શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક શાળાના શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે તે માટે બરડા વિસ્તારના ફટાણા ગામ ખાતે શ્રીમતી માલીબેન રાણાભાઇ પબાભાઇ ઓડેદરા પ્રાથમિક શાળા ખાતે એક નવતર પ્રયોગ દ્વારા શિક્ષણ સજ્જતા કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવેલ હતો. મા સરસ્વતીની પ્રતિમા સમક્ષ દીપ પ્રગટાવી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી શાળાના શિક્ષકો દ્વારા સ્વાગત કરવામાં આવેલું હતું.
આ તકે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાએ પોતાના  પ્રાસંગિક વક્તવ્ય જણાવેલું કે બાળકના ઘડતરમાં પરિવાર બાદ પ્રાથમિક શાળાનો ખૂબ મહત્વનો ભાગ રહેલો છે. પ્રાથમિક શાળામાં ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે શાળાપરિવાર તેમજ શાળામાં રચિત એસ.એમ.સી સમિતિની જવાબદારી આવે છે. સ્થાનિક કક્ષાએથી શાળાપરિવાર તેમજ એસ.એમ.સી. સમિતિમાં, માતા પિતામાં જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવાની ખાસ જરૂરિયાત રહે છે. શાળાના શિક્ષકો અને એસ.એમ.સી.ના સભ્યો સક્રિય બને તો ચોક્કસપણે બાળકોમાં શિક્ષણની જાગૃતિ આવશે અને કારકિર્દીરૂપ શિક્ષણનું ઘડતર પણ થશે. ખાસ કરીને ધોરણ 5 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું વર્ષ ખૂબ જ મહત્વનું હોય છે અને તેમાં પણ ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોમાં વિદ્યાર્થીઓનો પાયો મજબૂત બને તો તેમની કારકિર્દીમાં ચોક્કસ ફાયદો થશે. આ માટે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા ગ્રામ્ય કક્ષાએ શિક્ષણ સજ્જતા કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે. આ સમગ્ર કાર્યક્રમની જવાબદારી આપણા શિક્ષણ તજજ્ઞ શ્રી જીવાભાઇ દાસાએ ઉપાડેલ છે. શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ આ શિક્ષણ સજ્જતા કાર્યક્રમને આર્થિક સહયોગ આપશે. ફટાણા અને આસપાસના વિસ્તારના ધોરણ 5 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જોડાવા તેમજ વાલીને પણ આ બાબતે સાથ સહકાર આપવા આહવાન કરેલ.

જેમના માર્ગદર્શન હેઠળ આ શિક્ષણ સજ્જતા કાર્યક્રમ શરૂ થવા જઇ રહ્યો છે એવા નિવૃત્ત શિક્ષણ અધિકારી અને આજીવન શિક્ષક એવા શ્રી જીવાભાઇ દાસા દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઘડતરમાં પ્રાથમિક શિક્ષણનો અમૂલ્ય ફાળો રહેલો છે જે વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતર માટે ધોરણ ૫ થી ૮ માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી તેમજ કમ્પ્યુટર જેવા વિષયોનું પાયાનું શિક્ષણ મળી રહે તેના માટે ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક આગેવાનો,  વાલીગણ તેમજ શાળામાં જાગૃતિ આવવી ખૂબ જ આવશ્યક છે આ બાબતે ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા શિક્ષણ સજ્જતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે તેના સંદર્ભે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને કમ્પ્યુટર જેવા મુખ્ય વિષયોના શિક્ષકો દ્વારા ફટાણા તેમજ આસપાસના વિસ્તારોના બાળકોને દરરોજ એક એક કલાકનું ગુણવત્તા સભર શિક્ષણ આપવામાં આવશે અને આ શિક્ષણ પણ વિનામૂલ્યે ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના આર્થિક સહકારથી આપવામાં આવશે. આ બાબતે સ્થાનિક કક્ષાએ જાગૃતિ આવે તેમજ વાલીઓ પણ જાગૃત થાય  અને પોતાના બાળકોને આ શિક્ષણ સજ્જતા કાર્યક્રમ સાથે જોડી અને તેમના શિક્ષણના પાયાના ઘડતર માટે સક્રિય સહકાર આપે તેવો અનુરોધ કરેલ હતો. ટુંક સમયમાં આ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. આજના આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા, શિક્ષણ તજજ્ઞ શ્રી જીવાભાઇ દાસા, ફટાણા  ઓવરસીઝ વેલફેર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી નાગાજણભાઇ ઓડેદરા, ફટાણા ગામના સરપંચશ્રી કરશનભાઇ ઓડેદરા, સ્થાનિક વ્યવસ્થાપક સમિતિના સભ્યશ્રી ભીમાભાઈ મોઢવાડિયા,ફટાણા કન્યા શાળાના આચાર્ય નિમુબેન સાદીયા, સ્થાનિક શાળાના આચાર્ય હિતેશભાઈ અપારનાથી, શ્રી મહેર સુપ્રીમ કાઉન્સિલના વ્યસનમુક્તિ સમિતિના સભ્ય રામભાઇ ઓડેદરા, શિક્ષકગણ તેમજ બહોળી સંખ્યામાં માતા પિતા હાજર રહ્યા હતા અને અને હાજર રહેલા તમામ લોકોએ આ શિક્ષણ સજ્જતા કાર્યક્રમને આવકાર્યો હતો તેમજ આ કાર્યક્રમની સફળતામાં પુરતો સાથ-સહકાર આપશે તેવું સર્વાનુમતે જણાવેલ હતું.આ શિક્ષણ સજ્જતા કાર્યક્રમનું સ્ટેજ સંચાલન શાળાના ઉપાચાર્ય રમેશભાઈ કંટારિયાએ કર્યું હતું.
– માહિતીસોર્સ: IMSC કાર્યાલય

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *