by ભરત બાપોદરા
બખરલા ગામમાં ખૂંટી મેરના એક ખોરડાને કંગાલિયત જાણે અજગરની જેમ ભરડો લઈ ગઈ છે ! માંડમાંડ કરીને જ્યાં એક સાંધે ત્યાં બીજાં તેર તૂટે એવો દયનીય ઘાટ ઉંદરની જેમ ઘરમાં હડિયાપાટી કરે છે. જમીન-જાયદાદને નામે તો હડૂસ મીંડું પડેલું છે. પારકા ગોલાપા કરીને દહાડા ખેંચે છે. પતિ-પત્ની બંનેની અવસ્થા સાઠી વટાવી ગઈ છે. કામ કરતાં તો હવે પગના ગુડા વળી જાય છે. અંગેઅંગમાં કાળી લા બળે એવી કળતર ઊપડે છે. લલાટમાં સંતાન-સુખ ઘણું મોડું લખ્યું હશે. પરણ્યાને પચીસ-પચીસ વરસનાં વહાણાં વાઈ ગયા પછી બાઈને પેટે દિવસો ચડ્યા, તેથી એણે રન્નાદે આગળ આરદા કરી કે ‘ ખોળાનો ખૂંદનાર દ્યોને, રન્નાદે ! વાંઝિયાં-મેણાં માતા દોયલાં !’ અને એ પછીને બીજે વરસે બાઈને પેટે ઓધાન રહ્યું ને નવ માસે દેવના કુંવર જેવો દીકરો અવતર્યો. દેવનો દીધેલ હોવાથી એનું નામ દેવો રાખ્યું. દેવ જેવા દીકરાના મુખડા પર ઊઘડેલાં દૈવત પીતાં બંનેની આંખો ધરાતી નથી. પેટે પાટા બાંધીને બંને એનો ઉછેર કરે છે. પણ ઘરમાં જ્યાં હાંલ્લાં હડિયું કાઢતાં હોય, ત્યાં ઘણી વખત તાવડી પોરો ખાઈ જતી હોય છે. એ વખતે બંને પતિ-પત્ની અક્કેક-બબ્બે દા’ડાનાં લાંઘણ ખેંચીને, ચપટી-મુઠ્ઠી બાફેલા ચણાથી દીકરાના પેટની આગ ઠારે છે. નાનકડા દેવાથી મા-બાપનાં લાંઘણ જોઈ શકાતાં નથી, એટલે ઘણીવાર તે છાને ખૂણે જઈ, ખોબે આંસુ પાડીને હૈયાનો ભાર હળવો કરી લ્યે છે. પણ આમ ક્યાં સુધી ? માએ નવનવ માસ સુધી ભાર વેંઢાર્યો, પિતાએ પાળી-પોષીને આવડો મોટો કર્યો ને તે છતાં પોતે ટાંટિયા વાળીને એદીની જેમ બેસી રહે ? મા-બાપનો બોજો હળવો કરવા પોતે કાંઈ ન કરે ?-એવા વિચારે એનું મન ચકરાવે ચડે છે. એમાં એક દિવસ દેવાને સોલો ચડ્યો. જેને હજુ ઊગ્યા-આથમ્યાની ખબર જ નથી, એવો એ નવ વરસનો બાળ કુંવરડો મા-બાપને અંધારે રાખીને ચૂપચાપ ઘરેથી નીકળી ગયો. પોતાનાં માવતરનું દુ:ખ કેમ હળવું થાય, એનાં લાંઘણ કેમ મટે-એવા વિચારોમાં મગજ દોડાવતો-દોડાવતો એ બારાડી પરગણાના મોટા આસોટા ગામે પહોંચી ગયો. અપ્સરાની ગુલાબી હથેળી સમા આસોટા ગામમાં આ સમયે કાંબલિયા શાખના ગજાદાર સોરઠિયા આહીરો વસવાટ કરે છે. એવા એક ગજાદાર કાંબલિયા આહીરને આંગણે જઈ દેવો ઊભો રહ્યો. પાડાની કાંધ જેવી બસો વીઘા જમીનનો ધણી એવો એ અડાબીડ આહીર ઓટલીની કોરે બેઠોબેઠો પોતાની જાજરમાન આહીરાણી સાથે વહેવારિક વાતો કરી રહ્યો છે. પોતાના તરફ એ આહીરનું ધ્યાન પડતાં જ દેવો બોલ્યો : ‘આતા ! મારે સાથીપો કરવો છે.’ ‘તારે સાથીપો કરવો છે ? પણ શા કારણે, દીકરા ?’ નાનકડા છોકરા ભણી હેતાળ નજર કરીને આહીરે અચરજભર્યો સવાલ કર્યો. ‘મારાં માવતર ઘણાં જ ગરીબ છે. એમને ઘણીવાર બબ્બે-ત્રણ ત્રણ દિવસનાં લાંઘણ ખેંચવા પડે છે. મારાથી એમનું દુ:ખ જોવાતું નથી.’ દેવાએ ગળગળા થઈ જવાબ આપ્યો. નાનકડા દેવાના આ જવાબમાં આહીરે મા-બાપનું ઋણ ફેડવાની તેની અપાર ભાવના નીતરતી જોઈ. પણ સાથીપો કરવા જેવડી હજુ તેની ઉંમર ક્યાં હતી ? તેથી જણાવ્યું : ‘દીકરા ! તારા મોઢામાં હજુ તો દૂધ ફોરે છે. તારાથી ખેતીનું ભારે કામ કેમ થઈ શકશે ? એના કરતાં તું એમ કર : હું તને થોડા પૈસા આપું તે તારા મા-બાપને દેજે.’ ‘આતા !’ નાનકડો દેવો બોલ્યો : ‘હું મેરનો દીકરો સે. મેરનો દીકરો કોઈ પાસેથી મફતનું નો લ્યે .’ નાનકડા દેવાની આવી ખુમારી જોઈ આહીરનાં પાંસળાં પહોળાં થઈ ગયાં. આટલી નાની ઉંમરનો છોકરો મફતનું લેવા રાજી નથી એ બીના એના આતમ-કળશને અમીથી ભરી ગઈ. ઉદાર દિલના એ આહીરે દેવાના માથા પર હાથ ફેરવીને કહ્યું : ‘દીકરા, તું સારપથી મારા ભેળો રહે. મારે તારી ઉંમરનો એક જ દીકરો છે. બેય સાથે રે’જો ને થાય એટલું કામ કરજો.’ દેવો આહીર ભેળો રહી ગયો. આહીરના દીકરા સાથે એનો એવો જીવ મળી ગયો કે થોડા દિવસમાં તો બંનેમાંથી કોઈને એકબીજા વગર ચાલે નહીં એવી ભાઈબંધી બંધાઈ ગઈ. જોનારને તો એમ જ લાગે કે બંને જાણે બેલડાના ભાઈઓ ન હોય ! રોજ સવારમાં વહેલા ઊઠીને બંને વાડીએ જાય. દેવો તો વાડીએ પહોંચતાની સાથે જ કામે લાગી જાય. ઢોરને પાણીએ કરે : લીલીલીલી ગદપ વાઢીને નીરે : વાસીદું વાળીને ઢોરનાં અથાણો ઊજળાં ફટાક કરી નાખે : એકાંતરે બળદોને ધમારે : બળદોના શરીરેથી બગાયું ચૂંટે : ફેલફગે પડેલાં ખેત-ઓજારો સાચવીને ઠેકાણે મૂકે અને પોતાથી થાય એવાં ખેતીનાં બીજાં તમામ કામમાં પોતાનો હક અદા કરે. જ્યાં જ્યાં દેવાનો હાથ અડે ત્યાં ત્યાં જાણે મોતીડાં હસે. નાનકડા દેવાનું ફૂલફટાક કામ જોઈને ખંતિયા આહીર ખેડૂતનો હરખ માતો નથી. મોટોમોટો મુસારો લઈને સાથીપો કરનારા એના એક પણ સાથીએ આવું ફૂલફટાક કામ તો ક્યારેય નહોતું કર્યું. દેવાની સાચી દાનત અને એનું ફૂલફટાક કામ જોઈને આહીરે એને સગા દીકરાની તોલે ગણી લીધો. કોઈ પૂછતું તો આહીર કહેતોય ખરો : ‘મારે એક નહીં, મારે તો બે દીકરા છે !’ સમયને જાતાં કાંઈ વાર લાગે છે ? અગિયાર-અગિયાર વરસ તો જાણે પાણીના રેલાની માફક પસાર થઈ ગયાં. ખેતીની આકરી મહેનત અને નવરાશની પળોમાં ખેલાતી પટ્ટાબાજીની રમતને લીધે સુદૃઢ બનેલા બંને છોકરાઓના દેહમાં હવે જુવાનીનો રંગ ગુલાબી ઝાંય મારવા લાગ્યો છે. માછોલિયા ઘોડાનો તરવરાટ બંનેના દેહમાં જાણે હમચી ખૂંદી રહ્યો છે ! એમાં એક દિવસ આહીરાણીએ આહીરને કાને વાત નાખી : ‘આયર , આપણો દીકરો હવે ઉંમરલાયક થઈ ગયો છે. સારું ઠેકાણું ગોતીને એનો હથેવાળો કરી દઈએ તો કેમ ?’ ‘તારી વાત સાચી છે, આયરાણી !’ આહીરે ઉત્તર વાળ્યો : ‘આપણે હવે દીકરાનાં લગનનો માંડવડો રોપીએ તો એમાં કાંઈ ખોટું નથી; પણ દેવોય આપણા પેટના દીકરા તોલે છે. મને તો થાય છે કે આપણે એ બંનેને એક જ માડવે પરણાવી ઉતારીએ.’ આહીરાણીને પોતાના આહીરની વાત હૈયે વસી ગઈ. મીઠો સૂર પુરાવ્યો : ‘આયર ! તો પછી દેવાને કહો કે સારું ઠેકાણું ગોતી રાખે. એક જ માંડવેથી બેઉની જાનું જોડીએ.’ આહીરે જઈ દેવાને કાને વાત નાખી : ‘દેવા ! મારા મનમાં હવે દીકરાનો માંડવો રોપવાનો વચાર છે. તું પણ હવે તો મારા પેટના દીકરા તોલે છે. તારી નાઇતમાં સારું ઠેકાણું ગોતી લે તો બેઉ ભાઈઓ એક જ માંડવે પરણી ઊતરે.’ ‘તારી વાત તાં સાવ સાચી, આતા ! પણ તમે મને પરણાવો તો કાલે ઊઠીને હલકામાં હલકી નાઇતનો માણસ મારી નાઇતને કહે કે એક આયરે મેરના દીકરાનો હથેવાળો કર્યો ને એની નાઇત જોતી બેઠી રહી ! માટે તમે સારપથી તમારા પંડના પેટનો હથેવાળો કરી લ્યો.’ દેવાને સમજાવવા માટે આહીરે ઘણી દલીલો કરી, પણ તે એકનો બે ન થયો. પાલક પિતા એવા આહીરની વાતનો સમૂળગો છેદ જ ઉડાડી દીધો. આહીરને આખરે પોતાની ઈચ્છાથી હાથ ધોઈ નાખવા પડ્યા. થોડા દિવસમાં આહીરના દીકરાનું સગપણ થયું અને ઘડિયાં લગન લેવાયાં. એને આંગણે ઘટાટોપ આંબા જેવો માંડવડો રોપાયો. માંડવડાની ચોફરતે આસોપાલવનાં તોરણ બંધાયાં. ભીંતેભીંતે મોતી ને આભલાંનાં ભરત ભરેલા ચકળા-ચંદરવા રંગબેરંગી સ્મિત વેરવા લાગ્યા. ટોડલે તાંબા-પીતળની હેલ્યું મલકાટ કરવા માંડી. ઓકળીના મોરલા ગહેકવા માંડ્યા. જોબનવંતી ને રૂપાળી આહીરાણીઓને મીઠે કંઠેથી નીતરતાં લગ્નગીતોની અનેરી ઝકોર દીવાલેદીવાલે રૂડા પડછંદા પાડવા લાગી. દીકરાના લગ્નનો મંગલ અવસર આહીર-આહીરાણીની છાતીઓમાં ફાટફાટ પોરસ ભરવા લાગ્યો. આહીરને ઘેર જાણે સોનાનો સૂરજ ઊગ્યો ! બીજા દિવસની સવારે દીકરાની જાનનાં ગાડાં શણગારાયાં. ધોરીડાની પીઠે હીરભરત ભરેલી રેશમી ઝૂલો ઓઢાડી: માથા પર રંગીન ફૂમતાંવાળી મથરાવટીઓ બાંધી: શિંગડાં પર આભલાં જડેલા ખોભરા ચડાવ્યા અને ડોકમાં પાવલાં-મઢેલા ચામડાના પટાવાળી ઘૂઘરમાળા પહેરાવી. ધોરીડા પણ અવસર વરતી ગયા હોય તેમ પરણેત આહીરાણીનું આભલા સમું ઝગારા મારતું મુખડું જોવા તલપાપડ થવા લાગ્યા. જાન-પ્રયાણનું મુરત થતાં શરણાઈ ગુંજી ઊઠી, ઢોલ ધ્રબક્યા અને જાનનાં ગાડાં વહેતાં થયાં. સોળે શણગાર સજીને ગાડામાં બેઠેલી જાનડિયુંના મીઠા કંઠેથી લગ્નગીતના સૂર રેલાયા :
ધોરા ધામલાનાં સોનાનાં શિંગ, રૂપલાના વઢિયારા જો,ત્રાંબાળુ ધૂંસરિયે ધામલા ઝૂતે માણારાજ !વાગ્યા વાગ્યા કાંઈ ભંગીના ઢોલ, ત્રાંબાળુ ઢોલ જો…શરણાયું વાગે સવરા સાદની માણારાજ !જોવા નીસરિયાં ગામડાનાં લોક : દેશડાનાં લોક જો…કિયા તે વરરાજાની જાનું ઝૂતે માણારાજ !
આવાં મીઠાં લગ્નગીતો રેલાવતી-રેલાવતી આહીરના દીકરાની જાન સસરાના ગામે પહોંચી અને બીજા દિવસે સાંજને ટાણે આહીરાણીને પરણીને પાછી ઘરે આવી ગઈ. કાળાભમ્મર વાદળાંઓની વચ્ચે જેમ વીજળીની રેખા શોભે તેમ કાળા પેરણા, કાળા કાપડા અને કાળા મલીરમાં શોભતી જોબનવંતી નવોઢા આહીરાણી ગાડામાંથી નીચે ઊતરીને કંકુને પગલે ઘર તરફ ચાલી. દેવાએ એ તરફ જોયું અને એનું અંતર વલોવાઈ ગયું : મારા ભાઈબંધને તો એનો જોડીદાર જડી ગયો, હવે હું એકલો શું કરીશ ? રાત પડી. અવનિ પર કાળાંકાળાં અંધારાં ઊતર્યાં. આજ દેવાને એકલાને વાડીએ જવું પડ્યું. પથારીમાં ઘણાંય ગોથાં માર્યાં, પરંતુ આંખમાં નીંદર ઊતરી નહીં. ઉઘાડી આંખમાં રાત વીતી ગઈ. બીજા દિવસની રાતે પણ એમ જ બન્યું. પણ શું થાય ? ભાઈનો સથવારો હમણાં તો એને મળે એમ જ નહોતો. નવોસવો પરણેલો પુરુષ પોતાની પત્નીથી અલગ ન જ રહે એટલું તો એ સમજતો હતો. આમ ને આમ ઘણા દિવસો વહી ગયા. એમાં એક દિવસ દેવાને બખરલા ગામે ચામુંડા માતાજીના મંદિરે માથું ટેકવવા અને મા-બાપને મળવા જવાની ઈચ્છા થઈ. આહીરની રજા લઈ એ બખરલા ગયો. આહીરના કેટલાક નાતીલા દુશ્મનો ઊભા થયા હતા. તેઓને બરાબરનો લાગ મળી ગયો. કાજળની કોટડી જેવી અંધારી રાતનો ઓથ લેતાલેતા ચાર જોરાવર આહીર જુવાનો ધીમે-ધીમે ઝાંપલી ખોલીને વાડીની અંદર દાખલ થયા. ચારમાંથી એક પાસે ધારદાર કુહાડી હતી. તે બિલ્લીપગે જ્યાં આહીરનો મીંઢળબંધો દીકરો સૂતો હતો ત્યાં પહોંચ્યો અને જેવા જોશથી લુહાર લોઢા પર ઘણનો ઘા વજોડે, એવા જોશથી આહીરના દીકરાની ડોક પર કુહાડીનો ઘા વજોડ્યો. કુહાડીના એક જ ઘાએ મીંઢળબંધો આહીરપુત્ર કતલ થઈ ગયો : લોહીની ખાદણ્યુ બોલી ગઈ. આહીરપુત્રનું ઢીમ ઢાળીને ચારેય હત્યારા અંધારામાં ઓગળી ગયા. સવાર પડી અને સોનાનાં નળિયાં થયાં, પણ દીકરો ઘરે આવ્યો નહીં. સૂરજ માથા ઉપર આવ્યો, તોપણ એના આવવાનાં કોઈ એંધાણ વરતાયાં નહીં. આહીરનો જીવ ઊંચો-નચો થવા લાગ્યો : હજુ સુધી દીકરો કેમ નહીં આવ્યો હોય ? જીવ ન રહ્યો તેથી પોતે વાડીએ ગયો. જઈને જુએ છે તો પોતાનો દીકરો પથારીમાં બે કટકા થઈને પડ્યો છે ! આખેઆખો લોહીથી રંગાઈ ગયો છે ! આહીરના મોઢામાંથી હાયકારો નીકળી ગયો. દીકરાના શબ પાસે બેસીને પોક મૂકી. મરશિયા જેવું આહીરનું આક્રંદ સાંભળીને આજુબાજુની વાડીઓવાળા દોડી આવ્યા. સમજદાર માણસોએ કાળજા પર પથ્થર રાખીને જાત સંભાળી અને રડતા આહીરને હૈયું કઠણ કરી લેવા જણાવ્યું. આહીરે મહામુસીબતે હૈયું કઠણ કર્યું. એક જણે ગાડું જોડ્યું. શબને ગાડામાં સુવડાવ્યું. માથે ખેસ ઓઢાડ્યો. શબને ગામમાં લાવ્યા. આજુબાજુના લોકો ભેગા થઈ ગયા. શબને ગાડામાંથી નીચે ઉતાર્યું ત્યાં તો કાળો કળેળાટ મચી ગયો : સાસુ-વહુએ ઘર માથે લઈ લીધું. ‘હાય ! હાય !’ એવા હાયકારાઓથી ડોલતાં ઝાડ થંભી ગયાં, પવન વહેવાનું ભૂલી ગયો. ચારેકોર ઘેરા શોકનું મોજું ફરી વળ્યું. નમતી સાંજને ટાણે દેવો બખરલાથી પાછો આવી ગયો. ઝાંપામાં પગ મૂકતાં જ એને ભાઈની હત્યાની જાણ થઈ. ત્યાંથી પોક મેલતો-મેલતો એ ઘરે આવ્યો. ફળિયામાં ઊભીને ‘ભાઈ રે ભાઈ !’ એવા પોકાર પાડતો-પાડતો એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. કેટલાક લોકોએ એને કાળજું કઠણ કરી લેવા સમજાવ્યો. શાંત પડ્યા પછી દેવો ઘરની અંદર ગયો. આહીરપુત્રનો ખરખરો કરવા ભેગા થયેલા ગામલોકોની વચ્ચોવચ ઊભીને પાલક પિતાને પૂછ્યું : ‘આતા ! મણી ક્યો કે મારા ભાઈનો મારતલ કુણ સે ?’ પોતાના દીકરાને કોણે કતલ કર્યો એની જાણ આહીરને થઈ ગઈ હતી. પણ દુશ્મનોનાં નામ બતાવવા એનું મન માન્યું નહીં. માગસર મહિનાના સાંઢિયા માફક ફાટીને ધુમાડે ગયેલા પોતાના દુશ્મનોનાં નામ જો પોતે દેવાને બતાવશે તો દેવો ક્યાંક ઊંધા પાટા બાંધશે ને એમ એ નવાણિયો કુટાઈ જશે એવી બીકે આહીરે દુશ્મનોનાં નામ બતાવવાનું ટાળ્યું. પરંતુ દેવાએ કેડો મૂક્યો નહીં. જોગમાયાના સોગંદ દીધા. એથી આહીરને નાછૂટકે દુશ્મનોનાં નામ બતાવવાં પડ્યાં. દુશ્મનોનાં નામ સાંભળતાં તો દેવાના ફૂલગુલાબી દેહ માથે સડેડાટ કરતાં છન્નુ હજાર રૂંવાડાં ઊભાં થઇ ગયાં. અંતરમાં દાવાનળ ભડકી ઊઠ્યો. પળનોય વિલંબ કર્યા વિના એણે બારણા આડે પડેલી કુહાડી લીધી. ઘરધણી આયર સહિત બીજા ઘણાએ એને રોકવાની કોશિશ કરી, પણ એ કોઈનો રોક્યો રોકાયો નહીં. આખી પૃથ્વીને નક્ષત્રી કરવા નીકળેલા પરશુરામની જેમ એ ખભે કુહાડી નાખીને, વામવામ લાંબી છલાંગો દેતો દેતો ઘરની બહાર નીકળી ગયો. ફળિયું વળોટીને જ્યાં ડેલીને દરવાજે પહોંચ્યો, ત્યાં કાટવો ધારણ કરેલી આહીરાણીના શબ્દો એને કાને પડ્યા : ‘દેવા ! તું ખરેખરો સેશૂદ મેરાણીને પેટે પાક્યો હોય તો વેર વસૂલ્યા વિના પાછો ફરતો નહીં !’ દેવાના પગ થંભી ગયા. પાછા ફરીને જોયું. કાળીભમ્મર અને મારકણી આંખોવાળી આહીરાણીને બારસાખ પર ઊભેલી દીઠી. કમળની પાંખડી પર જેમ ઝાકળનાં બિન્દુ બાઝેલાં હોય, તેમ આહીરાણીના ગુલાબી ગાલ પર આંસુનાં ટીપાં બાઝેલાં દીઠાં. પરણ્યાની સાથે જ વિધવા બની ગયેલી આહીરાણીનાં એ આંસુએ દેવાના અંતરની આગમાં જાણે ઘી હોમવાનું કામ કર્યું. કુહાડીની ધાર પર હાથ ફેરવીને જવાબ દીધો : ‘ભાભી, તારી સેંથીનો સિંદૂર છીનવી લેનાર નરાધમોનાં માથાં વાઢીને અગિયાર દીમાં હાજર નો કરાં તો મેરાણીના ધાવણને ફટ કીજે !’ આટલું કહીને દેવો ચિત્તાની ઝડપે ડેલીની બહાર નીકળી ગયો. *****
આસોટા ગામમાં આહીરને ઘેર આજે કારજનો અવસર છે. સોરઠિયા આહીરોની તમામ નૂખોના મોવડીઓ કારજવિધિમાં હાજર રહ્યા છે. અગિયાર-અગિયાર દિવસથી આહીર કુંટુંબની આંખોનાં આંસુ સુકાયાં નથી. કોઈએ હજી સુધી ધરાઈને ધાન ખાધું નથી. ચારેક માસ પહેલાં જ પરણીને હરખના હિલોળા દેતી દેતી સાસરે આવેલી જુવાન આહીરાણી તો અગિયાર-અગિયાર દિવસથી નકરા આંસુમાં જ ડબકાં ખાય છે. પરણેતરનો પોષાક ઉતારીને વિધવાનો વેશ ધારણ કરેલી એ આહીરાણીનું વસમું દુ:ખ કોઈથી જોવાતું નથી. બાળાજોગણ જેવી એ બાઈનું મુખડું સહુના દિલમાં અનુકંપાનાં ઝરણાં જગાડે છે. આખો આહીર ડાયરો જ્યારે ઊગતી વયમાં જ વિધવા બનેલી બનેલી આહીરાણીની ચિંતા સેવે છે, ત્યારે ઘરધણી આહીરના મનને દેવાની ચિંતા કોરી ખાય છે. એ જાણે છે કે દેવો વટનો કટકો છે. એ પકડેલો વટ મેલે એવો નથી. એ વેરની વસૂલાત કરવા ગયો છે એને આજે અગિયાર દિવસનાં વહાણાં વાઈ ગયાં છે. પરંતુ એનો કોઈ અતો-પત્તો નથી. એને કશું થયું તો નહીં હોય ને? સાંઢા સરપ જેવા દુશ્મનોએ એનો જીવ તો નહીં લીધો હોય ને ? ચારચાર જોરાબળિયા અને માથાભારે આહીર દુશ્મનો સામે એ એકલો ઊગતી જુવાનીવાળો છોકરો પગ ઠોકીને કેવી રીતે ઊભો રહી શકે ?- આવા અમંગલ વિચારે એનું મન ડામાડોળ કરી નાખ્યું અને એનાથી અનાયાસે બોલી જવાયું : ‘બીજું બધું તો ઠીક, પણ દેવાનું શું થયું હશે ? અગિયાર દિવસથી એના કોઈ વગ નકર વાવડ નથી. શું મારા બીજા દીકરાને પણ…’ ઘરધણી આહીરનું વાક્ય હજુ પૂરું થયું ન થયું ત્યાં સિંહની જેમ ધમધમ ડગલાં ભરતો ભરતો દેવો ડાયરાની વચ્ચોવચ આવીને ઊભો રહ્યો. દેવાને જોઈ આહીરે નિરાંતનો દમ લીધો : ‘આવી ગયો, દીકરા ?’ ‘હા, આતા ! આવી ગયો.’ દેવાનો અવાજ સાંભળીને માંહેલા ઓરડામાં બેઠેલી વિધવા આહીરાણીના કાન ચમક્યા. અગિયાર અગિયાર દિવસથી પેટમાં આગ સંઘરીને બેઠેલી એ આહીરાણી મરજાદનો લોપ કરીને ઉંબરે આવી. ડાયરાની વચ્ચોવચ વચ્ચે એકલવીર સાવજની જેમ ઊભેલા દેવાને પૂછ્યું : ‘દેવા ! વેર વાળીને આવ્યો કે પછી મેરાણીના ધાવણને…?’ ‘હું દેવો ! બખરલાનો મેર ! મેરાણીના ધાવણને ફટ થાવા દાં ?’ ગાંડીવના રણટંકાર જેવો જવાબ દઈને દેવાએ પોટલું વાળેલો ખેસ ઠાલવ્યો : ટપ ! ટપ ! ટપ ! ટપ !… જેમ રૂમાલમાંથી પેપડા ખરે, તેમ પોટલામાંથી ચારચાર જુવાનજોધ આદમીઓનાં માથાં ખરી પડ્યાં ! ડાંગર, ઝિલણિયા, આંબલિયા, કાંબલિયા વગેરે સોરઠિયા આહીરની તમામ નૂખોના મોવડીઓની આંખો ફાટી રહી ગઈ ! પાલક આહીરની સામે જોઈ દેવાએ પૂછ્યું : ‘આતા ! મારા ભાઈના મારતલ આ કે બીજા ?’ ‘બસ, આ પોતેજ.’ એમ કહીને પાલક આહીરે દેવાને ઢગલે રંગ દીધા. ડાયરામાં બેઠેલા તમામ આહીરાનાં મોઢામાંથી પણ શાબાશીનાં વેણ નીકળી ગયાં. વિધવા આહીરાણીના અંતરની આગ તો જાણે એક ઝાટકે ઠરી ગઈ. મેરાણીના ધાવણને ઊજળું કરીને આવેલા દેવા તરફ એના દિલમાં સ્નેહની મીઠી સરવાણી ફૂટી નીકળી… ઘરધણી આહીરે સોરઠિયા આહીરની તમામ નૂખો વચ્ચે જાહેરાત આપી : ‘આજથી દેવો ખૂંટી મારો સગો દીકરો છે. મારી તમામ જમીન-જાગીર, ઢોર-ઢાંખર અને માલ-મિલકતનો આજથી એ સીધી લીટીનો વારસદાર બને છે.’ દેવાને સીધી લીટીનો વારસદાર બનાવીને આહીરે પોતાનો એક બોજ તો ઉતારી નાખ્યો, પરંતુ ડુંગર જેવડો હજુ એક બોજ એના માથા પર હતો : બાળાજોગણ જેવી પુત્રવધૂનું શું ? હજુ તો એ ઊગીને ઓરે ચડી છે. મારગમાં મોટો જન્મારો પડ્યો છે. આવડો મોટો જન્મારો એ એકલપંડે કેમ કાઢી શકશે ? દીકરાનો કારજવિધિ પૂરો થયો અને સાંજે સહુ ડાયરો છૂટો થયો ત્યારે આહીરે પુત્રવધૂ પાસે જઈને કહ્યું : ‘બેટા, અલખધણીએ જે ધાર્યું હતું એ તો થયું, એમાં આપણાથી કંઈ મીનમેખ ન થઈ શકે, પણ તું હવે એકલપંડે દોયલા દા’ડા કેમ કરીને કાઢીશ એ વાત મારા કાળજાને કોરી ખાય છે.’ ‘મામા, લલાટમાં દોયલા દા’ડા કાઢવાનું લખ્યું હોય એ પણ મને-કમને સ્વીકારવું પડે. એમાં વળી આપણાથી શું થાય ?’ આંસુભરી આંખે પુત્રવધૂએ જવાબ આપ્યો. ‘પણ લલાટના એ ભૂંડા લેખ ભૂંસી નાખવાનો ઉપાય તો આપણી પાસે છે !’ સસરાનું કહેવાનું શું છે એ પુત્રવધૂને સમજાયું નહીં, એટલે આહીરે ચોખવટ કરી : ‘દેવાને મેં સગો દીકરો જ ટેવ્યો છે. તું એને માથે છેડો નાખી દે તો સહુ સારાં વાનાં થઈ જાય.’ પુત્રવધૂએ પહેલાં તો ઘણી આનાકાની કરી, પરંતુ સસરાએ બોરબોર જેવડાં આંસુ પાડીને જ્યારે એની સામે આજીજી કરી, ત્યારે એ દેવાનું ઘર માંડવા કબૂલ થઈ. આહીરનો બીજો બોજ પણ જાણે ઊતરી ગયો હોય તેમ એ હળવોફૂલ બનીને દેવા પાસે ગયો અને તેની સામે ખોળો પાથરીને બોલ્યો : ‘દેવા, તારી પાસે એક વચન માંગવું છે. આપીશ ?’ ‘અરે, આતા !’ દેવાએ જવાબ દીધો : ‘તમારે મારી પાસે વચન માગવાનું ન હોય, તમારે તો આજ્ઞા કરવાની હોય.’ આહીર કહે : ‘દેવા, ઘરની લક્ષ્મી દુઃખી રહે તો ઘરમાંથી રધિ ઊડી જાય. તારું ઘર વસાવવા માટે મેં તારી ભાભીને સમજાવી છે અને તે કબૂલ પણ થઈ છે. તારે એ સંબંધ મંજૂર રાખવો પડશે.’ પાલક પિતાની આજ્ઞા દેવાએ મંજૂર રાખી. વિધવા આહીરાણીએ એને માથે છેડો નાખ્યો. આ આહીરાણીથી દેવાને રાજસી નામનો એક દીકરો થયો. પચાસની અવસ્થા સુધી કોઈ આહીરે એને દીકરી દીધી નહીં. તે પછી ગુરગટ ગામના ચાવડા (આંબલિયા) શાખાના એક આહીરે દીકરી દીધી અને થોડો સમય ઘરજમાઈ તરીકે રાખ્યો. ગુરગટ ગામે રાજસી, આંબલીવાળા ફળિયામાં રહ્યો. એ ફળિયું હાલ પણ ‘ખૂંટી ફળિયા’ નામથી ઓળખાય છે. તે પછી રાજસીએ નાના આસોટા ગામ વસાવ્યું. એ અંગેનો એક દુહો, દેવા ખૂંટીની છઠ્ઠી પેઢીએ હાલ હયાત એવા નાગાભાઈ પાસેથી મળે છે અને તે આ મુજબ છે :
રમતો આવ્યો રાજસી, ધ્રપી પોતીકે ધામ; વેર્યાં આશિષ વાછરે : વસાવ આસોટું ગામ.
દેવા ખૂંટીનો રાજસી અને રાજસીના પાંચ પુત્રો થયા. આ પાંચ પુત્રોથી જે વંશ ચાલ્યો, તે સોરઠિયા આહીરની જાતિમાં એક નવો ઉમેરો ગણાયો. તે વંશના આહીર હાલ પણ ‘દેવાણી આહીર’ તરીકે ઓળખાય છે. દેવાણી આહીરોએ પોતાની કુળદેવી તરીકે પણ ચામુંડા માતાજીનો સ્વીકાર કર્યો છે. લગ્નપ્રસંગે તેઓ બખરલા ગામે જઈ, ચામુંડા માતાજીના નૈવેધ કરીને પછી જ છેડાછેડી છોડે છે. આ દેવાણી આહીરના વંશમાં વીરા કાંબલિયા જેવા અનેક મરદ પુરુષો પાક્યા છે.
No Comments