વ્યક્તિત્વ વિકાસ નો અર્થ એ છે કે જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવા માટે વ્યક્તિત્વના બાહ્ય અને આંતરિક સ્વરૂપ ની વધારે માવજત કરવી સંસ્કૃતમાં પણ કહેવાયું છે તેમ તુન્ડે તુન્ડે મતિ: ભિન્ન: તેમ દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ પણ અલગ અલગ છે. કે આ વ્યક્તિત્વ અને જુદી જુદી રીતે વિકસાવી શકાય છે
વ્યક્તિત્વ વિકાસ ને મૂળ રીતે જોઈએ તો બે શબ્દોનો બનેલો શબ્દ છે ૧.વ્યક્તિત્વ અને ૨.વિકાસ. વ્યક્તિત્વ એ માનવજાત સાથે સંબંધ ધરાવે છે. બાળક જન્મતાંની સાથે જ તેના વ્યક્તિત્વનો પણ જન્મ પણ થાય છે. જેમ જેમ માણસ ઉંમરલાયક થાય તેમ તેમ તેનું વ્યક્તિત્વ પણ વૃદ્ધિ પામે છે જે વ્યક્તિ પોતાનું વ્યક્તિત્વ સુધારે છે તે વ્યક્તિ વધુ સફળ થતી જોવા મળે છે
ભારતીય સમાજ સુધારક અને લેખક ગણેશ દેવી વિકાસ વિશે નોંધે છે કે વિકાસ સાધવાનો અર્થ એ નથી કે વધુ ને વધુ વપરાશની વસ્તુઓ કે વધુ સંપત્તિ પ્રાપ્ત કરવી પરંતુ વિકાસ એટલે મુક્ત અને ભયમુક્ત બનવું અને સ્વતંત્ર જીવન જીવવું.
વ્યક્તિત્વ વિકાસની પ્રક્રિયામાં આત્મવિશ્વાસ, વાતચીતમાં સુધારો, ભાષાશુદ્ધિ, ચોક્કસ શોખ વિકસાવવા,વર્તનમાં શિષ્ટાચાર લાવવો વગેરે જેવા પાયાના પરિબળો કામ કરતાં જોવા મળે છે. વિકાસની પ્રક્રિયા સમયના અમુક ગાળામાં થતી જોવા મળે છે. આજના આધુનિક યુગમાં અને ઝડપી જમાનાના વ્યક્તિત્વ વિકાસના ઢગલાબંધ અભ્યાસક્રમો ચાલે છે પરંતુ એ વાત પણ એટલી જ સાચી છે કે શિક્ષણથી વિકાસ થાય પરંતુ જ્યાં ગરીબી હોય ત્યાં વ્યક્તિ કંઈ શીખી શકે નહીં આમ વ્યક્તિત્વ વિકાસ નો અભ્યાસક્રમ પૂરો કરવાથી કાંઈ વ્યક્તિત્વ નિખારી શકાય નહીં.
માણસના જીવનમાં વ્યક્તિત્વ વિકાસ ને વધુ મહત્વ મળે છે, કારણ કે વ્યક્તિત્વ વિકાસ થકી માણસ સમાજમાં એક અલગ છાપ ઉભી કરી શકે છે. ખાસ કરીને વ્યક્તિત્વ વિકાસ કારકિર્દી ના વિકાસ માં ઘણું બધું મહત્વ ધરાવે છે તેમજ નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા પણ વ્યક્તિત્વ વિકાસ મહત્વનું યોગદાન આપે છે.
વ્યક્તિત્વ વિકાસ એ બીજું કાંઈ નહિ પરંતુ એક સાધન છે કે જે તમને તમારી ક્ષમતા અને તમારી પોતાની તાકાતને સમજવા માટે મદદ કરે છે વ્યક્તિત્વ વિકાસ માણસને વધુ મજબૂત અને ખુશખુશાલ બનાવે છે
એક વખત ગરુડના ઈંડા ને મરઘાં ઇંડા પાસે મૂકવામાં આવ્યુ ,જ્યારે ગરુડનું બચ્ચુ ઈંડા ની બહાર આવ્યું ત્યારે તે મરઘાં જેવું થઈ ગયું અને બીજા ગરુડને જોઈ તેને પૂછ્યું , શુ હું પણ ઉભી શકું? જવાબ ‘ના’ આવ્યો કેમકે તું મરઘો છે. ખરેખર નહીં પરંતુ મનથી મરઘો બની ચૂક્યું હતું.
આકાશમાં ઊડવા માટે પોતાની શક્તિનું ભાન હોવું જોઈએ આપણે પણ કદાચ અજાણતા આપણી શક્તિઓને જાણતા નથી.
હું કોણ છું? પ્રથમ આ વાત જાણવી એજ આપણા જીવનનો ઉદ્દેશ હોવો જોઈએ.
પ્રો. એમ.આર ગરેજા બહુ સારી વાત પોતાના વક્તવ્યમાં કહે છે, તેઓ કહે છે કે ” તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, તમે દેશના વડાની પસંદગી કરી શકનાર એક અસાધારણ વ્યક્તિ છો..”
માણસ પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે પોતાના વ્યક્તિત્વને જાણવું પોતાની અંદર રહેલ દેવત્વને જગાડી તેને વિકસાવવું લ, પોતાની જાત અને વિશ્વ કલ્યાણ માટે ઉપયોગી બન્યું એ જ જીવનનું લક્ષ્ય હોવું જોઈએ.
વ્યક્તિત્વ એટલે શુ? માત્ર સારા કપડાં? ફેશનેબલ હેયર સ્ટાઈલ? આકર્ષક ચહેરો? ફાંકડું અંગ્રેજી બોલવું? પણ, ના. ચિંતન ચરિત્ર અને વ્યવહારમાં શ્રેષ્ઠતા એનું નામ વ્યક્તિત્વ તથા માણસમાં રહેલી આસુરી શક્તિઓને દૂર કરી દેવત્વ જગાડવુ તેનું નામ વ્યક્તિત્વ.!!
સ્વચ્છ શરીર, સ્વચ્છ મન અને પવિત્ર અંતઃકરણનો વિકાસ એ જ વ્યક્તિત્વ વિકાસ…
એવાં કયાં પરિબળો કાર્ય કરે છે કે જેના લીધે અમુક વ્યક્તિઓ નું વ્યક્તિત્વ આપણને આકર્ષે છે. શાળામાં ભણતા ભૂલકાઓ પણ અમુક શિક્ષકોથી વધુ આકર્ષિત થાય છે ત્યારે અમુક થી દૂર રહેવાનું પસંદ કરે છે, શું તે શિક્ષકોએ શિક્ષણકાર્યમાં જરૂરી લાયકાત નહિ મેળવી હોય? જવાબ છે, ના. પણ આ વ્યક્તિના વ્યક્તિત્વમાં અવરોધ પેદા થયેલ હોય જેના લીધે તેનો વિકાસ રૂંધાયો હોય.
ભગવાં કપડાં પહેરી વિદેશમાં વક્તવ્ય આપતાં વિવેકાનંદ દરેકને રૂડા લાગે છે. કહેવાનો તાત્પર્ય એટલું જ છે કે માણસ કપડાથી વ્યક્તિત્વ નિખારી શકતો હોય તો સ્વામીજી સૂટ પહેરીને ભાષણ આપતા હોત!
વ્યક્તિના વ્યક્તિત્વ થકી તે તે સમાજનો વિકાસ શક્ય છે. જે સમાજના લોકો પોતાની જવાબદારીથી પર રહી પોતાનું ઉત્તરદાયિત્વ પોતાના સમાજને નથી આપી શકતા તેવા વ્યક્તિથી બનેલોનો સમાજ ક્યારેય આગળ વધે તેવી શક્યતા બહુ ઓછી છે.
‘ઝાઝાં હાથ રળિયામણા’ કહેવત આપણે સાંભળીએ છીએ પણ આપણે સૌ સાથે મળીને કાર્ય કરવામાં નથી માનતાં, આપણે આપણાથી નબળાની ગણના નબળા તરીકે જ કરીએ છીએ, પૈસાદાર કે નબીરો એ જ સમાજમાં મોટો એવી માન્યતા સમાજમાંથી નાબૂદ નહીં થાય ત્યાં સુધી સમાજનો વિકાસ થવાનો સંભવ નથી.
એક વ્યક્તિની બીજા વ્યક્તિ પ્રત્યેની ઘૃણા એ પણ લાંબા ગાળે સમયના પતનનું કારણ બને છે.
સ્વાવલંબન એ જ સમાજ વિકાસ માટેનો એક માર્ગ છે એક વાર આપણે સ્વનિર્ભર બનવાનો પ્રયત્ન કરીએ અને તેને પ્રાપ્ત કરવા આપણામાં રહેલી શક્તિથી કોશિશ કરીએ તો સંપૂર્ણ સમાજનો વિકાસ થતાં બહુ સમય નહીં લાગે. વિશ્વનું કોઈ પરિબળ આપણને આ કાર્ય કરતા અટકાવી નહીં શકે.
- કરણ મી. દિવરાણીયા (૯૯૦૪૨૫૮૩૨૧)
No Comments