Article by Bharat bapodra

       વજીરાત ઘૂમલી તણી જાતી કરી,

      ‌ અબોલે રા’ તણે શરણે આવ્યો;

       કરમિયા પાટ ઓડેદરા કાંધલે,

       છતાં પણ ન્યાય કેવો ચુકાવ્યો !

       વંથલી આશરો દીએ વર લાડલા,

       મરદ નાગોરીએ દીધાં માથાં :

       અડગભડ તપાસો મેર ઈતિહાસમાં,

       ગૌરવે આળખી યશો-ગાથા.

   રાજવહીવટ બાબતે કોઈ કારણસર ઘૂમલીના રાજા ભાણ જેઠવા સાથે વાંધો પડતાં કાંધલજી ઓડેદરો ઘૂમલીની વજીરાત છોડીને જૂનાગઢના 

રા’ ખેંગાર (ચોથો)ના દરબારમાં આવીને વસ્યો છે. ‘ભલ પરણાવે ભાણ, એક જ માંડવે અઢારસે’ મુજબ એક જ માંડવે અઢારસો કન્યાઓનાં કન્યાદાન કરનાર ભાણ જેઠવાએ પોતાની કુંવરી

રા’ ખેંગાર વેરે પરણાવી છે. રા’ ખેંગારથી આ કુંવરીના પેટે કુંજના બચ્ચા જેવો કુંવર જયસિંહ અવતર્યો છે. રા’ ખેંગારે કુંવરપછેડામાં સસરા ભાણ જેઠવા પાસે ઢાંકનગરીની માગણી કરી. ઢાંકની માગણી થતાં ભાણ જેઠવો અવઢવમાં મુકાઇ ગયો. જેની ભોમકા માથે અગાઉ પ્રેહપાટણ નગરી હતી કે જેને ક્રોધાયમાન થયેલા સિદ્ધ ધૂંધળીનાથે પોતાની તપસ્યાના બળે ‘પટ્ટણ સો દટ્ટણ’ કહીને ખંડેરમાં ફેરવી નાખી હતી અને ત્યારબાદ એ જ ધૂંધળીનાથના ચેલા બાળાજોગી સિદ્ધનાથે ‘લંકેશ સો ઢંકેશ’ એવા નાગાર્જુન જેઠવા પાસે જેનાં ઢંકાયેલાં ખંડેરોને પુન:સજીવન કરાવ્યાં હતાં : જેની ભીંતેભીંતે નાગાર્જુન જેઠવાની સતી સોનરાણીના હેમની શરણાઈ સમા હાથે સોનાની ગાર લીંપાવી હતી અને શાળને દાણે દાણે અક્કેક ઘોડેસવાર ઊભો કરવાનો મંત્ર જાણનાર શાલિવાહને પોતાના ચારણ દ્વારા નાગાર્જુનના દસોંદીને સોગઠાંની બાજીમાં હરાવીને નાગાર્જુન જેઠવાનું માથું માગી લીધા પછી જ્યાં એ નાગાર્જુન જેઠવાના કબંધે (ધડે) લડાઈમાં ઊતરીને શાલિવાહનના દળકટકનો સોથ વાળી દેતાં મૂંગીપુર પાટણના ધણીને લડાઈનું મેદાન છોડીને ભૂંડી રીતે ભાગી નીકળવું પડ્યું હતું : એવી પોતાના પૂર્વજોની રાજધાની ઢાંકનગરી કુંવરપછેડામાં આપવા ભાણ જેઠવાનું મન કબૂલ થયું નહીં. પરંતુ જેઠવો જો ઢાંક આપવાની ના પાડે તો રા’ ખેંગાર પોતાની કુંવરીને માથે માછલાં ધોવે અથવા ઘૂમલી પર કટક ઉતારે ! હવે શું કરવું ?

રા’ ખેંગારને શો જવાબ દેવો ? ભાણ જેઠવાની અકળામણ વધવા લાગી. એવામાં અચાનક એને કાંધલજી ઓડેદરાનું સ્મરણ થઈ આવ્યું. જેઠવો કાંધલજીની રાજ્યભક્તિને બરોબર જાણે છે. પોતાથી રિસાઈને કાંધલજી ખેંગારના દરબારમાં વસ્યો હોવા છતાં પણ એ બંકડો રાજ્યભક્તિ છોડે એવો નથી. કદાચ વધેરાઈ જવાનો વખત આવે તો પણ એની રાજ્યભક્તિ છૂટે નહીં, એવો જેઠવાને કાંધલજી પર ગળા લગણ ભરોસો છે. તેથી ઢાંક આપવા બાબત તેણે તરકીબ અજમાવી: ખત લખીને રા’ ખેંગારને જણાવ્યું : અમારો વજીર કાંધલજી ઓડેદરો અહીંથી રિસાઈને તમારા દરબારમાં વસ્યો છે. ઢાંક બાબતે એની સાથે વાત કરી લેવી.

     રા’ ખેંગારને તો જાણે આકડે મધ મળી ગયું ! કાંધલજી ઓડેદરો ઘણા વખતથી પોતાના દરબારમાં વસ્યો છે. એને સારા હોદ્દા પર નીમ્યો છે. એ થોડો ઢાંક આપવાની ના કહેવાનો છે ? આવું-આવું વિચારતાં રા’ ખેંગારે યુદ્ધના ધોરણે દરબાર ભર્યો. દરબારમાં મોટામોટા ચંદાવતો અને પ્રધાનો ભેળા થયા. હકડેઠઠ દરબારમાં રા’ ખેંગારે પોતાના સસરાનો ખત વાંચીને કાંધલજી ભણી જોયું. રાજ્યભક્તિથી કાંધલજીની છાતી પહોળી થઈ ગઈ છે : આંગળીની કસું તૂટું તૂટું થાય છે : મોઢું ઝગારા દેવા લાગ્યું છે : આખા દેવલોકનાં દૈવત એના કપાળે આવીને વસી ગયાં છે : એના હોઠ મરકમરક મલકે છે. રા’ ખેંગારે એને પૂછ્યું : ઢાંક બાબતે તું શો જવાબ આપે છે, કાંધલજી ?’

     ‘મહારાજ ! અમારો જેઠવો નબળો છે એમ કહું કે ભોળો છે એમ કહું ? કારણ કે એ ચોખ્ખો જવાબ આપી શક્યો નથી.’ રૂપાના ગંઠેલા તાર જેવી દાઢી પર હાથ પસવારતાં-પસવારતાં કાંધલજીએ જવાબ દીધો.

     ‘હા, એટલે જ એણે તારા પર મદાર મૂક્યો છે અને જવાબ પણ તારે જ દેવાનો છે.’ રા’ ખેંગારે જણાવ્યું.

     ‘સાચી વાત છે, મહારાજ ! હવે તો મારે જ જવાબ દેવાનો છે.’ સાગના સોટા જેવી છાતી ટટ્ટાર કરીને કાંધલજી બોલ્યો : ‘અને મારો જવાબ એવો છે કે ઢાંક તો અમારી રાજધાનીની જૂની નગરી છે : અમારી માતૃભૂમિ છે : એ તો અમારી મા કહેવાય. માગાં દીકરીનાં હોય, માનાં માગાં ન હોય, મા’રાજ !

    ‘એટલે તારો ચોખ્ખો જવાબ શો છે, કાંધલજી?’ 

રા’ ખેંગારની ભૃકુટી તંગ થઈ ગઈ. તેની મૂછો થરકવા લાગી.

     ‘ચોખ્ખો જવાબ તો એ જ મહારાજ ! કે કુંવરપછેડામાં ઢાંક નહીં મળે !’ કાંધલજીએ ગરવી જીભે જવાબ દીધો.

     સમમમમ કરતો રા’ ખેંગારના છન્નુ હજાર રૂંવાડાંમાં દાવાનળ ઊઠી ગયો. જેની પાણીદાર તલવાર આગળ સોરઠના મોટામોટા રાજાઓ ઝૂકી ગયા હતા : કેસરી સાવજ જેવી જેની વીરહાંક સુણીને જૂનાગઢમાં બેઠેલાં અલાઉદ્દીન ખીલજીનાં થાણાં ઊઠીઊઠીને ભાગી નીકળ્યાં હતાં : દિલ્હીની વિરાટ મુસ્લિમ સલ્તનત સામે પણ પગ ઠોકીને ઊભું રહી શકે એવું જેનું જોરાવર કટક રોજરોજ જુદાંજુદાં નગરો પર વિજયપતાકાઓ લહરાવ્યે જતું હતું અને એક જ ઘાએ લખચોરાશીના ફેરા મટાડી દ્યે એવા ઝાલા, ગોહિલ અને બીજા રાજપૂત કુળોના ચોરાશી ચંદાવતો ખડેપગે જેની તહેનાતમાં ઊભા હતા એવા રા’ ખેંગારને વાટકી જેવડા ઘૂમલી રાજ્યના એક રિસાયેલા વજીર અને ઘણા વખતથી પોતાની સોડમાં બેઠેલા કાંધલજી ઓડેદરાના આ જવાબથી મિજાજ ફાટીને ફોદા થઈ જાય એવો ઝટકો લાગ્યો ! ગાદી પરથી ઝાટકાભેર ઊભો થઈ જઈને એ તાડૂક્યો : ‘તું ઢાંક આપવાની કોને ના પાડી રહ્યો છે એનું તને ભાન છે, કાંધલજી ? મારી સત્તા તને ચપટીમાં ચોળી નાખશે !’

     ‘મહારાજ !’ કાંધલજી મૂછે તાવ દઈને બોલ્યો : ‘તમે તમારી સત્તાની બીક બતાવતા હો તો એમાં તમે થાપ ખાઓ છો ! બાકી કાંધલજી કોઈથી ડરી જાય એવો કાયર નથી, સમજ્યા ?’

     ‘કાંધલજી !’ રા’ ખેંગારે ત્રાડ નાખી : ‘તું અત્યારે મારે આશરે બેઠો છે, એટલે લાચાર છું, પણ હવે માંડ ભાગવા…. ત્રણ દિવસની મહેતલ આપું છું. ચોથે દિવસે તારી પાછળ મારી વાર ચડશે : તને પાતાળમાંથીય પકડી લેશે !’

     કાંધલજીએ મ્યાનમાંથી તલવાર બહાર ખેંચી. દરબારીઓને થયું કે કાંધલજીએ મહારાજ પર ઘા કરવા માટે તલવાર ખેંચી છે, એટલે તેઓએ પણ સબોસબ પોતપોતાની તલવારો ખેંચી લીધી. કચેરીમાં સમરાંગણ જેવો તાસીરો ખડો થઈ ગયો. પરંતુ કાંધલજીએ મહારાજ પર ઘા કરવા માટે નહીં, એક જ ઘડીમાં મહેતલ પૂરી કરવા માટે તલવાર ખેંચી હતી. કચેરીના ભોંયતળિયા પર પાથરેલા ગાલીચા પર તલવારના ફણાથી ત્રણ લીટા તાણીને કહ્યું : ‘મહારાજ ! આ તમારી મહેતલના ત્રણ દિવસ પૂરા ! હું જાઉં છું. તમારી વારને વાંસે મોકલો !’

     રા’ ખેંગારને આટલું કહી કેસરી સાવજની જેમ ધબધબ ડગલાં દેતો-દેતો કાંધલજી ઓડેદરો કચેરીની બહાર નીકળ્યો. સીધો ઘોડાસરમાં ગયો. ઘોડાસરમાં બાંધેલી પોતાની ઘોડીનો જેરબંધ ઝાલી તેની મોકલી પર ચૂમી લીધી. પછી પીઠ પર ખોગીર મેલી તેના પર સવાર થયો. એરડા (કેશવાલા) શાખાના પોતાના ભાણેજને બેલાડ્યે ચડાવ્યો. ઘોડીના પેડુ પર જોરદાર એડી ફટકારી. ધરતીના વિમાન જેવી ઘોડીએ ઝાડ થઈને લંગૂરી લીધી. પવનવેગી ઘોડીએ પોરબંદરનો કેડો પકડ્યો. વાંસે જૂનાગઢની વાર છૂટી….

     મારતી ઘોડીએ ભાગતો-ભાગતો કાંધલજી બરાબર બપોર નમ્યે વંથલીના પાદરમાં પહોંચ્યો. આ દિવસે નાગોરી વરરાજા વંથલીમાં પરણવા આવેલા છે : ઘેર ઘેર લીલુડા માંડવડા રોપાયા છે : પાદરમાં કોયલ જેવા સાદવાળી શરણાઈઓ વગડે છે : રણિબાંગ ! રણિબાંગ ! એવા અવાજે ઢોલ ધડૂસે છે : કંકુ-ચોખાના છાંટણ સાથે લગ્નનાં મંગલ ગીતો ગવાય છે : વંથલીને આંગણે આજ જાણે સોનાનો સૂરજ ઊગ્યો છે : નવસો નાગોરી વરરાજા અને સેંકડો જાનૈયા ચોરીએથી પરવારીને પાદરમાં આંટા મારે છે : કોઈ કોઈ વળી પટ્ટાબાજીના ખેલ ખેલે છે. એમાંથી વીવાતુ ઘરના કોઈ આદમીએ કાંધલજીની ઘોડીની શંખવાઘ પકડીને કહ્યું : ‘અસવાર ! આજ અમારે આંગણે રૂડો અવસર છે. માટે આજનો દા’ડો આંહીં રહી જાવ.’

     કાંધલજી કહે : ‘અરે ભાઈ ! હું રા’નો દુશ્મન છું. વાંસે જૂનાગઢની વાર હાલી આવે છે. આજ આંહીં રોકાઈશ તો કંકુને ઠેકાણે લોહી ઊડશે : રંગમાં ભંગ પડશે : તમારા વીવા બગડશે.’

     ‘ફકર કરો મા, અસવાર !’ વીવાતુ ઘરના નાગોરી આદમીએ જીભેથી કેસર વેર્યાં : ‘કંકુનાં છાંટણા તો વાણિયાય કરે; અમે તો નાગોરી જાત : પડકારા ઝીલતું કાંટિયાવરણ : લોહીથી રંગાવાનો લહાવો મળશે.’

     નવસો નાગોરી વરરાજાઓએ અને સઘળા જાનૈયાઓએ પણ તેમાં સૂર પુરાવ્યો : ‘હા-હા, અસવાર ! આ લોકોએ અમારું સામૈયું કર્યું અને હવે અમે જૂનાગઢની વારનું સામૈયું કરીએ !’

     હજી આમ વાત ચાલે છે, ત્યાં ઉગમણી દશ્યે ખેપટની ડમરીઓ દેખાણી. પાંચસે ઘોડે જુનાણાની વાર હાલી આવે છે. ઘોડાં કાવાં મારતાં આવે છે. અસવારોના હાથમાં ભાલાં-તલવારો ઝબક ઝબક થાતાં આવે છે. રોગો રણપટિયો બોલતો આવે છે ! કાંધલજીએ કહ્યું : ‘જૂનાગઢની વાર આવી પહોંચી છે, માટે મને હવે જાવા દ્યો.’

     પરંતુ નાગોરી વરરાજાઓ સજ્જડ દીવાલ બનીને કાંધલજીની આડે ઊભા રહી ગયા : કાંધલજીને જાવા ન દીધો. બંને અસવારોને કોઠામાં લઈ જવામાં આવ્યા. નવસો નાગોરી વરરાજાઓને કટકના મુખીએ ડારો દીધો : ‘અમારા દુશ્મનોને સોંપી દ્યો, નહીં તો રગતની નદીઓ વહાવશું !’

     એક વરરાજો બોલ્યો : ‘જુવાન ! તેઓ તમારા દુશ્મન હશે, પણ અમારા તો મે’માન છે. અમારા મે’માનને અમે કેમ સોંપીએ ?’

     ‘એ વરરાજા !’ મુખી તાડૂક્યો : ‘તમે અમારા દુશ્મનોને સંઘરીને વાઘની બોડમાં હાથ ઘાલી રહ્યા છો. આનો અંજામ સારો નહીં આવે હોં ! માટે હજુ પણ કહું છું કે અવસર ન બગાડવો હોય તો અમારા દુશ્મન સુપરત કરી દ્યો.’

     પરંતુ એક પણ નાગોરી બચ્ચો ટસનો મસ ન થયો. છેવટે મુખીએ મામલો મચાવી દેવા કટકને આદેશ દીધો. કટકના જોરાવર સિપાઈઓ નાગોરી વરરાજાઓ પર તૂટી પડ્યા. નાગોરી વરરાજાઓએ પણ વળતો એવો જ જવાબ આપવા કેસરિયાં કરી દીધાં. સામસામી તલવારોની ઝાકાઝીંક બોલવા માંડી. તલવારો ટકરાવાથી તણખા ઝરવા લાગ્યા. વંથલીનું પાદર જાણે સમરાંગણમાં ફેરવાઈ ગયું. જુનાણાના કસાયેલા સૈનિકોએ , જેમ કસાઈ ઘેટાં કાપે તેમ નાગોરી વરરાજાઓની કતલ ચલાવી : મીંઢોળબંધા વરરાજાઓ કંકુને ઠેકાણે લોહીથી રંગાઈ-રંગાઈને મૃત્યુના સાથરા પર પોઢવા લાગ્યા. જોતજોતામાં તો નવસોએ નવસો નાગોરી વરરાજા મૃત્યુને બિછાને ઢળી ગયા. ચોરીએથી ઊઠી-ઊઠી, વરમાળા અને ચૂડીઓ તોડી-તોડી, માથાં નાખતી નાખતી અને સાંભળનારનાં કાળજાં કંપી ઊઠે એવાં આક્રંદભર્યાં મરશિયા ગાતી ગાતી નાગોરણો અનરાધાર આંસુડાં પાડવા લાગી. એમનાં છાતીફાટ રુદન સાંભળીને પવન અટકી ગયો : ઝાડ-પાન થંભી ગયાં : કોટકિલ્લા અણોસરા બની ગયા : માંડવડે માંડવડે જાણે ચુડેલ આંટો મારી ગઈ હોય તેમ ઉલ્લાસને ઠેકાણે શોકનાં પગલાં ઊઠી ગયાં.

     નાગોરણોના મોડિયાનાં મોતી વિખેરાઈ ગયેલાં જોઈ કાંધલજી અને તેના ભાણેજનાં હૈયાં હાથમાં ન રહ્યાં. કોઠાનાં બારણાં તોડીને બંને નીચે કૂદ્યા. કાંધલજીથી નાગોરણોનું કરુણ આક્રંદ સાંભળી શકાયું નહીં : તલવારની ગાળાચી કરીને તેણે પોતાનું માથું ઉતારી લીધું : હાથમાં તાતી તલવાર લઈ તેનું કબંધ ધીંગાણામાં ઊતર્યું : જૂનાગઢના કટક માથે ચડ્યું. વીજળીની જેમ તેની શમશેર લબરકા દેવા માંડી ! કોઈના હાથ કપાયા, કોઈનાં માથાં છેદાયાં, તો કોઈ કોઈ વળી અધવચ શરીરથી છેદાયા. કાંધલજીની બાજુમાં ઊભીને લડતા તેના ભાણેજની તલવારે પણ જુનાણાના સિપાઈઓનો સોથ વાળી દીધો. બચેલા સિપાઈઓ હામ ખોઈ બેઠા અને જીવ લઈને ભાગી નીકળ્યા… કાંધલજીનું કબંધ ભાગતા સિપાઈઓની પાછળ પડ્યું. ઉપર લોહીની શેડ્યો બોલતી જાય છે : માથે જાણે રાતીચોળ કલગિયું રમે છે : છાતીએ જાણે બે આંખો ફૂટી છે ! આગળ સિપાઈઓ ભાગ્યા જાય છે, પાછળ કબંધ તલવારના લબરકા દઈને સિપાઈઓનો સોથ વાળતું જાય છે. કાંધલજીનો ભાણેજ એરડો મેર પણ કબંધની હારોહાર ચાલ્યો આવીને જૂનાગઢી સિપાઈઓના દાંત ખાટા કરતો જાય છે. એક ગાઉ સુધી કાંધલજીના કબંધે સિપાઈઓનો પીછો કર્યો. સીમાડા પર પહોંચ્યા પછી કબંધ પર ગળિયલ દોરો નાખવામાં આવ્યો : કબંધ શાંત પડ્યું.

        તું કાંધલજી કાટક્યો, ફોજાં અંગ ફેલે;

        કાળુઓત મીંડો કિયો, ઘોડાં અંગ ઘેરે.

     (હે કાંધલજી ! મોટી સંખ્યામાં જૂનાગઢની જે ફોજ ફેલાયેલી હતી તેના પર તેં જબર હલ્લો કર્યો. હે કાળુજી મેરના પુત્ર ! તેં જૂનાગઢના ઘોડેસવાર સૈનિકોને ઘેરી લઈને કૂંડાળે કરી દીધા.)

   હરમિયું ઊતરિયું હરખથી, કાંધલને જોવા કોય;

   નાગોરી વર નો’ય, અપસર વરિયો તું એરડા !

   (કાંધલજીનું પરાક્રમ જોવા સ્વર્ગમાંથી અનેક અપ્સરાઓ ઊતરી અને સૌથી વધુ બહાદુરી બતાવનારને પરણવાનું નક્કી કર્યું. આમાં સૌથી વધુ બહાદુરી તો કાંધલજીએ બતાવી હતી, પરંતુ એના ધડ પર માથું નહોતું. અને નાગોરીને વર ન કરી શકાય તેથી અપ્સરાઓ એરડા મેરને વરી ગઈ.)

   બુડાધર, બરડા તણી લંગરી વધારી લાજ;

   કાંધલ આગે કમાડ, આંબો થયો તું એરડા !

   (હે બુડા કેશવાલાના વંશજ ! હે એરડા મેર ! તેં તો બરડાપ્રદેશની કીર્તિ વધારી. તારા શૂરવીર મામા કાંધલજી ઓડેદરાની આગળ કમાડરૂપ બનીને તેં એનું રક્ષણ કર્યું.)

     વંથલીના દરબારગઢમાં જ્યાં કાંધલજીએ પોતાનું માથું વાઢ્યું હતું ત્યાં આજે પણ એનું માથું પૂજાય છે. જ્યાં એનું કબંધ (ધડ) લડતાં-લડતાં પડ્યું હતું તે વંથલીને સીમાડે એની ખાંભી પૂજાય છે.

     ધીંગાણામાં નાગોરીઓ અને કાંધલજીનાં લોહી એકબીજાને મળ્યાં હતાં, તેથી નાગોરી મુસલમાનો અને ઓડેદરા મેરોએ ‘લોહીભાઈ’ તરીકેનો સંબંધ સ્થાપિત કરેલો છે. આજે પણ એ સંબંધ અકબંધ જળવાયેલો છે. ઈ. સ. ૨૦૧૦માં ઓડેદરા મેરો અને નાગોરીઓએ વંથલીમાં એક સ્નેહમિલન પણ કરેલું. વંથલીના પાદરમાં કાંધલજીની પ્રતિમાની સ્થાપના પણ કરવામાં આવેલી છે.   

  • ભરત બાપોદરા
Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *