by હમીરભાઈ ખિસ્તરિયા.

સાહેબ…આધુનિક અને ફાસ્ટેસ્ટ યુગમા જીવતો આજનો માણસ,આજનો યુવાન-યુવતી કંઈક વધુ મેળવવાની આશા અને અપેક્ષા ની હાય હોયમા પોતાની પાસે રહેલી સત્તા,સંપતિ અને શાંતિને અવગણી રહ્યો છે.આપણા વડવાઓએ તો ગરીબી અને અમીરી આ બંન્ને વચ્ચેનો તફાવત જોયો પણ છે અને અનુભવ્યો પણ છે.તેણે દુઃખના દિવસો વિતાવ્યા પણ છે અને સુખની સેજ પર શયન પણ કર્યુ છે.પરંતુ આજનો યુવાન માત્રને માત્ર સુખની શૈયા પર જ આળોટતો જોવા મળે છે.સમય સાથે પરિવર્તન જરૂરી છે પરંતુ આ પરિવર્તન કુટુંબ,સમાજ કે રાષ્ટ્રને નુકશાનકારક ના હોવું જોઈએ.આપણને એટલી સમજ તો હોવી જ જોઈએ કે હું ૩૦૦ની ઘડિયાળ પહેરીશ કે ૩૦૦૦ હજારની સમય બંન્નેમા સરખો જ બતાવશે.એવું જરાપણ ના વિચારવું કે એક લાખનો મોબાઈલ ફોન લઈને ફરતો હોઈશ, હું અઠવાડિયામા ત્રણ કે ચાર દિવસ મોંધી મોંધી ફાઇવ સ્ટાર હોટલમા જમવા જઈશ તો લોકો મને બુધ્ધિશાળી અથવા હાઈ સ્ટેટસ ની વ્યકિત તરીકે જ સ્વીકારશે.એવુ માનવું ભૂલભરેલું છે.
સાદાઈથી જીવન જીવતો વ્યકિત પણ સમાજમા,કુટુંબમા કે ગામમા ખૂબ જ આદરને પાત્ર હોય છે.પરંતુ એનો મતલબ એ પણ નથી કે એણે આવતા પરિવર્તનને ન સ્વીકારવું કે નવી બાબતોનો સ્વીકાર પણ ના કરવો. હકારાત્મક પરિવર્તન એકલ-દોકલ વ્યકિત સ્વિકારશે ત્યારે નહિ પરંતુ સમાજના દરેક વ્યકિતઓ સામૂહિક આ પરિવર્તન સ્વીકારશે ત્યારે વ્યકિત વિકાસની સાથે સાથે સમાજ વિકાસને પણ કોઈ રોકી શકશે નહિ.
આજના યુવાન-યુવતિઓએ સમાજની સાથે સાથે પોતાની માનસિકતામા અને સમાજ સંગઠનની વિચારધારામા પણ બદલાવની સાથે પરિવર્તન લાવવું જ પડશે તો જ સમાજ સંગઠિત રહેશે અને સમાજ પ્રગતિની દિશામા આગળ વધી શકશે. આજના યુવાનો અને યુવતિઓએ ટેકનોલોજીના જમાનામા સોશિયલ મિડિયામા જાગરૂકતા સાથે,સમજણ સાથે આગળ વધવું પડશે.સોશિયલ મિડિયાનો બહોળા પ્રમાણમા ઉપયોગ થાય છે પરંતુ કમનસીબી એ છે કે માત્રન માત્ર દશ ટકા ઉપયોગ જ પોતાના હિત માટે,સમાજના હિત માટે થાય છે જયારે નેવું ટકા ઉપયોગ ખોટી દિશામા થઈ રહ્યો છે. આ ઉપયોગ જયારે ૯૦% પોતાના હિત કે સમાજના હિતમા થશે ત્યારે સમાજ એક નવી ઉંચાઈ સુધી પહોંચી જશે તેમા શંકાને કોઈ સ્થાન નથી..
આજના સમયમા લગ્નપ્રસંગે,સામાજીક પ્રસંગે કે અન્ય કોઈ પણ પ્રસંગોમા હોય ત્યારે યુવાધન વડિલો પાસેથી કાંઈક જૂની વાતચીતો થી, એમની રહેણી-કરણીથી ,પરંપરાઓથી શિખવાને બદલે સોશિયલ મિડિયામાં જ રચ્યો-પચ્યો રહે છે જે આવનાર સમયમા સમાજ માટે તેમજ પોતાના સ્વ ના વિકાસ માટે ચિંતાના વાદળા સમાન છે,લાલબત્તી સમાન છે.અને સાથે સાથે વડિલ વર્ગ પણ આ યુવાનોની લતથી એટલાં જ દુઃખી છે,ચિંતિત છે. પોતે એકલતાનો અનુભવ કરતા જોવા મળે છે.એ પોતે પોતાના યુવાન વહાલ સોયા દિકરા-દિકરીઓને ખોટું ના લાગે,એમનો અહંમ ના ઘવાય એટલે કાઈ પણ કહી શકતા નથી.માત્રને માત્ર આ પરિસ્થતિ જોઈએ અંદરો અંદર ઘુટાતા રહે છે,હકિકતમા એ અત્યંત દુઃખી છે,કારણ કે એને પણ પોતાના દિકરા-દિકરીઓના સહવાસની,હૂંફની,પ્રેમની,આદર-સન્માનની ખૂબ જરૂર છે..
દરેક દિકરા-દિકરીઓને આ તકે વિનંતી કે આપ સૌ પરિવર્તન સ્વિકારો,આગળ વધો,નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરો પરંતુ સંસ્કારોના ભોગે નહિ,મા-બાપ પરિવારને દુઃખ કે પીડા આપીને નહિ,પરંતુ એમના માર્ગદર્શન હેઠળ,એમની આમન્યા,મર્યાદા જાળવી, કુંટુંબ,પરિવાર અને સમાજની સભ્યતાના સિમાડા ઓળંગીને નહિ પરંતુ માન,મર્યાદા અને મોભાના વાઘા પહેરીને આગળ વધો.પોતાનું નહિ પરંતુ સૌ નું વિચારીને જયારે આગળ વધવાની હકારાત્મકતા આપણામા પ્રવેશશે ત્યારે પોતે,કુંટુંબ અને સમાજને નવી ઉચાઈઓ પ્રાપ્ત કરશે એ નિર્વિવાદ સત્ય સાબિત થશે એ હકિકત છે…

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *