ મોજૂદ છે. લોકો એને ‘સાવજ-ખાંભી’ નામે ઓળખે છે.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *