સ્વ. શ્રી કેશવાલા માલદેવ રાણા એજ્યુકેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જીએમસી સ્કૂલ પોરબંદર ખાતે તારીખ 21-06-2024 ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
છેલ્લા દસ વર્ષથી પોરબંદર સ્થિત શ્રી જીએમસી સ્કૂલ શિક્ષણની સાથે વિદ્યાર્થીઓમાં સર્વગુણ સંપન્ન થાય તેવા શુભ આશયથી કાર્ય કરી રહી છે અને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એ માટે હર હંમેશ પ્રયત્નશીલ છે.
આજે વિશ્વભરમાં આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહર સમા યોગ પ્રાણાયામ પ્રસિદ્ધ છે અને લોકો યોગને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરી રહ્યા છે.ત્યારે માનવ જીવનમાં શિક્ષણની સાથે આરોગ્યનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે અને લોકો આરોગ્ય પ્રત્યે જાગૃત બને તે ખુબજ આવશ્યક છે. ત્યારે આપણા સૌની નૈતિક ફરજ બને છે કે આપણા દૈનિક જીવનમાં સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ સહિત વિવિધ યોગાસનોને સ્થાન આપવું જોઈએ.
આજના વિશ્વ યોગ દિવસ નિમિત્તે સંસ્થાના સ્પોર્ટ્સ ટીચર પ્રબિર સર દ્વારા વિદ્યાર્થીઓને સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ સાથે વિવિધ યોગ પદ્ધતિથી માહિતગાર કરી સમૂહ યોગાસનો કરાવ્યા હતા. આ તકે શાળાના વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવાર પણ ખૂબ જ જીજ્ઞાસા સાથે આ યોગ સાધનામાં જોડાયા હતા
સંસ્થાના નવનિયુક્ત પ્રિન્સિપાલ ડો.મીરાબેન ભાટિયા દ્વારા આજના આ યોગ દિવસની ઉજવણી નિમિત્તે પોતાના વક્તવ્યમાં જણાવેલ કે માનવ જીવનમાં આરોગ્યનું ખૂબ જ મહત્વ રહેલું છે અને આપણી સંસ્કૃતિમાં શિક્ષણ અને આરોગ્યના અનુબંધ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. આજે સમગ્ર વિશ્વ આરોગ્યની સુખાકારી પ્રત્યે સજાગ બની યોગ તરફ વળ્યા છે ત્યારે આપણે સૌએ આરોગ્ય તેમજ આપણી સંસ્કૃતિની જાળવણી માટે રોજિંદા જીવનમાં યોગ કરવા જોઈએ. તેઓએ વધુમાં જણાવેલું કે શાળા દ્વારા વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણની સાથે વિદ્યાર્થીઓમાં યોગ્ય સ્કિલનું ડેવલપમેન્ટ થાય તેમજ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય એવા શુભ આશયથી વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે
સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા એ પણ યુકેથી એ પોતાના શુભેચ્છા સંદેશામાં શાળાના પ્રિન્સિપાલ મેડમ, શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓને વિશ્વ યોગ દિવસની ઉજવણી વેળાએ શુભકામનાઓ પાઠવી હતી અને વિદ્યાર્થી જીવનથી જ આરોગ્ય અને શારીરિક કાળજી રાખવી અને જીવનમાં યોગ સાધનાને સ્થાન આપવા આહવાન કરેલું. તેમજ શાળાના નવનિયુક્ત પ્રિન્સિપાલ ડો મીરાબેન ભાટિયાની કાર્યપદ્ધતિ પર વિશ્વાસ વ્યક્ત કરી તેઓને શુભેચ્છા પાઠવી હતી.
જીએમસી શાળા ખાતે વિશ્વ યોગ દિવસના સફળ આયોજન માટે શાળાના પ્રિન્સીપાલ મેડમ, સ્પોર્ટસ ટીચર તેમજ સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.
No Comments