જૂનાગઢના રા’ મહિપાળ (ત્રીજા)નો પ્રધાન મોતીશા પ્રજાને ભારે ત્રાસ આપતો હતો. જેને કારણે રા’ની પ્રતિષ્ઠા દિન પ્રતિદિન ઝાંખી પડતી જતી હતી. કોટડા ગામના કેટલાક કાઠીઓ રા’ના વફાદાર સિપાઈઓ હતા. તેમણે પ્રજા પરના મોતીશાના ત્રાસ અંગે રા’ને વાકેફ કર્યા. છતાં રા’એ એ તરફ કોઈ ધ્યાન આપ્યું નહી. તેથી કાઠી સિપાઈઓએ રા’ સામે બળવો કર્યો. મોતીશા સૈન્ય લઈને તેઓની સામે ચડયો પણ એમાં તે ભૂંડી રીતે હારી ગયો. મોતીશાના સૈન્યને કાઠીઓએ છિન્નભિન્ન કરી નાખ્યુ અને રા’ના ઢાંક પરગણા પર કબજો જમાવી દીધો. રા’ પ્રબળ સૈન્ય લઇને કાઠીઓ પર ચડી ગયા. ભાદરને કાંઠે રા’ના સૈન્ય અને કાઠીઓ વચ્ચે ઘમસાણ જામ્યું. એમાં કેટલાંય કાઠીઓ મરાઈ ગયા અને બાકીના જીવ લઇને ભાગી છૂટયા.
રા’ના સૈન્ય સામે પરાજિત થઈને ભાગી છૂટેલા કાઠીઓમાં રા’ સામે બળવો ઉઠાવનાર જે મુખ્ય કાઠી હતો તે ભાગતો ભાગતો ઓડદર ગામે પહોંચ્યો અને મુંજા ઓડેદરા પાસે શરણું માગ્યું. મેરનો દીકરો શરણે આવેલાને શરણું આપવાની ના કેમ પાડે ? મુંજાએ કાઠીને શરણું આપ્યું અને પ્રેમથી પોતાના ઘરે રાખ્યો.
જૂનાગઢમાં રા’ મહીપાળને જાણ થઈ કે પોતાના શત્રુને ઓડદર ગામમાં મુંજા ઓડેદરાએ શરણું આપ્યું છે. તેથી તેણે પોતાના એક ઘોડેસવાર સિપાઈને મુંજા પર લખેલો જાસો દઈને ઓડદર ગામે મોકલ્યો. રા’નો ઘોડેસવાર સિપાઈ જાસો લઇને ઓડદર ગામે આવ્યો. અને મુંજાના હાથમાં જાસો આપ્યો. મુંજાએ તે વાંચ્યો. એમાં રા’ના નામ સાથેની ખુલ્લી ધમકી હતી. લખ્યું હતું કે : ’મુંજા ! અમને જાણ થઈ છે કે અમારા શત્રુને તેં શરણું આપેલું છે. રાજના શત્રુને શરણું આપીને તેં ઠીક નથી કર્યુ. માટે કાં તો અમારા શત્રુને સોંપી દેજે. અથવા જૂનાગઢની ફોજ સામે ધીંગાણું કરવા તૈયાર રહેજે.
જૂનાગઢના રા’નો જાસો વાંચીને મુંજો ઓડેદરો ઘડીભર તો અવઢવમાં પડી ગયો. જૂનાગઢની ફોજ સામે ધીંગાણું માંડવું એતો દેખીતી રીતે જ આભ સામે બાથોડાં લેવા જેવું હતું. અને શરણે આવેલા શરણાગતને સોંપીદે તો શરણાગતધર્મ પર આળ ચડે. પણ આ તો મુંજો ઓડેદરો ! સેશૂદ મેરાણીનું ધાવણ ધાવીને ઉછરેલો મેર ! ખરો ક્ષત્રિય બચ્ચો ! એનો છાતીલેખ તો એક જ હતો અને તે આ :
સોંપે ના શરણે ગયો, રૂડી મેરની રીત;
મરે તોયે મેલે નહીં, ખત્રી હોય ખચીત.
(શરણે આવેલા શરણાગતને ન સોંપવો એ મેરની રૂડી રીત છે. જે મેર ખરો ક્ષત્રિય હોય તે પ્રાણના ભોગે પણ એ રીત મૂકે નહિ.)
મુંજા ઓડેદરાએ જાસો લઈને આવેલા રા’ના ઘોડેસવાર સૌનિકને જણાવ્યું : ‘જા, તારા રા’ને જઈને કહી દે કે, મુંજા ઓડેદરાએ શરણાગતને સોંપવાની ઘસીને ના પાડી દીધી છે. એણે જૂનાગઢની ફોજ ઓડદર માથે ઉતારવી હોય તો સારપથી ઉતારે, અમે અમારાથી બનતું એનું સામૈયું કરીશું’.
મુંજા ઓડેદરાનો જવાબ સાંભળીને જૂનાગઢનો સિપાઈ તો ચાલ્યો ગયો પણ ઓડદરના લોકોએ મુંજા ઓડેદરાના ઘરે આવીને એને ઠપકાભરી સલાહ આપી : ‘મુંજા, ઊડતી અલ્લાને આશરો આપીને તેં ઠીક નથી કર્યુ. જૂનાગઢ સામે વેર ઊભું કરવું આપણને પાલવે એમ નથી. તેં વસાવેલું ગામ તું તારા પોતાના હાથે જ ઉજજડ કરવા તૈયાર થયો છે’.
મુંજા ઓડેદરાને તો એક બાજુ શરણાગતધર્મ અને બીજી બાજુ પ્રજાધર્મ હતો. બંનેમાંથી કયો ધર્મ પાળવો? કયો જતો કરવો ? લોકોને શો જવાબ દેવો ?
મુંજાને છ પત્નીઓ હતી. એમાં પાંચ રાણાવાયા શાખાની મેરાણીઓ હતી. તેમનાં કે જે નામ બારોટના ચોપડે નોંધાયેલા છે તેમાં (૧) વીરા રાણાવાયાની દીકરી બીનીબાઈ (ર) વેજા રાણાવાયાની દીકરી મુંધીબાઈ (૩) કરશન રાણાવાયાની દીકરી રૂપીબાઈ (૪) ભોજા રાણાવાવાયની દીકરી ધનીબાઈ (પ) લુંધા રાણાવાયાની દીકરી દેવીબાઈ અને (૬) કે જે બારોટના ચોપડે વીરબાઈને મેઘજી સોઢા (પરમાર) ની દીકરી બતાવી છે. અને તેમાં એવું પણ લખ્યુ છે કે (મુંજા ઓડેદરા સાથેનાં લગ્ન વખતે મેઘજી સોઢાએ બારોટને સોનાનાં કડાં, વીસ ભેંસો અને ફટાણા ગામે ચાર સાંતીની જમીન દાનમાં આપેલ.) જયારે મુંજા ઓડેદરા એક બાજુ શરણાગતધર્મ અને બીજી બાજુ પ્રજાધર્મ આ બંને ધર્મ પ્રત્યે મુંઝવણ અનુભવતો હતો કે કયો ધર્મ પાળવો ? આવા જે સમયે સોઢા (પરમાર) શાખાની રજપૂતાણી પત્ની હતી અને જેનુ નામ વીરબાઈ હતું, તે ત્યાં આવી અને લોકોને કહ્યુ : ‘જુઓ, શિબિરાજાએ શરણે આવેલા હોલાને નહોતો સોંપ્યો તેમ અમારા સોઢા પરમાર રાજપૂતના ઘરવાળાં જોમબાઈએ પણ શરણે આવેલ તેતરને નહોતો સોંપ્યો. એને કારણે ચભાડો અને સોઢાઓ વચ્ચે ધીંગાણું થયું હતું. એ ધીંગાણામાં પાંચસો ચભાડ રાજપૂતો અને એકસો ચાળીસ સોઢા(પરમાર) રાજપૂતો કપાઈ ગયા હતા. એ ઘટના તો હજી હમણાંની જ છે. એનો આવો દુહો પણ જાડાયો છે :
પડયા ચભાડ પાંચસે, સોઢા વીસું સાત,
એક તેતરને કારણે, અળ રાખી અખિયાત.
લોકો જો શરણે આવેલ પક્ષીઓને પણ સોંપતા ન હોય તો અમારે શરણે તો એક માણસ છે. અમારાથી એને કેવી રીતે સોંપાય ? વીરબાઈનો જવાબ સાંભળીને ગામ લોકો તો જતા રહ્યા, પરંતુ મુંજા ઓડેદરાને લાગ્યું કે શરણાગતધર્મને આંચ ન આવે એ રીતે પ્રજાધર્મ પણ બજાવવા જોઈએ. એ માટેનો કેવળ એક જ રસ્તો હતો : મમાઈ માતાજીના મંદિરે જઈને કમળપૂજા કરવી. (કમળપૂજા એટલે તલવાર વડે પોતાના હાથે જ પોતાનું માથું ઈષ્ટદેવને ધરવું) મુંજાએ કમળપૂજા કરવાનો સંકલ્પ કરી નાખ્યો અને એ સંકલ્પ સાથે તે બરાબર અધરાતે મમાઈ માતાજીના મંદિરે પહોંચ્યો. મમાઈ માતાજીની સ્તુતિ કરીને પોતાનું માથું ઉતારવા એણે જયાં તલવાર ઉઠાવી ત્યાં ‘મા ! મા !’ એવા ‘મા’ કારા સંભળાયા. એ અવાજ સ્ત્રીનો હતો. અને તે એમ કહેતો હતો કે ’કમળપૂજા મા કર ! કમળપૂજા મા કર !’
‘મા’ કારા સાંભળીને મુંજો કમળપૂજા કરતો અટકયો અને તેણે આજુબાજુ નજર કરી, પરંતુ કોઈ કહેતાં કોઈ જોવામાં ન આવ્યું. તેથી મુંજાને ખાતરી થઈ કે ’મા’ કારા ખુદ મમાઈ માતાજીએ જ કરેલા. પરંતુ પોતે કમળપૂજા કરવાનું માંડી વાળે તો પોતાના ધર્મનું શું ? એટલામાં ફરી અવાજ આવ્યો : ’મુંજા ! શરણાગત ધર્મ છોડવાને બદલે તું કમળપૂજા કરવા તૈયાર થયો છે તે જાણી ને હું તારા પર ખૂબ જ પ્રસન્ન થઈ છું. પણ તારે કમળપૂજા કરવાની કોઈ જરૂર નથી. હું મમાઈ તારી સાથે જ છું. તારા શરણાગત ધર્મને ઊની આંચ પણ નહીં આવવા દઉં.
‘પણ મા !’ મુંજા ઓડેદરાએ બે હાથ જોડીને પૂછયું : ‘હું એકલો જૂનાગઢની જબ્બર ફોજ સામે કેવી રીતે ઝીંક ઝીલી શકીશ ?’
‘મુંજા ! તારે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જૂનાગઢની ફોજ ચડી આવે તો તું તેની સામે થજે. ફોજના દરેક સિપાઈને બસો બસો મુંજા દેખાશે. તેથી ફોજ ડરીને લડયા વિના જ પાછી ફરી જશે.
મમાઈ માતાનો આવો જવાબ સાંભળીને મુંજો નચિંત બની ગયો. ઘરે જઈને નિરાંતે સૂઈ ગયો.
સવાર પડી અને સૂરજ ઊગીને હજી જયાં રાશ-વા ઊચો ચડયો ત્યાં ઉગમણી બાજુથી રા’ની ફોજ કળાણી. મુંજાએ ઓટલા પર ચડીને જોયું તો ઘોડાં રપટગતિએ દોડતાં આવે છે. ડાબલાના અવાજ ગાજતા આવે છે. ધૂળનાં ડમ્મર ઊડતાં આવે છે.. રોગો રણપટિયો બોલતો આવે છે.
ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના મુંજાએ ઘરમાં જઈને ભીંતે ટીંગાતી બંને તલવારો લીધી અને ’જય ભવાની’ એમ બોલીને ઓડદર બાજુ આવતી ફોજ સામે દોટ મેલી…. એકાદ ખેતર-વા પહોંચતાં ફોજ સાથે તેનો ભેટો થઈ ગયો.
પણ આ શું ? સામેનું દ્ર્શ્ય જોઈને જૂનાગઢની ફોજના સિપાઈઓ દંગ બની ગયા. એકને બદલે બસો બસો મુંજા બબ્બે તલવારો રમાડતા સામે ઊભા હતા. એકસરખા શરીરના બાંધા, એકસરખાં કપડાં અને એક જ સરખા ચહેરા-મહોરા ધરાવનાર બસો મુંજાઓને જોઈને જૂનાગઢની ફોજના સિપાઈઓ એકદમ ડરી ગયા અને લડયા વિનાજ પાછા ફરી ગયા.
મમાઈ માતાજીએ મુંજા ઓડેદરાના શરણાગત ધર્મ અને પ્રજાધર્મ એમ બંનેમાંથી એક પણ ધર્મને ઊની આંચ ન આવવા દીધી.
લેખક : ભરત બાપોદરા
સંકલન : વિરમભાઈ આગઠ, ગોસા (ઘેડ)
નોંધ :- ઓડદર ગામના ઓડેદરા વંશના મુંજા ઓડેદરાની વ્હારે મમાઈ માતાજી આવતાં તેમણે શરણાગતધર્મ અને પ્રજાધર્મ બંને નિભાવ્યાની આ કથામાં આવતી વાત બળેજના ગામમાં વસતા અત્યંત જૈફ વયના અને ઈતિહાસનું ઊંડું જ્ઞાન ધરવતા નરબત ભીમા ઓડેદરા પાસેથી સાંભળી છે. નરબત આતાને એ વાત વર્ષો પહેલાં એક બારોટે કહી હતી. નરબત આતા એ બારોટનું નામ ભુલી ગયા છે. તેમને જૂનાગઢના રા’નું નામ પણ યાદ નથી રહ્યું. તેથી લેખક ભરત બાપોદરાને જૂનાગઢનો ઈતિહાસ તપાસવો પડલો અને તેમાં રા’મહીપાળ(ત્રીજા)નો સમય મુંજા ઓડેદરાના સમયને મળે છે આમ આ વાત લેખક ભરત બાપોદરા લિખિત ‘ઓડેદરા વંશપ્રકશ’ પુસ્તકમાંથી પ્રાપ્ત થઈ હોય તે અત્રે સાભાર પ્રસ્તુત કરેલ છે.
No Comments